ગુજરાત હાઈકોર્ટના નવા મુખ્ય ન્યાયાધિશ તરીકે કોલેજિયમે કરી જસ્ટિસ વિક્રમ નાથની ભલામણ

સુપ્રિમ કોર્ટના કોલેજિયમ દ્વારા દેશની 8 હાઈકોર્ટના ચીફ જસ્ટિસના નામની ભલામણ કરી છે, જેમાં ગુજરાત, આંધ્ર પ્રદેશ, સિક્કિમ, ગૌહાટી, પંજાબ અને હરિયાણા, હિમાચલ પ્રદેશ, કેરળ અને રાજસ્થાન હાઈકોર્ટનો સમાવેશ થાય છે 
 

ગુજરાત હાઈકોર્ટના નવા મુખ્ય ન્યાયાધિશ તરીકે કોલેજિયમે કરી જસ્ટિસ વિક્રમ નાથની ભલામણ

નવી દિલ્હીઃ ગુજરાત હાઈકોર્ટના નવા મુખ્ય ન્યાયાધિશ તરીકે સુપ્રીમ કોર્ટના કોલેજિયમ દ્વારા અલાહાબાદ હાઈકોર્ટના જસ્ટિસ વિક્રમનાથના નામની ભલામણ કરી છે. વર્તમાનમાં ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અનંત દવે છે અને તેઓ ડિસેમ્બર, 2019માં નિવૃત્ત થવા જઈ રહ્યા છે. 

ઉલ્લેખનીય છે કે, આ વર્ષની શરૂઆતમાં કોલેજિયમે જસ્ટિસ વિક્રમનાથને આંધ્ર પ્રદેશ હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ બનાવવા કેન્દ્ર સરકારને ભલામણ કરી હતી. કોલેજિયમે આજે પસાર કરેલા ઠરાવ મુજબ 22 ઓગસ્ટના રોજ કેન્દ્ર સરકારે જસ્ટિસ વિક્રમનાથના નામ પર ફરીથી વિચારણા કરવા માટે ફાઈલ પાછી મોકલી હતી. આથી, કોલેજિયમે ફરીથી ચર્ચા-વિચારણા કર્યા પછી જસ્ટિસ વિક્રમનાથને ગુજરાત હાઈ કોર્ટના નવા મુખ્ય ન્યાયાધિશ બનાવવા માટેનો પ્રસ્તાવ મોકલ્યો છે. 

જસ્ટિસ વિક્રમનાથે વર્ષ 1986માં કાયદાની ડિગ્રી મેળવી હતી. ત્યાર પછી તેમણે 1987માં અલાહાબાદ હાઈ કોર્ટમાં પ્રેક્ટિસ શરૂ કરી હતી. વર્ષ 2004માં તેમને અલાહાબાદ હાઈ કોર્ટના એડિશનલ જજ બનાવાયા હતા. વર્ષ 2006માં તેમની અલાહાબાદ હાઈ કોર્ટના કાયમી ન્યાયાધિશ તરીકે નિમણૂક કરાઈ હતી. 

કોલેજિયમ દ્વારા આપવામાં આવેલા આ પ્રસ્તાવ પર કેન્દ્ર સરકાર હવે નવેસરથી વિચારણા કરશે અને પછી મંજુરી આપશે. 

કોલેજિયમે 30 ઓગસ્ટના રોજ કરેલી ભલામણો 

  • જસ્ટિસ વિક્રમ નાથ, ગુજરાત હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ તરીકે.
  • જસ્ટિસ જે.કે. માહેશ્વરી, આંધ્ર પ્રદેશના હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ તરીકે. 
  • જસ્ટિસ અજય લાંબા, ગૌહાટી હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ તરીકે. 
  • જસ્ટિસ રવિ શંકર ઝા, પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ તરીકે.
  • જસ્ટિસ એલ. નારાયણ સ્વામી, હિમાચલ પ્રદેશ હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ તરીકે. 
  • જસ્ટિસ એસ. મણીશંકર, કેરળ હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ તરીકે. 
  • જસ્ટિસ ઈન્દ્રજીત મહંતી, રાજસ્થાન હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ તરીકે.
  • જસ્ટિસ અરૂપ કુમાર ગોસ્વામી, સિક્કિમ હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ તરીકે.  

જુઓ LIVE TV...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news