22 વિદ્યાર્થીઓનું ભવિષ્ય હોમાયા બાદ તંત્ર દોડતું થયું, કરી આ કામગીરી... પણ હવે શું?

સુરતમાં 22 વિદ્યાર્થીઓનો ભોગ લેનારી આગની દુર્ઘટના બાદ ગુજરાત સરકાર સફાળી જાગી હોય તેમ નગરપાલિકા વિસ્તારોમાં ફાયર સેફ્ટીની જોગવાઈઓનું પાલન થયું છે કે કેમ તે તપાસવા આદેશ જારી કર્યાં છે. 

22 વિદ્યાર્થીઓનું ભવિષ્ય હોમાયા બાદ તંત્ર દોડતું થયું, કરી આ કામગીરી... પણ હવે શું?

અમદાવાદ :સુરતમાં વિદ્યાર્થીઓ સાથે બનેલી હીચકારી ઘટનાના પડઘા ગુજરાતમાં પડ્યા છે. સુરતમાં 22 વિદ્યાર્થીઓનો ભોગ લેનારી આગની દુર્ઘટના બાદ ગુજરાત સરકાર સફાળી જાગી હોય તેમ નગરપાલિકા વિસ્તારોમાં ફાયર સેફ્ટીની જોગવાઈઓનું પાલન થયું છે કે કેમ તે તપાસવા આદેશ જારી કર્યાં છે. બીજી બાજુ આ ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં તંત્ર દ્વારા ટ્યુશન ક્લાસીસ અને જ્યાં ફાયરની સુવિધા નથી ત્યાં લાલ આંખ કરવામાં આવી છે. ત્યારે જોઈએ કે, ગુજરાતના કયા શહેરમાં કેવા પગલા લેવામાં આવ્યા છે. 

જામનગરમાં કાર્યવાહી
જામનગરમાં ફાયર સેફટી વિહોણા ક્લાસિસ અને રેસ્ટોરન્ટ પર તંત્રએ કડક પગલા લીધા છે. આ કામગીરીમાં 133 ક્લાસીસ ફાયર સેફ્ટી વિહોણા હોવાનું સામે આવ્યું છે. તો 7 જેટલા રૂફટોપ રેસ્ટોરન્ટ પણ ફાયર સેફ્ટી વિહોણા નિકળ્યા. મનપાએ તમામની તપાસ હાથ ધરી બંધ કરવાનો આદેશ આપ્યો છે. 

કચ્છમાં કાર્યવાહી
સરકારના આદેશના પગલે કચ્છમાં કલેક્ટરે નગરપાલિકાઓના ચીફ ઑફિસરો, મામલતદારો અને શિક્ષણ વિભાગ સહિતના સંબંધિત વિભાગોને તાકીદે રીપોર્ટ સુપ્રત કરવા આદેશ જારી કર્યો છે. હોટેલ-રેસ્ટોરન્ટ, થિયેટર, શાળાઓ, હોસ્પિટલો, ટ્યુશન ક્લાસીસની ઈમારતોમાં ફાયર સેફ્ટી સહિતના મુદ્દાઓ ચકાસવા સરકારી તંત્રોની વિવિધ ટૂકડીઓ કામે લાગી છે. કલેક્ટરના આદેશના પગલે ભૂજ નગરપાલિકાના ફાયર ઑફિસર, શોપ ઈન્સ્પેક્ટરની ટીમે ખાસ ડ્રાઈવ યોજી હતી, અને ત્યાર બાદ ફાયર સેફ્ટી વગર ચાલતાં 8 ટ્યુશન ક્લાસીસને તુરંત બંધ કરી દેવાયાં છે. ફાયર સેફ્ટીની એનઓસી લીધા બાદ જ પુનઃ શરૂ કરવા તાકીદ કરાઈ છે.  

સુરતમાં મોટી કાર્યવાહી
આગ લાગવાનો બનાવ સુરતમાં જ બન્યો હોવાથી સુરત તંત્ર દ્વારા કડક પગલા લેવામાં આવ્યા છે. સુરત મનપા દ્વારા 866 ટ્યુશન કલાસિસ સંચાલકોને નોટિસ મોકલવામાં આવી છે. નોર્થ ઝોનમાં 63, લિંબાયત ઝોનમાં 151, સાઉથ ઝોનમાં 123, ઇસ્ટ ઝોનમાં 229, અઠવા ઝોનમાં 93, સેન્ટ્રલ ઝોનમાં 95 તથા વેસ્ટ ઝોનમાં 95 ટ્યુશન ક્લાસિસ સંચાલકોને નોટીસ મોકલવામાં આવી છે. ત્રણ દિવસમાં ફાયર સેફ્ટીના સાધનો મૂકાવવા પડશે તેવું પોલીસ કમિશ્નરનું પણ ટ્યુશન ક્લાસિસ માટેનું જાહેરનામું પાડવામાં આવ્યું છે. ફાયર સુવિધા નહીં હોય તો સંચાલકો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. 

Photos : પ્લોગીંગ રન : અમદાવાદના મ્યુ. કમિશનરે પણ રસ્તા પરથી કચરો ઉઠાવ્યો...

પાટણમાં 205 સ્થળોએ તપાસ
પાટણમાં તંત્રએ ક્લાસીસ, બિલ્ડીંગ, હોસ્ટેલ તેમજ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીની સુવિધાઓ કેવી છે તેની તપાસ કરવામાં આવી હતી. જિલ્લામાં 205 સ્થળોએ તપાસ બાદ 101 સ્થળો પર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો હતો. તંત્ર દ્વારા ફાયર સેફ્ટી સહિત મંજૂરી વગર ચાલતા 98 સ્થળોના માલિકોને નોટિસ ફટકારી છે. પાટણમાં 21 ,સિદ્ધપુરમાં 19, રાધનપુરમાં 14, સમી હારીજ અને શંખેશ્વર મળી 44 સ્થળો મળી 98 માલિકોને નોટિસ મોકલી છે.

અરવલ્લીમાં 145 સ્થળો પર દરોડા 
સુરતની ઘટના બાદ અરવલ્લીમાં તપાસનો દોર શરૂ થયો છે. અરવલ્લીમાં 11 ટીમો દ્વારા 145 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. ફાયરના માપદંડો મુજબ NOC નહિ લેનારને નોટિસો ફટકારાઇ છે. ક્લાસીસ, સ્કૂલ, હોસ્પિટલ, થિયેટર, હોટેલ તથા વિવિધ હોસ્ટેલ પર તપાસ કરાઈ છે. જિલ્લામાં અલગ અલગ 70 ક્લાસીસ સહીત 64 હોસ્પિટલોને પણ નોટિસો અપાઈ છે. ફાયરના સાધનો અંગે નિર્દેશ કરી કાર્યવાહી કરાઈ છે. જિલ્લાની પાલિકા, આરોગ્ય, શિક્ષણ, માર્ગ-મકાન સહિતના વિભાગો જોડાયા હતા.  

અમદાવાદમાં 1456 સ્થળે નોટિસ મોકલાઈ
અમદાવાદમાં પણ ટ્યૂશન ક્લાસીસ સામે કામગીરી કરવામાં આવી છે. AMC દ્વારા શહેરભરમાં 1456 સ્થળે નોટિસ આપવામાં આવી છે. 71 ટીમ બનાવી 208 કર્મચારીઓએ આ કામગીરી કરી હતી. AMCના સાતેય ઝોનમાં આ રીતે કડક પગલા લેવામાં આવ્યા છે. 

ગાંધીનગરમાં પણ ફાયરસેફ્ટીનો અભાવ
સુરતની ઘટનાને પગલે ગાંધીનગર મહાનગરપાલિકાએ સપાટો બોલાવ્યો હતો. કુલ 51 મિલકતોમાં ફાયરસેફ્ટીની ચકાસણી કરાઈ હતી, જેમાં 34 મિલકતોને તાત્કાલિક બંધ કરવાનો આદેશ કરાયો છે. મોટાભાગની મિલકતોમાં ફાયરસેફ્ટીનો અભાવ જોવા મળ્યો હતો. ગાંધીનગર મહાનગરપાલિકાએ તાત્કાલિક અસરથી એનઓસી અને ફાયર સેફ્ટી વગરની મિલકતોને બંધ કરવાના આદેશો આપ્યા છે. હોસ્પિટલોને સાત દિવસમાં એન.ઓ.સી. મેળવવા માટેની મુદત આપવામાં આવી છે. ગાંધીનગર મહાનગરપાલિકાએ 19 ટ્યુશન ક્લાસીસ, 4 હોટલ અને રેસ્ટોરન્ટ, 1 મોલ-કોમ્પ્લેક્સ, 8 હોસ્ટેલ અને 2 લાઇબ્રેરીને તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવી છે. તો 6 હોસ્પિટલને સાત દિવસમાં ફાયર એનઓસી લેવા માટે મુદત આપવામાં આવી છે.
 
વડોદરામાં 112 કોચિંગ ક્લાસીસને સીલ કર્યાં
વડોદરા ફાયર વિભાગની કડક કાર્યવાહી કરી ફાયર વિભાગે 112 કોચિંગ કલાસીસોને સીલ કર્યાં છે. એક જ દિવસમાં ચાર ટીમોએ આ કાર્યવાહી કરી હતી. તેમજ કોચિંગ કલાસીસના વીજ કનેક્શન પણ કાપી નાંખવામાં આવ્યા છે અને તમામને ફરજિયાત ફાયરની NOC લેવા તાકીદ કરાઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news