બિટકોઇન કૌભાંડનું હબ સુરત: બિટ્સટ્રેડર્સના નામે લોકોએ કરોડો ગુમાવ્યા, એકની ધરપકડ

યુકેના સરનામે રજીસ્ટ્રેશન કરાવી સુરતમાં મોટા વરાછા ખાતે બે અને પુણા ગામ ખાતે એક ઓફીસ ખોલવામાં આવી હતી. જેમાં બીટ્સટ્રેડ્સ તથા બી.એસ.એસ.કોઇનો પ્રચાર કરવામાં આવતો હતો.

બિટકોઇન કૌભાંડનું હબ સુરત: બિટ્સટ્રેડર્સના નામે લોકોએ કરોડો ગુમાવ્યા, એકની ધરપકડ

તેજશ મોદી, સુરત: કેન્દ્ર સરકારના પ્રતિબંધ બાદ બિટકોઇનમાં રોકાણ કરનાર અને કરાવનારાઓને મોટો ફટકો પડ્યો હતો. જોકે તે સમયે રૂપિયાનું રોકાણ કરનારાઓને યોગ્ય વળતર નહીં ળતા હવે ધીમે ધીમે પોલીસ ફરિયાદ કરવામાં આવી રહી છે. જેમાં સુરત સૌથી મોખરે રહ્યું છે. અહીં અનેક લોકોએ કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હતું. ત્યારે વધુ એક ફરિયાદ સીઆઇડી ક્રાઇમના સુરત વિભાગમાં દાખલ કરવામાં આવી છે. સીઆઇડી ક્રાઇમ ખાતે રૂપિયા ગુમાવનાર ફરિયાદીએ સંપર્ક કરતા ગુનો નોંધાયો હતો.

જેમાં જણાવ્યા અનુસાર www.bitstrades.com અને www.bitstradescoin.com નામની વેબસાઇટ પર બિટકોઇનમાં રાકોણ કરવા બદલ ડબલ અને ત્રિપલ રૂપિયા મળશે તેવી લાલચ આપવામાં આવી હતી. યુકેના સરનામે રજીસ્ટ્રેશન કરાવી સુરતમાં મોટા વરાછા ખાતે બે અને પુણા ગામ ખાતે એક ઓફીસ ખોલવામાં આવી હતી. જેમાં બીટ્સટ્રેડ્સ તથા બી.એસ.એસ.કોઇનો પ્રચાર કરવામાં આવતો હતો. આ ઉપરાંત સોશિયલ મીડિયામાં પણ પ્રચાર કરી લલચામણી જાહેરાતો આપવામાં આવતી હતી. 

રાકેશ સવાણી, નિકુંજ સાવલિયા, કલ્પેશ લખાણી, હાર્દિક ઝડફિયા અને અશોક ખાંભના સહિતના મુખ્ય ભાગીદારએ પીરામીડ સિસ્ટમથી લોકો પાસે લાખોનું રોકાણ કરાવ્યું હતું. રોકાણ કરનારાઓ પૈકી 190 જેટલા રોકાણકારોને દેશ અને વિદેશમાં યોજાયેલી મીટિંગમાં લઇ જવામાં આવ્યા હતા. આ રોકાણકારોને રોકાણ કરવા બાદ બેંગકોગ અને સિંગાપુરની ટ્રીપ પણ કરાવવામાં આવી હતી. આરોપીઓએ રોકાણકારોને જણાવ્યું હતું કે, તેમણે કરેલા રોકાણ પર રોજે રોજના 1 ટકા વ્યાજ તથા 0.25 ટકા વ્યાજ તથા આઇસીઓ પીરીયડ દરમિયાન ઉચું બોનસ આપવામાં આવશે.

રોકાણકાર તેમની ડાઉન લાઈનમાં કોઈને રોકાણ કરાવશે તો તેમને સીધુ 7 ટકા કમીશન આપવામાં આપ્વશે, અને તેમની ઉપર અપરલાઈનમાં ચાર લેવલ સુધી કમશઃ 5, 3, 2 અને 1 ટકા રેફરલ મળશે, એટલે કે પીરામીડ સીસ્ટમથી રોકાણ કરાવવાનું જણાવ્યું હતું. જો કોઈ રોકાણકાર તેમની ડાઉન લાઈનમાં 1,000,000 યુરોનું એક માસમાં રોકાણ કરાવશે તો તેમને રોકાણના 10 ટકા એક્ષ્ટ્રા બોનસ આપવામાં આવશે. લોકો લોભામણી અને લલચામણી જાહેરાતોને પગલે મોટી સંખ્યામાં રોકાણ કરવા માટે જોડાયા હતા.

જેથી બીટસટ્રેડસ તથા બી.એસ.એસ. કોઈન જયાર લોન્ચ કર્યો ત્યારે તેનો ભાવ 1 યુરો રાખ્યો હતો, જેનો ભાવ સતત વધારી 8 યુરો સુધી લઇ જવામાં આવ્યો હતો. શરૂઆતમાં રોકાણકારોને રેગ્યુલર વ્યાજ તથા અન્ય કમીશન આપવામાં આવતા હતા. જોકે માર્ચ 2018માં રોકાણકારોને જાણ કર્યા વગર અચાનક વેબસાઈટને વારંવાર મેન્ટેનન્સમાં લઈ જઈ બી.એસ.એસ. કોઈન તેમના વોલેટમાં તરફ આપી દઈ બાદમાં www.bitstrades.com અને www.bitstradescoin.com વેબસાઈટ અચાનક બંધ કરી રોકાણકારોના કરોડો રૂપિયાનું ધોવાણ થયું હતું. આ અંગે એક રોકાણકારે સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

સીઆઈડી ક્રાઈમે રાકેશ સવાણી, નિકુંજ સાવલિયા, કલ્પેશ  લખાણી, હાર્દિક ઝડફિયા અને અશોક ખાંભનાં સામે રૂપિયા 1,64,53,000ની છેતરપિંડીનો ગુનો દાખલ કરી તપાસ શરુ કરી હતી, જેમાં હાર્દિક ઝડફિયાની સીઆઈડી ક્રાઈમ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, હાર્દિકે www.bitstrades.com અને www.bitstradescoin.com વેબસાઈટનું હેન્ડલિંગ કરતો હતો. જયારે અન્ય આરોપીઓને શોધવામાં આવી રહ્યા છે, આ સાથે જ જેઓ પણ બિટકોઈન કે પછી આવી જ કોઈ લલચામણી જાહેરાતોમાં આવી જઈ રોકાણ કરી પોતાની મૂડી ગુમાવી હોય તેમને સીઆઈડી ક્રાઈમનો સંપર્ક કરવા માટે અપીલ પણ કરવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news