રાજકોટ ત્રિપલ મર્ડર કેસમાં મોટો ખુલાસો, સિરીયલ કિલર ભુવા નવલસિંહ ચાવડા સાથે જોડાયું કનેક્શન

Rajkot Triple Murder Case : રાજકોટમાં ત્રિપલ મર્ડરનો ખુલ્યો ભેદ... પોલીસે ભુવાના ખોલ્યા વધુ કેટલાક રાઝ... રાજકોટમાં સામુહિક આત્મહત્યા કેસમાં થયો મોટો ખુલાસો

રાજકોટ ત્રિપલ મર્ડર કેસમાં મોટો ખુલાસો, સિરીયલ કિલર ભુવા નવલસિંહ ચાવડા સાથે જોડાયું કનેક્શન

Rajkot News ગૌરવ દવે/રાજકોટ : રાજ્યના સિરીયલ કિલર નવલસિંહ ચાવડાએ પડધરીમાં કરેલી ત્રિપલ હત્યા કેસમાં પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસે આ કેસમાં નવલસિંહ ચાવડાના સાથી જીગર ગોહિલની ધરપકડ કરી નવલસિંહે ત્રિપલ મર્ડર કેસની પોલીસે તપાસ શરુ કરી છે ત્યારે કઇ રીતે અને શા માટે કરાઇ હતી આ હત્યા જોઇએ આ રિપોર્ટમાં

રાજકોટમાં મે ૨૦૨૪ માં પડધરી પોલીસ સ્ટેશનની હદમાં રામપર ગામ નજીક કાદર મુકાસમ, ફરીદા મુકાસમ અને આસિફ એટલે કે માતા પિતા અને તેના પુત્રની લાશ મળી હતી. જ્યારે આ લાશ મળી હતી ત્યારે પોલીસને આ લાશ પાસેથી એક સ્યુસાઇડ નોટ પણ મળી હતી. જેમાં ત્રણેય પરિવારજનો આર્થિક સંકળામણને કારણે પોતાની મરજીથી આત્મહત્યા કરતા હોવાનો ઉલ્લેખ કરાયો હતો. પોલીસ દ્વારા આ કેસ બંધ કરી દેવામાં આવ્યો હતો. જો કે જ્યારે અમદાવાદમાં નવલસિંહ ચાવડા નામનો ભુવો પકડાયો ત્યારે આ આત્મહત્યા નહિ, પરંતુ હત્યા હોવાનું સામે આવ્યું. અમદાવાદ પોલીસ સમક્ષ આપેલી કબુલાતના આધારે પોલીસે પડધરી પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધીને જીગર ગોહિલ નામના શખ્સની ધરપકડ કરી છે.

કઇ રીતે આપ્યો હત્યાને અંજામ ?
પોલીસના કહેવા પ્રમાણે મૃતક કાદર મુકાસમ અને તેનો પરિવાર તાંત્રિક વિધીમાં માનતો હતો. જેથી તેઓ ભુવા નવલસિંહના સંપર્કમાં આવ્યા હતા. અવારનવાર નવલસિંહ સાથે સંપર્ક હોવાને કારણે કાદરભાઇની પુત્રી નગમા અને નવલસિંહ પ્રેમ સબંધમાં હતા અને નગમા નવલસિંહને લગ્ન કરવા માટે દબાણ કરતી હતી. જેથી નવલસિંહે નગમાની હત્યા કરીને તેના કટકાં કરી વાંકાનેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાંખી દીધા હતા. યુવાન દીકરી ગુમ થતા પરિવાર ચિંતિત હતો અને પોલીસ ફરિયાદ નોંધાવવા જતો હતો. પરંતુ નવલસિંહે તાંત્રિક વિધીનો ઢોંગ કરીને પરિવારને પોલીસ પાસે ન જવા સમજાવ્યા હતા. તેને ડર હતો કે જો પરિવાર પોલીસ પાસે જશે તો તેનો ભાંડો ફુટી જશે. જેથી પરિવારને ફોંસલાવીને વિધી કરવાનું કહ્યું. પરિવારને તેની દીકરી આવી જશે. તેઓની આર્થિક વૃધ્ધિ થશે અને દીકરાના લગ્ન થશે તેવી લાલચ આપી. 

તાંત્રિક વિધીના બ્હાને હત્યા કરવાનો નવલસિંહે પ્લાન બનાવ્યો અને આ માટે જીગર ગોહિલને પણ બોલાવ્યો હતો. આ પાંચેય લોકો પહેલા જેતપુર પાસે વિધી કરવા માટે ગયા હતા અને ત્યાંથી પરત આવીને વધુ એક વિધી કરવા માટે પડધરી જવું પડશે તેવું કહ્યું હતું પડધરી વિધી પહેલા અવાવરુ સ્થળ પર જઇને મેલડી માતાજીનો પ્રસાદ છે તેવું કહીને માતા પિતા અને તેના પુત્રને ઝેરી દવા પીવડાવી દીધી હતી અને ત્યારબાદ નવલસિંહ પોતે જ સ્યુસાઇડ નોટ લખીને જીગર સાથે મળાને ફરાર થઇ ગયો હતો.

જીગર ગોહિલ પોલીસ પકડમાં આવ્યો છે, તેના ભાઈની પણ નવલસિંહે હત્યા કરી નાખી હતી અને હવે તેની પણ હત્યા કરી નાંખશે, તે જ ડરથી સિરીયલ કિલર નવલસિંહનો ભેદ ઉકેલાયો હતો. જે કેસ પોલીસને પણ આત્મહત્યા લાગતો હતો અને પોલીસે આત્મહત્યા સમજીને આ કેસની ફાઇલ બંધ કરી દીધી હતી, તે કેસ હત્યાની સનસનીખેજ વારદાત સામે આવી છે. નવલસિંહ તો આ દુનિયામાં નથી, પરંતુ આ ઘટના પરથા પરદો ઉચકાતા તેના શાતિર દિમાગ અને ગુનાહિત પ્રવૃતિનો પર્દાફાશ જરૂર થયો છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news