વડોદરા પાલિકાની આધાર સિસ્ટમ બની ‘નિરાધાર’ : અઠવાડિયાથી લટકે છે આ નોટિસ

Smrat City Digital India : વોર્ડ ઓફિસમાં કામ કરતા સ્માર્ટ સિટીની આ સ્માર્ટ કર્મચારીઓ દ્વારા ઓફિસ બહાર એક નોટીસ લગાવવામાં આવી છે. જેમાં લખવામાં આવ્યું છે કે હાલમાં આધારની કામગીરી એક અઠવાડિયા સુધી બંધ રહેશે
 

વડોદરા પાલિકાની આધાર સિસ્ટમ બની ‘નિરાધાર’ : અઠવાડિયાથી લટકે છે આ નોટિસ

Vadodara News હાર્દિક દિક્ષીત/વડોદરા : એક તરફ વડોદરાના વહીવટદારો સ્માર્ટ સિટી, ડિજીટલ ઇન્ડિયાના નામે મોટામોટા બણગા ફૂંકે છે, ત્યારે વડોદરા શહેરમાં લાઈનમાં ઊભા રહો એને ઓનલાઈન કહેવાય જેવી પરિસ્થિતિની નિર્માણ થયું છે. અત્યારના આધુનિક સમયમાં કેન્દ્ર સરકાર દ્વારા તમામ સરકારી કચેરીના કાર્યો ઓનલાઈન થાય અને અરજદારોનો સમય ન વેડફાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે વડોદરા કૉર્પોરેશનની વિવિધ વહીવટી કચેરીઓમાં ઓનલાઇન સિસ્ટમના નામે ધાંધિયા જોવા મળી રહ્યા છે. જેના કારણે નાગરિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી વોર્ડ 6 ની કચેરી ખાતે છેલ્લા ઘણા દિવસો થી ટેકનિકલ ખામીના કારણે આધાર કાર્ડને લગતી કામગીરી બંધ છે. જેના કારણે છેલ્લા દસ દિવસથી અહીં આવતા અરજદારો ધક્કા ખાઈ રહ્યા છે.

વોર્ડ ઓફિસમાં કામ કરતા સ્માર્ટ સિટીની આ સ્માર્ટ કર્મચારીઓ દ્વારા ઓફિસ બહાર એક નોટીસ લગાવવામાં આવી છે. જેમાં લખવામાં આવ્યું છે કે હાલમાં આધારની કામગીરી એક અઠવાડિયા સુધી બંધ રહેશે. અહી આશ્ચર્ય એ વાતનું થાય કે અહી આ નોટીસ છેલ્લા દસ દિવસથી લટકી રહી છે. એટલે એનો અર્થ એ થાય કે કોર્પોરેશનના સ્માર્ટ કેલેન્ડરમાં અઠવાડિયામાં કેટલા દિવસો હોય તેની કોઈ મર્યાદા નથી.

વોર્ડ 6 ની ઓફિસે આધાર કાર્ડ માટે ત્રણ ત્રણ વખત ધક્કો ખાઈ ચૂકેલા અરજદાર નિશાંત સિંહ ઝાલાએ ઝી24કલાક સાથે ની વાતચીત માં જણાવ્યું હતું કે, તેઓને આવતા મહિને વિદેશ જવાનું છે. પાસપોર્ટની કામગીરી માટે આધારમાં સુધારો કરાવવો જરૂરી છે. ત્યારે તેઓ આજથી દસ દિવસ પહેલા વોર્ડ 6 ની કચેરી ખાતે પહોંચ્યા હતા. પરંતુ અહી આધારની કામગીરી એક અઠવાડિયા માટે બંધ હોવાની નોટિસ વાંચી પરત ફર્યા હતા. એક અઠવાડિયા બાદ ફરી એક વખત વોર્ડ ઓફિસે પહોંચ્યા તો ફરી એ જ નોટિસ ચીપકાવેલી જોવા મળી હતી.

નિશાંત સિંહ ઝાલાએ આ જ પ્રમાણે આધાર કાર્ડમાં સુધારા માટે વોર્ડ ઓફીસના ત્રણ ત્રણ ધક્કા ખાધા હતા. બાદમાં કર્મચારીને આધારની કામગીરી ક્યારે શરૂ થશે તેમ પૂછતા કર્મચારીએ જણાવ્યું હતું કે, નોટિસમાં સ્પષ્ટ લખેલું છે કે એક અઠવાડિયા બાદ આવવું. કર્મચારીનો આ પ્રકારનો જવાબ સાંભળી ત્યાં હાજર અન્ય અરજદારો રોષે ભરાયાં હતાં અને ભારે હોબાળો મચાવ્યો હતો.

વોર્ડ 6 ની કચેરી ખાતે આધાર કાર્ડની કામગીરી માટે નાગરિકો છેલ્લા ઘણા દિવસોથી ધક્કા ખાઈ રહ્યા છે. પરંતુ તેમને યોગ્ય જવાબ આપનાર કોઈ નથી. ત્યારે સ્માર્ટ સિટીની સ્માર્ટ સિસ્ટમના કારણે વધુ એક વખત નાગરિકોને પરેશાની વેઠવાનો વારો આવ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news