5 મહિનામાં જ ભ્રષ્ટાચારની પોલ ખૂલી! 'સુદર્શન સેતુ' પર ગાબડા, તિરાડો અને પોપડા ઉખડ્યાં
કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ ટ્વીટ કરીને સવાલ ઉઠાવ્યા છે. માત્ર 149 દિવસમાં જ સુદર્શન બ્રિજના રોડમાં સળિયા દેખાવા લાગતાં ભ્રષ્ટાચારને ઢાંકવા તંત્ર દોડતું થયું અને થીગડાં મારવામાં આવ્યાં છે.
Trending Photos
ઝી બ્યુરો/દ્વારકા: દેવભૂમિ દ્વારકાના સુદર્શન બ્રિજના રોડમાં માત્ર 5 મહિનામાં જ ગાબડાં પડ્યાં છે અને રોડ પર સળિયા દેખાવા લાગ્યા છે. જી હા...980 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા દ્વારકાના સુદર્શન બ્રિજના રોડમાં ગાબડાં પડી ગયાં છે, પોપડાં ઊખડી ગયાં છે. ત્રણ જગ્યાએ સળિયા દેખાઈ રહ્યા છે. સાઈડની દીવાલમાં પ્લાસ્ટર ઊખડી ગયેલું જોવા મળ્યું છે. રેલિંગને પણ કાટ લાગી ગયો છે.
ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિત ચાવડાએ દ્વારકાની ઓળખ સમાન બ્રિજના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ ટ્વીટ કરીને સવાલ ઉઠાવ્યા છે. માત્ર 149 દિવસમાં જ સુદર્શન બ્રિજના રોડમાં સળિયા દેખાવા લાગતાં ભ્રષ્ટાચારને ઢાંકવા તંત્ર દોડતું થયું અને થીગડાં મારવામાં આવ્યાં છે.
તમને જણાવીએ કે સુદર્શન બ્રિજના ભ્રષ્ટાચારની પ્રથમ ચોમાસે પોલ ખોલી નાખી છે. સુદર્શન બ્રિજમાં ત્રણ જગ્યાએ પોપડાં ઊખડી ગયાં છે. એટલું જ નહીં, લોખંડના સળિયા પણ ઊપસીને બહાર આવી ગયા છે. અમુક જગ્યાએ સાઈડની દીવાલમાં પ્લાસ્ટર ઊખડી ગયાનું જાણવા મળ્યું છે અને સુદર્શન બ્રિજની રેલિંગ પણ પહેલા જ વરસાદે કટાઈ ગઈ છે.
જો કે જે બ્રિજના રોડમાં સળિયા દેખાવા લાગ્યા છે તેના પર મારેલાં થીગડાં કેટલા દિવસ ચાલશે તે એક મોટો સવાલ છે. હજુ તો 25 ફેબ્રુઆરીએ જ ખુલ્લો મૂકાયો હતો દેવભૂમિ દ્વારકાનો સુદર્શન બ્રિજ. અને 149 દિવસમાં તો બ્રિજના રોડમાં ગાબડાં પડી ગયાં છે. પ્રથમ ચોમાસામાં જ સુદર્શન બ્રિજમાં ખામી સામે આવતા અનેક સવાલો ઉભા થયા છે. સમગ્ર ઘટનાક્રમ બાદ તપાસ સહિતની તાજવીજ હાથ ધરાઈ છે.
તમને જણાવી દઈએ કે ગત ફેબ્રુઆરી મહિનામાં બેટદ્વારકાને ઓખામંડળ સાથે જોડતા લગભગ અઢી કિલોમીટર લાંબા કેબલ-સ્ટેઇડ બ્રિજનું લોકાર્પણ કરાયું હતું. જે બ્રિજનું નામ 'સુદર્શન સેતુ'અપાયું છે. આ બ્રિજ ભારતનો સૌથી લાંબો કેબલ-સ્ડેઇડ બ્રિજ છે.
આ સેતુ બૃહદ 'દેવભૂમિ દ્વારકા કૉરિડૉર'નો ભાગ છે, આ બ્રિજ રૂ. 980 કરોડના ખર્ચે તૈયાર થયેલો છે. જેમાં બંને બાજુ ફૂટપાથ પર સોલાર પૅનલ લગાડવામાં આવી છે, જે એક મૅગાવૉટ વીજળીનું ઉત્પાદન કરશે. આ સિવાય બ્રિજની બંને બાજુએ શ્રીમદ્દ ભગવદ્દગીતાના ઉપદેશ તથા શ્રીકૃષ્ણની અલગ-અલગ તસવીરો ચિત્રિત કરવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે