ખેડબ્રહ્માના પૂર્વ ધારાસભ્ય જેઠાભાઈ રાઠોડનું 86 વર્ષની વયે નિધન, પરિવાર સાથે વાતો કરતા આંખો મીંચાઈ

ગત રાત્રિના પરિવારજનો સાથે વાતો કરતા કરતા આંખો મીંચાઈ ગઈ હતી. ખેડબ્રહ્માના કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરી પૂર્વ ધારાસભ્યના ઘરે પહોંચ્યા હતા. જ્યાં જેઠાભાઈ રાઠોડને ઘરે પહોંચી પુષ્પાંજલિ આપી હતી. 

ખેડબ્રહ્માના પૂર્વ ધારાસભ્ય જેઠાભાઈ રાઠોડનું 86 વર્ષની વયે નિધન, પરિવાર સાથે વાતો કરતા આંખો મીંચાઈ

શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા: ખેડબ્રહ્માના પૂર્વ ધારાસભ્ય જેઠાભાઈ રાઠોડ 86 વર્ષની વયે નિધન થયું છે. છેલ્લા એક મહિનાથી પૂર્વ ધારાસભ્ય ટેબડા ગામે પોતાના ઘરે જ બીમારીના કારણે ખાટલામાં હતા. ત્યારે ગત રાત્રિના પરિવારજનો સાથે વાતો કરતા કરતા આંખો મીંચાઈ ગઈ હતી. ખેડબ્રહ્માના કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરી પૂર્વ ધારાસભ્યના ઘરે પહોંચ્યા હતા. જ્યાં જેઠાભાઈ રાઠોડને ઘરે પહોંચી પુષ્પાંજલિ આપી હતી. 

ખેડબ્રહ્માના પૂર્વ ધારાસભ્ય જેઠાભાઈ રાઠોડના ગામની સીમમાં સાબરમતી નદી કિનારે અગ્નિસંસ્કાર કરાયા હતા. તમને જણાવી દઈએ કે ગુજરાત વિધાનસભામાં સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માના ધારાસભ્ય રહી ચૂકેલા જેઠાભાઈ રાઠોડ  વર્ષ 1967થી 1971 સુધી ખેડબ્રહ્માના ધારાસભ્ય પદે રહ્યા હતા. કોંગ્રેસના ઉમેદવારને 17 હજાર મતથી હરાવી અપક્ષ ઉમેદવાર ધારાસભ્ય બન્યા હતા. 1967-1971 દરમિયાન ગુજરાત વિધાનસભામાં ખેડબ્રહ્મા વિધાનસભાના ધારાસભ્ય હતા. 

તમને જણાવી દઈએ કે, જેઠાભાઇ રાઠોડ સાઈકલ પ્રવાસ કરી સ્થાનિક કોંગ્રેસ ઉમેદવાર સામે સ્વતંત્ર પક્ષના ઉમેદવાર તરીકે 17 હજારથી વધુ મત મેળવી વિજેતા થયા હતા. એટલું જ નહીં જેઠાભાઇ રાઠોડ એસ.ટી. બસમાં ખેડબ્રહ્માથી ગાંધીનગર જતા હતા. 

આજે પણ બીપીએલ કાર્ડ પર જીવન વિતાવતા હતા
ભારતમાં હવે નેતા ચૂંટાઈ આવતા જ કરોડપતિ બની જતા હોય છે. ચાર-પાંચ વર્ષોમાં તો તેમની કરોડોની સંપત્તિ ઉભી થઈ જતી હોય છે. પરંતુ એક સમય એવો પણ હતો, જેમાં નેતાઓ હકીકતમાં જનતાની સેવા કરવા માટે ચૂંટણી લડતા હતા, અને ચૂંટણી જીત્યા બાદ લોકોના કામ કરીને તેમના આર્શીવાદ મેળવીને જ તેમનુ પેટ ભરાઈ જતું. ખેડબ્રહ્મા-વિજયનગર બેઠક પરથી સ્વતંત્ર પક્ષના ઉમેદવાર રહીને ધારાસભ્ય બનેલા જેઠાભાઈ રાઠોડ આજે પણ બીપીએલ કાર્ડ ધરાવતા હતા અને ગરીબીમાં જીવન વિતાવ્યું.

ઝૂંપડા જેવુ ઘર, દીકરાઓ મજૂરી કામ કરે છે 
ન તો જેઠાભાઈનુ ઘર વૈભવી છે, ન તો તેમના ઘરની બહાર ગાડી ઉભી છે. તેમનુ ઝૂંપડા જેવુ ઘર જોવુ હોય તો વિજયનગર તાલુકાના ટેબડા ગામમાં જવુ પડે. જ્યાં તેમને વડલાઓથી વારસામાં મળેલુ ઝૂંપડા જેવુ ઘર છે. તેમના પાંચ દીકરા આજે પણ મજૂરી કામ કરે છે. સાંજ પડ્યે એટલુ કામ મળી જાય છે કે ઘરમાં બે ટંકનુ ભોજન બને. 

પાંચ વર્ષમા એકપણ રૂપિયો ભેગો ન કર્યો
86 વર્ષની વય વટાવી ચૂકેલા જેઠાભાઈ ભરવાડ પોતાના સિદ્ધાંતો પર જીવન જીવ્યા. ખેડબ્રહ્મા-વિજયનગર બેઠક પરથી સ્વતંત્ર પક્ષના ઉમેદવાર તરીકે 17 હજાર મતથી જીત્યા હતા. કોંગ્રેસના ઉમેદવારને 17,000થી વધુ મતોથી હરાવ્યા હતા. 1967થી 1971 સુધી આ વિસ્તારના ધારાસભ્ય રહ્યા હતા. પાંચ વર્ષની ટર્મ દરમ્યાન એમણે હરામનો એક રૂપિયો પણ ભેગો ન કર્યો. પ્રમાણિકતાથી જીવન જીવ્યા બાદ આજે પણ તેઓ બીપીએલ લાભાર્થી તરીકે જીવન જીવ્યા. 

સચિવાલય સુધી જવા બસમાં મુસાફરી કરતા 
બીજી તરફ કહો કે, સરકારને આવા પ્રમાણિક ધારાસભ્યોની કોઈ પડી નથી. સ્વભાવે સેવાભાવી જેઠાભાઈએ પોતાના મત વિસ્તારમાં લોકો માટે ખૂબ કામ કરેલું. ખાસ કરીને રસ્તા અને તળાવોનાં ખૂબ કામો કરાવેલા. એ જમાનામાં પોતે સાયકલ પર ગામેગામ જતા અને લોકોના પ્રશ્નો જાણતા. સચિવાલય જવું હોય તો એસ.ટી. બસમાં મુસાફરી કરતા.

86 વર્ષની વય વટાવી ચુકેલા ધારાસભ્યને પ્રમાણિક્તા પર જીવવાને આજે ગરીબીમાં સબડવાનો વારો આવ્યો છે. સરકાર પણ તેમની સામે નજર નથી કરતી. તેમને કે તેમના પરિવાર સુધી કોઈ સરકારી સહાય પહોંચી નથી. ન તો તેમને પેન્શન મળે છે! લોકોનાં આંસુ લુછનારા આવા ધારાસભ્યનાં આંસુ લુછવાની કોઈને પડી નથી. મોટાભાગના રાજકારણીઓને તો ખબર પણ નહીં હોય કે આવો એક ગરીબ ધારાસભ્ય ગુજરાતમાં જીવતા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news