ધોરણ-10 પાસ શખ્સે કેવી રીતે ઉદ્યોગપતિથી લઈને રાજકોટના ઉમેદવાર સુધીની સફર કાપી, જાણવા જેવું છે

Gujarat Elections : રાજકોટમાં ભાજપના સૌથી ધનિક ઉમેદવાર રમેશ ટીલાળા હોવાનું સામે આવ્યું છે, ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટિલાળાને કેવી રીતે ટિકિટ મળી તે જાણીએ

ધોરણ-10 પાસ શખ્સે કેવી રીતે ઉદ્યોગપતિથી લઈને રાજકોટના ઉમેદવાર સુધીની સફર કાપી, જાણવા જેવું છે

રાજકોટ :રાજકોટના ચારેય ઉમેદવારો ઉદય કાનગડ પૂર્વથી, ડૉ. દર્શિતા શાહ રાજકોટ પશ્ચિમથી, રમેશ ટીલાળાએ દક્ષિણથી અને ભાનુ બાબરીયા ગ્રામ્યથી ફોર્મ ભર્યુ હતું. ત્યારે રાજકોટમાં ભાજપના સૌથી ધનિક ઉમેદવાર રમેશ ટીલાળા હોવાનું સામે આવ્યું છે. રમેશ ટીલાળાએ સોગંદનામામાં પોતાની કરોડો રૂપિયાની સંપત્તિ દર્શાવી છે. સ્થાવર અને જંગમ મિલકત મળીને 26 કરોડ 80 લાખની મિલકત બતાવી છે. ત્યારે ધોરણ-10 પાસ શખ્સે કેવી રીતે ઉદ્યોગપતિથી લઈને રાજકોટ દક્ષિણ બેઠક સુધીની સફર કાપી તે રસપ્રદ છે. તેઓ ખોડલધામના ટ્રસ્ટી છે, જેથી નરેશ પટેલે તેમને ટિકિટ અપાવવા માટે લોબિંગ કર્યુ હતું. 

વ્યસ્ત ઉદ્યોગપતિ સવારે 5 વાગે ઉઠીને કામની શરૂઆત કરે છે
રમેશભાઇ ટીલાળાનો જન્મ રાજકોટ જિલ્લાના શાપર ગામ ખાતે 15 જાન્યુઆરી 1964 ના રોજ થયો હતો. રમેશભાઇ પોતાના દિવસની શરૂઆત સવારના 5.30 વાગ્યાથી કરે છે. સવારના સમયે 5.30 વાગ્યે જાગી અને યોગ પ્રાણાયમ કરી બાદમાં પૂજા અર્ચના બાદ તેઓ પોતાના ઓફિસ કામની શરૂઆત કરે છે. આ સાથે તેઓ અઠવાડીયામાં એક વખત પોતાના કુળદેવી અને લેઉવા પટેલ સમાજના આસ્થા સમાન ખોડિયાર માતાજીના દર્શન કરવા કાગવડ અચૂક જાય છે. હાલમાં તેઓ રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી પરિવાર સાથે સ્થાયી થયા છે.  તેમના પરિવારમાં એક પુત્ર અને પુત્રી છે, જે પૈકી પુત્રીના લગ્ન થઇ ચૂક્યા છે જ્યારે પુત્રના લગ્ન બાકી છે.

ખેતી કરીને 7 ઈન્ડસ્ટ્રીઝનું સામ્રાજ્ય ઉભું કર્યું
10 ધોરણ પાસ રમેશભાઇ ટીલાળાની વાત કરીએ તો તેઓ પ્રથમ ખેતરમાં ખેતી કરતા હતા અને ખેતી કરતા કરતા તેઓને ઉદ્યોગ સ્થાપવા વિચાર આવ્યો હતો. આ વિચારની શરૂઆત તેમને ટેક્સટાઇલના ઉદ્યોગથી કરી હતી. ટેકસટાઇલ ઉદ્યોગમાં સફળતા મળ્યા બાદ તેઓ એક બાદ એક નવા ઉદ્યોગની સ્થાપના કરતા ગયા અને આજે તેઓ રાજકોટ અને આણંદમાં મળી કુલ 7 ઇન્ડસ્ટ્રી ધરાવે છે. ટેક્સટાઈલ, ફૂડ, કાસ્ટિંગ, પ્લાસ્ટિક, ફોરજિંગ સહિત 7 ઇન્ડસ્ટ્રી મળી કુલ 1500 જેટલા કર્મચારીઓને રમેશભાઇ રોજી રોટી પુરી પાડે છે. રમેશભાઈનું માનવું છે કે, સાહસ કર્યા વગર સફળતા નથી મળતી. માટે તેઓ દરેક ક્ષેત્રમાં સાહસ કરી રહ્યા છે અને સફળતા મેળવી રહ્યા છે. 

ગમતા શોખને પણ પોતાનો બિઝનેસ બનાવ્યો
રમેશભાઇનું સ્વપ્ન હતું કે, તેઓન એરોસ્પેસ અને ડિફેન્સમાં કામ કરવું છે. જેમાં પણ તેમને સફળતા મળી છે. તેઓ આજે એરબસ અને બોઇંગમાં એરોનેટિક પાટર્સ સપ્લાય કરી રહ્યા છે. અને હવે આગળ તેઓ ફાર્માસ્ટ્રીકલ કંપની બનાવવા વિચાર કરી રહ્યા છે. રમેશભાઇ ઉદ્યોગપતિની સાથે સાથે સારા બિલ્ડર પણ છે અને સામાજિક ક્ષેત્રે સારું નામના ધરાવે છે. રાજકોટના ટોપ 5 બિલ્ડર પૈકી એક નામ રમેશભાઇ ટીલાળાનું છે અને સાથે લેઉવા પાટીદાર સમાજની સૌથી મોટી સંસ્થા ખોડલધામ, કાઠિયાવાળ બાલાશ્રમ, એ.પી.પટેલ કન્યા છાત્રાલય અને રાજકોટ લેઉવા પટેલ સમાજના તેઓ ટ્રસ્ટી છે.

રમેશ ટીલાળા માટે નરેશ પટેલે કર્યુ હતું લોબિંગ 
રાજકોટ દક્ષિણ બેઠકના ઉમેદવાર રમેશ ટીલાળાએ આજે નામાંકન ભર્યું. ત્યારે આ સમયે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, ધારાસભ્ય ગોવિંદ પટેલ પણ હાજર રહ્યા હતા. રમેશ ટીલાળા ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી છે. તેઓ તાજેતરમાં ખોડલધામ ચેરમેન નરેશ પટેલની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા ત્યારે ખોડલધામમાં દર્શન કરવાનું આમંત્રણ આપ્યું હતું. ત્યારે તેમના માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર દરમિયાન ખોડલધામ આવે તેવી શક્યતા છે. રમેશ ટીલાળાને ટિકિટ અપાવવા માટે ખોડલધામ ચેરમેન નરેશ પટેલે લોબિંગ કર્યુ હતું.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news