લ્યો કરો વાત! '1 કિલો સોનાનો હાર 1 લાખમાં વેચવાનો છે' કહી બે ગઠિયાઓએ દુકાનદારને અજીબોગરીબ રીતે છેતર્યો!
મેડીકલ સ્ટોરના વેપારી લાલચમાં આવી જઈ હાર ખરીદવાની તૈયારી બતાવી હતી અને પોતાની પાસે રહેલા બચતના 1 લાખ રૂપિયા આ બંને ઇસમોને આપી દીધા હતા.
Trending Photos
પ્રશાંત ઢીવરે/સુરત: કામરેજના હલધરૂ ખાતે એક મેડીકલ સ્ટોરના માલિકને એક કિલો સોનાનો હાર સસ્તામાં વેચવાની લાલચ આપીને બે ગઠિયાઓ ખોટું સોનું પધરાવી 1 લાખ પડાવી ગયા હતા. આ મામલે કામરેજ પોલીસ મથકમાં ગુનો પણ નોંધાયો હતો. ત્યારે આ ગુનામાં સંડોવાયેલા એક આરોપીને ડીંડોલી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સુરત જિલ્લાના કામરેજ તાલુકાના હલધરૂ ગામે મુકેશ અછલારામ ચૌધરી મેડીકલ સ્ટોર ચલાવે છે. ગત 28-12-2022 ના રોજ બપોરના બે વાગ્યાના અરસામાં તેઓના મેડીકલ સ્ટોર પર બે ઈસમો આવ્યા હતા અને જણાવ્યું હતું કે "અમારી પાસે રૂપિયા પાંચ લાખની કિંમતનો એક કિલો સોનાનો હાર છે. મારી બેનના લગ્ન હોવાથી આ હાર વેચવાનો છે. અમને વારસાઈમાં મળેલ હોવાથી બજારમાં આ હારને વેચી શકતા નથી તમારે રૂપિયા એક લાખમાં હાર ખરીદવો છે?" જેથી મેડીકલ સ્ટોરના વેપારી લાલચમાં આવી જઈ હાર ખરીદવાની તૈયારી બતાવી હતી અને પોતાની પાસે રહેલા બચતના 1 લાખ રૂપિયા આ બંને ઇસમોને આપી દીધા હતા.
એટલું જ નહી મેડીકલ સ્ટોર માલિકે હારની ખરાઈ કરવાનું કહેતા બે પૈકીના એક ઇસમેં હારમાંથી એક દાણો તોડીએ ઘસીને મેડીકલ સ્ટોર સંચાલકને સોનું સાચું હોવાનો વિશ્વાસ પણ અપાવ્યો હતો. અને બાદમાં બંને 1 લાખ રૂપિયા લઈને ત્યાંથી ફરાર થઇ ગયા હતા. જો કે બાદમાં મેડીકલ સ્ટોર સંચાલકને શંકા જતા તેઓએ સોની પાસે ખાતરી કરાવતા હાર ખોટો અને ધાતુનો હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોતાની સાથે ઠગાઈ થઇ હોવાનો અહેસાસ થતા તેઓએ આ મામલે કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
દરમ્યાન ડીંડોલી પોલીસને માહિતી મળી હતી કે “સુરત જિલ્લાના કામરેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચીટીંગના ગુનામાં વોન્ટેડ આરોપી વિનોદ મારવાડી ડીંડોલી સાંઈ પોઇન્ટથી આગળ આવેલ ગોડાદરા બ્રિજ નીચે ઉભો છે” બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી 25 વર્ષીય આરોપી વિનોદ દિનેશ મારવાડીને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી ૩૫ હજારની રોકડ કબજે કરી હતી.
પોલીસે આરોપીની કડક પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે આજથી પાંચેક માસ અગાઉ પોતે કામની શોધમાં વડોદરા શહેર ખાતે ગયો હતો તે વખતે એક ચા ની લારી ઉપર તેને ટીનાભાઇ ઉર્ફે ટીનીયો નામનો માણસ મળ્યો હતો અને તે પોતે લોકોને ખોટું સોનુ પધરાવી ચીટીંગ કરતો હોય પોતાની સાથે કામ કરવાનું જણાવ્યું હતું.
દરમ્યાન બંન્ને સુરત જિલ્લાના કામરેજ તાલુકાના હલધરુ ગામે ગયા હતા અને ત્યાં મેડિકલ સ્ટોરના વેપારીને એક કિલો સોનાનો હાર સસ્તામાં આપવાની લાલચ આપી રૂપિયા એક લાખ પડાવી લઈ ખોટો સોનાનો હાર પધરાવી દઈ નાસી ગયા હતા અને વેપારી પાસેથી મળેલ રૂપિયા એક લાખમાંથી 50,000 ટીનાભાઇ તથા પચાસ હજાર પોતે રાખેલ હોવાનું જણાવ્યું હતું. આ સમગ્ર મામલે ડીંડોલી પોલીસે આરોપીનો કબજો કામરેજ પોલીસને સોપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે