રાજકોટની જીવાદોરી સમાન આજી ડેમ ઓવરફ્લો, મુખ્યમંત્રીએ કર્યાં નવા નીરના વધામણા
રાજકોટ શહેરને કુલ ત્રણ જેટલા ડેમમાંથી પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. જે પૈકી આજી-૧ ડેમ, ન્યારી-૧ ડેમ ઓવરફ્લો થઇ ચુક્યા છે જ્યારે ભાદર 1 ડેમ પણ ઓવરફ્લો થવાથી માત્ર 3 ફૂટ બાકી છે.
Trending Photos
રક્ષિત પંડ્યા/રાજકોટઃ રાજકોટવાસીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ શહેરના તમામ જળાશયો ઓવરફલો થઇ ચૂક્યા છે. રાજકોટનો મુખ્ય ગણાતો એવો 1 એક ડેમ ઓવરફ્લો થતા આજે મુખ્યમંત્રી રૂપાણી સાથે રાજકોટના અધિકારીઓ , પદાધિકારીઓ અને સાંસદ દ્વારા આજીના નિરના વધામણાં કરવામાં આવ્યા હતા. સવારના સમયે ગાંધીનગરથી મુખ્યમંત્રી વિજય રૂપાણી ઓનલાઇન જોડાયા હતા અને ઓનલાઇન વધામણાં કર્યા હતા જ્યારે રાજકોટના ચૂંટાયેલા પદાધિકારીઓ અને અધિકારીઓ એ આજી ડેમ ખાતે નવા નિરના વધામણાં કર્યા હતા. આ તકે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા રાજકોટ વાસીઓને શુભેચ્છા પાઠવી હતી અને સાથે સાથે આગામી ડિસેમ્બર 2020 સુધીમાં દરેક ઘરે નળ પહોંચી જાય તે માટે હર ઘર નલ હર ઘર જલ યોજના સંપૂર્ણ પુરી કરવા સૂચના આપી હતી.
રાજકોટ શહેરને કુલ ત્રણ જેટલા ડેમમાંથી પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. જે પૈકી આજી-૧ ડેમ, ન્યારી-૧ ડેમ ઓવરફ્લો થઇ ચુક્યા છે જ્યારે ભાદર 1 ડેમ પણ ઓવરફ્લો થવાથી માત્ર 3 ફૂટ બાકી છે. આજ રોજ ન્યારી-૧ ડેમનાં પાંચ જેટલા દરવાજા બે ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયે પણ ન્યારી-૧ ડેમ ઓવરફલો થતા તેના દરવાજા ખોલવાની ફરજ પડી હતી. ત્યારે ગઇકાલે સાંજે આજી ડેમ પણ ઓવરફ્લો થતાં રાજકોટવાસીઓ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે.
વર્ષ 1958માં આજી ડેમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું 1955થી આજી ડેમ બાંધવાનું શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે આજી 1 ડેમ ઓવરફલો થતા રાજકોટ પર ભવિષ્યમાં તોળાતું જળસંકટ વિખેરાઇ ગયું છે. જ્યારે જ્યારે આજી ડેમ ઓવરફ્લો થાય છે ત્યારે ત્યારે લોકો ઓવરફ્લોના સ્થળે પરિવાર સાથે નાહવા તેમજ સેલ્ફી લેવા માટે ઉમટી પડતા હોય છે. પરંતુ ચાલુ વર્ષે કોરોના મહામારીના કારણે રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેર સ્થળે ફરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જેના કારણે આ વર્ષે રાજકોટવાસીઓ સ્થળે પાણીમાં નહીં નાહી શકે તેમજ સેલ્ફી પણ નહીં પાડી શકે.
તો બીજી તરફ આજી એક ડેમ ઓવરફલો થતા આજી નદી પણ હાલ બે કાંઠે વહી રહી છે ત્યારે નદી કાંઠાના ગામોમાં સાવચેત રહેવા સૂચના પણ આપી દેવામાં આવી છે. જેમાં રાજકોટ તાલુકાના બેડી, મનહરપુર, રોણકી સહિતના ગામોના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે