ગુજરાતમાં આ તારીખથી ખૂલશે સ્કૂલો, લોકડાઉન બાદની સૌથી મોટી જાહેરાત
Trending Photos
- 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ની સ્કૂલો શરૂ કરાશે
- ગુજરાતમાં કોઈ પણ ધોરણમાં માસ પ્રમોશન આપવામાં નહિ આવે
- શાળામાં વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત નથી. ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ રહેશે
- શાળામાં આવતા વિદ્યાર્થીઓના વાલીઓની સહમતી મેળવવાની રહેશે
ઝી મીડિયા/બ્યૂરો :આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ હતી. જેમાં ગુજરાતભરમાં સ્કૂલો શરૂ (schools reopen) કરવા અંગે મોટો નિર્ણય લેવાયો છે. આ વિશે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા (bhupendrasinh chudasama) એ કહ્યું કે, 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12 તથા પોસ્ટ ગ્રેજ્યુએટ, અંડર ગ્રેજ્યુએટનું શિક્ષણ ચાલુ કરવાનો નિર્ણય કરાયો છે. આ નિર્ણય ગુજરાત રાજ્યના તમામ બોર્ડ, સ્વનિર્ભર, ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ શાળાઓને લાગુ પડશે. તો સાથે જ ધોરણ 3 થી 9 સુધીના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે. આ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન નહિ અપાય. આ અંગે કેન્દ્ર સરકારની એસઓપીનો રાજ્ય સરકારે વિચાર કર્યો. તમામ એસઓપી તમામ સંસ્થાઓને મોકલી આપવામાં આવી છે. ત્યારે શાળાઓએ તમામ એસઓપીનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક, સ્વચ્છતાનું પાલન કરવાનું રહેશે. આ સાથે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન નહિ મળે તેવી પણ જાહેરાત ગુજરાત સરકાર દ્વારા કરાઈ છે. જેથી ગુજરાતમાં કોઈ પણ ધોરણમાં માસ પ્રમોશન આપવામાં નહિ આવે.
સીધી રીતે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની વાત નકારી કાઢી છે. જોકે, વિદ્યાર્થીઓને સ્કૂલ આવવાનું મરજિયાત કરાયું છે. સાથે જ વિદ્યાર્થીઓને વાલીઓની સહમતિ બાદ સ્કૂલમાં આવવા દેવાશે. આમ, સરકારના આ નિર્ણયની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી. ગુજરાત સરકારના આ નિર્ણયથી ગુજરાતમાં 11 જાન્યુઆરીથી શાળા અને કોલેજ ખૂલશે.
માસ પ્રમોશન નહિ અપાય
માસ પ્રમોશન અંગે જાહેરાત કરતા શિક્ષણમંત્રીએ કહ્યું કે, જેટલુ ભણાવીશું તેની પરીક્ષા લેવાશે, વિદ્યાર્થીઓને માસ પ્રમોશન નહિ અપાય. ગુજરાતમાં બોગસ ડિગ્રી અંગે કોઈ પણનો પણ ક્યાંય આ પ્રકારનું કામ ચાલતુ નથી. દરેક યુનિવર્સિટીમાં તપાસ કરી છે. તપાસ ચાલુ છે. જો કોઈ કસૂરવાર હશે તો સખતમાં સખત પગલા લેવાશે.
ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ રહેશે
શિક્ષણમંત્રીએ કહ્યું કે, શાળામાં વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત નથી. આ શિક્ષણકાર્ય ઉપરાંત ઓનલાઈન શિક્ષણ ચાલુ છે તે પણ ચાલુ રહેશે. અન્ય વર્ગોને શરૂ કરવા માટે તબક્કાવાર નિર્ણય લેવાશે. આગામી દિવસોમાં તબક્કાવાર અન્ય જાહેરાતો પણ કરાશે.
શાળાઓએ કઈ કઈ સૂચનાઓનું પાલન કરવાનું રહેશે
- શાળાઓએ તમામ એસઓપીનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે
- સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક, સ્વચ્છતાનું પાલન કરવાનું રહેશે
- શાળામાં થર્મલગન, સાબુ વગેરેની વ્યવસ્થા કરવાની રહેશે.
- ક્લાસ રૂમમાં બેઠક વ્યવસ્થામાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે.
- શાળામાં આવતા વિદ્યાર્થીઓના વાલીઓની સહમતી મેળવવાની રહેશે. આ અંગેના ફોર્મ મોકલી આપવામાં આવ્યા છે
- વિદ્યાર્થી અને શિક્ષક શાળામાં આવે ત્યારે ફરજિયાત માસ્ક પહેરવાનું રહેશે
- તમામ એસઓપીનું પાલન કરાવવાની જવાબદારી અધિકારી, શાળાના પ્રિન્સીપાલ, સંચાલકોની રહેશે
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે