ફરી એકવાર સુરતમાં ખેલાયો ખૂની ખેલ: બે ઈસમોએ બેરહેમીપૂર્વક દિવ્યાંગ યુવકને રહેંસી નાંખ્યો

સુરતના અમરોલી વિસ્તારમાં ગતરાત્રે ખૂની ખેલ ખેલાયો છે. અમરોલી કોસાડ આવાસમાં રહેતા 26 વર્ષીય સંદીપ શૈલેષ નિશાદ પોતાના મિત્રની દુકાન પર ગઈકાલે રાત્રે બેઠા હતા. આ દરમિયાન કોસાડ આવાસમાં એચ 1 બિલ્ડીંગમાં રહેતા ચિરંજીત અને રોશન સહાની નામના બે ઇસમો સંદીપ પાસે આવ્યા હતા

ફરી એકવાર સુરતમાં ખેલાયો ખૂની ખેલ: બે ઈસમોએ બેરહેમીપૂર્વક દિવ્યાંગ યુવકને રહેંસી નાંખ્યો

ઝી બ્યુરો/સુરત: સુરતના અમરોલી વિસ્તારમાં આવેલ કોસાડ આવાસ ખાતે એક દિવ્યાંગ વ્યક્તિને ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવાતા ચકચાર મચી જવા પામી છે. બે ઈસમોએ આ દિવ્યાંગ યુવાનને ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. જો કે સારવાર દરમ્યાન યુવાનનું મોત નીપજતા અમરોલી પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

સુરતના અમરોલી વિસ્તારમાં ગતરાત્રે ખૂની ખેલ ખેલાયો છે. અમરોલી કોસાડ આવાસમાં રહેતા 26 વર્ષીય સંદીપ શૈલેષ નિશાદ પોતાના મિત્રની દુકાન પર ગઈકાલે રાત્રે બેઠા હતા. આ દરમિયાન કોસાડ આવાસમાં એચ 1 બિલ્ડીંગમાં રહેતા ચિરંજીત અને રોશન સહાની નામના બે ઇસમો સંદીપ પાસે આવ્યા હતા અને અચાનક સંદીપને પગના પાછળના ભાગ પર ચપ્પુના ઘા જીકી દીધા હતા. જેથી સંદીપની હાલત ગંભીર થતા તેના ભાઈ અને પરિવારજનો સારવાર અર્થે સુરતની હોસ્પિટલ લઈ આવ્યા હતા. હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન સંદીપનું મોત નીપજ્યું હતું.

આ મામલે મૃતકના ભાઈએ જણાવ્યું હતું કે મારો ભાઈ સંદીપ છેલ્લા દસ વર્ષથી સુરતમાં રહે છે. અમે મૂળ ઉત્તર પ્રદેશના છીએ. ગઈકાલે મારો ભાઈ તેના મિત્રની દુકાન પર બેઠો હતો તે દરમિયાન આ બંને ઈસમોએ આવી મારા ભાઈને ચપ્પુના ઘા મારી દીધા હતા. આ હત્યા ઝઘડાની અદાવતમાં કરાઈ હોવાની આશંકા છે. રોશન સહાની અને ચિરંજીત શર્મા ઉર્ફે બિહારી એચ વન બિલ્ડીંગમાં રહે છે. આ બંને ઈસમો ઉપર અન્ય એક વ્યક્તિનો હાથ છે. અમે આ મામલે અમરોલી પોલીસમાં તાત્કાલિક ફરિયાદ કરી દીધી છે જેથી અમરોલી પોલીસ દ્વારા આરોપીઓ વિરુદ્ધ હત્યાની કલમનો ગુનો નોંધી તપાસ શરૂ કરાઈ છે. 

ઉલ્લેખનીય છે કે, મૃતક સંદીપ નિશાદ દિવ્યાંગ છે. ચાર વર્ષ પહેલા ટ્રેન અકસ્માતમાં સંદિપનો હાથ કપાઈ ગયો હતો. હાલ રીક્ષા ભાડે ફેરવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. મૃતક સંદીપના પરિવારમાં ત્રણ ભાઈઓ અને માતા-પિતા છે. ત્યારે સંદીપના મોતને પગલે પરિવારજનો શોકમાં ગરકાવ થઇ ગયા છે અને આરોપીઓને કડકમાં કડક સજાની માંગ કરી રહ્યા છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news