વરસાદે ભારે કરી! સૌરાષ્ટ્રના 48 ગામ સંપર્ક વિહોણા બન્યા, જામજોધપુરના સોગઠી ડેમમાં ગાબડું પડ્યું

Gujarat Rains : દ્વારકા, જૂનાગઢ અને પોરબંદરમાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તારો ફેરવાયા બેટમાં,,, જૂનાગઢમાં ભારે વરસાદથી 76 રસ્તા તૂટ્યા,,, 48 ગામો સંપર્ક વિહોણાં

વરસાદે ભારે કરી! સૌરાષ્ટ્રના 48 ગામ સંપર્ક વિહોણા બન્યા, જામજોધપુરના સોગઠી ડેમમાં ગાબડું પડ્યું

Saurastra Flood : છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 151 તાલુકામાં વરસાદ પડ્યો છે. આજે પણ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. આ વચ્ચે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર, ગુજરાતના આ બે ઝોનમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે.. સૌરાષ્ટ્રમાં ખાસ કરીને દ્વારકા, જામનગર, રાજકોટ અને જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ વરસાદ ખાબક્યો.. સૌરાષ્ટ્રમાં વરસાદે સપાટો બોલાવતા કેટલાય ગામો બેટમાં ફેરવાયા અને પાણીએ તારાજી સર્જી દીધી. ઉનાનો મછુંદ્રી ડેમ પણ આખરે ઓવર ફલો થયો છે. શિંગોડા હિરણ1 હિરણ બે(કમલેશ્વર) બાદ ગીર નો વધુ એક ડેમ ઓવર ફલો થયો. ગીરમાં પડી રહેલ વ્યાપક વરસાદ બાદ ગીર સોમનાથ અને જૂનાગઢના લગભગ ડેમો ઓવર ફલોની સ્થિતિમા આવી ગયા છે. 

સોગઠી ડેમમાં ગાબડું પડ્યું, તંત્ર એલર્ટ થયું
જામજોધપુર તાલુકાના સોગઠી ડેમમાં ગાબડું પડતા જિલ્લા વહીવટી તંત્ર સતર્ક બન્યું. લાલપુર પ્રાંત અધિકારી, સિંચાઈ  વિભાગના ઇજનેર તથા મામલતદારે જામજોધપુરે ડેમ સાઇટ ખાતે પહોંચી સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો. સ્થળાંતરની સ્થિતિ ઉભી થાય તો ત્વરિત કાર્યવાહી સારું હેઠવાસના દરેક ગામોમાં જરૂરી સ્ટાફની નિમણૂંક કરાઈ. ભારે વરસાદને કારણે જામજોધપુર તાલુકાના જસાપર પાસે આવેલ સોગઠી ડેમમાં ગાબડું પડવાથી જિલ્લા વહીવટી તંત્ર તથા પોલીસ તંત્ર સતર્ક બન્યું છે. હાલ લાલપુર પ્રાંત અધિકારી અસવાર, સિંચાઈ વિભાગના ઈજનેર અકબરી, જામજોધપુર મામલતદાર કેતન વાઘેલા તથા તાલુકા વિકાસ અધિકારી બલદાણીયા વગેરેએ ડેમ સાઈટની સ્થળ મુલાકાત લઈ સમગ્ર સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે.જો પાણીનું વહેણ વધે અને જાનમાલનું નુકસાન અટકાવવા લોકોનું સ્થળાંતર કરવાની સ્થિતિ ઉભી થાય તો હેઠવાસમાં આવતા દરેક ગામોમાં નાયબ મામલતદાર, તલાટી સહિતના સ્ટાફની જરૂરી કાર્યવાહી કરવા પ્રાંત અધિકારી લાલપુર દ્વારા ફાળવણી કરવામાં આવી છે.મામલતદાર કચેરી જામજોધપુરના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતે પણ પળેપળની જરૂરી વિગતો મેળવી તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

કલ્યાણપુરમાં તારાજી
કલ્યાણપુર તાલુકામાં ગઈકાલ વહેલી સવારથી જ મેઘરાજાની તોફાની બેટિંગને લઇને અનેક લોકો પાણીમાં ફસાયા હતા. સમગ્ર ગ્રામ્ય પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. કલ્યાણપુર તાલુકાના અલગ અલગ ત્રણ ગ્રામ્ય વિસ્તારોમાં 11 લોકો પાણીમાં ફસાયા હતા. કેશવપુર, ગામે 4 વ્યક્તિઓ જ્યારે ટંકારીયા ગામે 4 વ્યક્તિઓ ફસાતા તંત્ર દ્વારા રેસ્ક્યુ કરાયા હતા. તેમજ પાનેલી ગામે 3 વ્યક્તિઓ ફસાતા હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. પાનેલી ગામે રેશક્યું કરાયેલા 3 લોકોને હેલીકોપ્ટર દ્વારા જામનગર લઇ જવામાં આવ્યા છે.જિલ્લામાં કુલ 15, ડેમો માંથી 8 આઠ ડેમો ઓવરફ્લો થઇ ચુક્યા છે.

નવસારીમાં વરસાદ રોકાતો જ નથી
નવસારી જિલ્લામાં હવામાન વિભાગની આગાહી અનુસાર ભારે વરસાદ વરસી રહ્યો છે. મોડી રાતથી જિલ્લાના ગણદેવી, ચીખલી અને ખેરગામમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. રાતે 12 થી સવારે 6 વાગ્યા સુધીના 6 કલાકમાં ખેરગામ તાલુકામાં 3.20 ઈંચ વરસાદ ખાબક્યો. ભારે વરસાદને કારણે જિલ્લામાં પૂર્ણા અને કાવેરી નદીમાં જળસ્તર વધ્યા છે. કાવેરી નદી 11 ફૂટ તો અંબિકા નદી 11.48 ફૂટ ઉપર પહોંચી છે. બંને નદીમાં જળસ્તર વધતા કેટલાક લો લેવલ પુલ નદીના પાણીમાં ગરકાવ થયા છે. આજે પણ નવસારી જિલ્લામાં હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે. સતત વરસાદી માહોલથી નવસારીમાં જનજીવન પ્રભાવિત બન્યું છે. ચીખલી તાલુકામાં પણ 6 કલાકમાં 2.87 ઈંચ વરસાદ વરસ્યો. તો ગણદેવી અને વાંસદા તાલુકામાં 2-2 ઈંચ વરસાદ નોંધાયો. આ ઉપરાંત નવસારી અને જલાલપોર તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો.

આજે સવારે 6 વાગ્યે પૂરા થતા 24 કલાકના વરસાદી આંકડા
નવસારી : 119 મિમી (4.95 ઈંચ)
જલાલપોર : 104 મિમી (4.33 ઈંચ)
ગણદેવી : 81 મિમી (3.37 ઈંચ)
ચીખલી : 150 મિમી (6.25 ઈંચ)
ખેરગામ : 139 મિમી (5.79 ઈંચ)
વાંસદા : 74 મિમી (3.08 ઈંચ)

સવારે 6 વાગ્યે જિલ્લાની નદીઓની જળ સપાટી
પૂર્ણા : 10 ફૂટ (ભયજનક : 23 ફૂટ)
અંબિકા : 10.48 ફૂટ (ભયજનક : 28 ફૂટ)
કાવેરી : 11 ફૂટ (ભયજનક : 19 ફૂટ)

જિલ્લાના ડેમની જળ સપાટી
જૂજ ડેમ : 157.60 મીટર (ઓવરફ્લો લેવલ : 167.50 મીટર)
કેલિયા ડેમ : 107.60 મીટર (ઓવરફ્લો લેવલ : 113.40 મીટર)

રણજીતસાગર અને સસોઈ ડેમ છલકાયા 
જામનગર શહેરની જીવદોરી સમાન ગણાતા રણજીતસાગર અને સસોઈ ડેમ ઓવરફ્લો થતા શહેરીજનોમાં ભારે ખુશીનો માહોલ છે. જ્યારે જામનગર મનપા વિપક્ષ, શાસક પક્ષ, મેયર, ધારાસભ્યો અને શહેર ભાજપ તથા શહેર કોંગ્રેસ સંગઠન દ્વારા રણજીતસાગર ખાતે નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા. જામનગરમાં ચાલુ વર્ષે મેઘરાજા મહેર વર્ષાવી રહ્યા છે અને ચોમાસા દરમિયાન અત્યાર સુધીમાં કુલ 25 માંથી 16 થી વધુ જળાશયો પાણીથી છલોછલ થયા છે, ત્યારે જામનગર શહેરની જીવાદોરી સમાન ગણાતા રણજીતસાગર અને ત્યારબાદ સસોઈ ડેમ પણ હવે ઓવરફલો થતા જામનગર શહેરને આગામી દોઢ વર્ષ સુધી પીવાના પાણીની સમસ્યા દૂર થઈ છે. જ્યારે સસોઈ ડેમમાંથી ખેડૂતોને સિંચાઈનું પાણી પણ મળી રહે છે જેથી ખેડૂતોની સમસ્યાનું પણ નિરાકરણ આવ્યું છે.  

કચ્છમાં વરસાદ
કચ્છમાં હવામાન ખાતાની આગાહી મુજબ ભારે વરસાદ શરૂ થયો છે. કચ્છના અલગ અલગ તાલુકાઓમાં રાત્રીના 1 વાગ્યાથી વરસાદ વરસી રહ્યો છે. નખત્રાણા, ભુજ, માંડવી, અબડાસા, લખપત માં રાત્રે ધીમીધારે શાંત વરસાદ વરસી રહ્યો છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news