વન વિભાગનું મોટું અભિયાન: આ બે પક્ષીઓના પગમાં GPS ટ્રાન્સમીટર લગાવાયા, હવે રોજ સર્વે થશે
રાજ્યમાં કુલ 609 પ્રજાતિના પક્ષીઓ વસવાટ કરે છે. વિશ્વમાં જોવા મળતી કુંજની કુલ 15 પ્રજાતિઓમાંથી 3 પ્રજાતિ ગુજરાતમાં જોવા મળે છે. આ ત્રણ પૈકી બે પ્રજાતિઓ ‘કરકરા’ તેમજ ‘કુંજ’ પક્ષીઓનો આઇ.યુ.સી.એન રેડ લિસ્ટમાં ‘લીસ્ટ કન્સર્ન્ડ’ અનુસુચીમાં સામેલ છે.
Trending Photos
ભાવિન ત્રિવેદી/જૂનાગઢ: ગુજરાત રાજયમાં કરકરા, કુંજ પક્ષીઓનું વૈજ્ઞાનિક અભ્યાસ અર્થ સેટેલાઇટ ટેલિમેટ્રી ચીપ સાથે સોલાર સંચાલિત જીપીએસ સિસ્ટમ ફીટ સાસણ વન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.
રાજ્યમાં કુલ 609 પ્રજાતિના પક્ષીઓ વસવાટ કરે છે. વિશ્વમાં જોવા મળતી કુંજની કુલ 15 પ્રજાતિઓમાંથી 3 પ્રજાતિ ગુજરાતમાં જોવા મળે છે. આ ત્રણ પૈકી બે પ્રજાતિઓ ‘કરકરા’ તેમજ ‘કુંજ’ પક્ષીઓનો આઇ.યુ.સી.એન રેડ લિસ્ટમાં ‘લીસ્ટ કન્સર્ન્ડ’ અનુસુચીમાં સામેલ છે. જ્યારે ભારતમાં વન્યપ્રાણી અધિનિયમ ધારો-1972 ની અનુસુચી-4 માં આ પક્ષીઓને કાયદાકીય સુરક્ષા આપવામાં આવેલ છે. વિશ્વમાં કરકરા પક્ષીની સંખ્યા અંદાજીત 2,30,000 – 2,61,૦૦૦, જ્યારે કુંજ પક્ષીની અંદાજીત સંખ્યા 4,91,૦૦૦ – 5,03,૦૦૦ માનવામાં આવી રહી છે.
આ પક્ષીઓની સ્થળાંતરની રીત, વસવાટ સ્થાનની પસંદગી, વ્યાપ વિસ્તાર, દરરોજની ગતિવિધીના અભ્યાસાર્થે અને તેના આધારે ગુજરાત રાજયમાં ભવિષ્યમાં તેના સંરક્ષણ માટેની યોજના બનાવવાના હેતુથી વન્યપ્રાણી વિભાગ, સાસણ-ગીર, ગુજરાત વન વિભાગ દ્વારા સક્ષમ સત્તાધિકારી પાસેથી પુર્વ મંજુરી મેળવી કરકરા અને કુંજ પક્ષીઓને સેટેલાઇટ ટેલીમેટ્રી મારફત વૈજ્ઞાનિક અભ્યાસ કરવા માટે એક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ટેગીંગ ટીમ દ્વારા સૌ-પ્રથમ એક સર્વે હાથ ધરવામાં આવેલ હતો અને ત્યારબાદ કુશળ અને અનુભવી ટ્રેપરોની મદદથી પક્ષીઓને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી.
આ પ્રોજેક્ટ અંતર્ગત કુલ બે કરકરા અને બે કુંજ પક્ષીઓ એમ કૂલ ચાર પક્ષીઓને સૌર-ઉર્જાથી ચાલતા લેગ-માઉન્ટ પ્રકારના (પગ પર લગાડી શકાતા) જીએસએમ-જીપીએસ ટ્રાન્સમીટર લગાવવામાં આવેલ છે. ટેગીંગ કાર્ય દરમિયાન તમામ પ્રકારની સાવચેતી રાખવામાં આવેલ છે. વન્યપ્રાણી વિભાગ, સાસણ-ગીર ખાતેના ગીર હાઇટેક મોનિટરીંગ યુનિટમાં આ ટેગ કરેલા પક્ષીઓનું સતત નિરીક્ષણ કરવામાં આવશે.
આ અભ્યાસ દ્વારા મેળવવામાં આવેલ વૈજ્ઞાનિક માહિતી આ પ્રજાતિઓ માટે ભવિષ્યમાં સંરક્ષણની વ્યુહરચના બનાવવામાં અતિ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. આ માહિતી દ્વારા પક્ષીઓના શિયાળા દરમિયાનના અને પ્રજનન સ્થળોને સંલગ્ન તેમના સ્થળાંતર, વસવાટસ્થળની પસંદગી વગેરે બાબતની માહિતી મળી શકશે સાસણ ગીર ના DFO ડો.મોહન રામ અને નાયબ વન સંરક્ષક વન્યપ્રાણી વિભાગ, સાસણ-ગીરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે