અમદાવાદ સહિત રાજ્યમાં જામ્યો વરસાદી માહોલ, જાણો ક્યાં ક્યાં પડ્યો વરસાદ

સાયક્લોનિક સર્ક્યૂલેશનની અસરના કારણે આજથી આગામી 5 દિવસ સુધી છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે વહેલી સવારથી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ જોવા મળી રહ્યો છે.
અમદાવાદ સહિત રાજ્યમાં જામ્યો વરસાદી માહોલ, જાણો ક્યાં ક્યાં પડ્યો વરસાદ

ઝી મીડિયા, બ્યૂરો: સાયક્લોનિક સર્ક્યૂલેશનની અસરના કારણે આજથી આગામી 5 દિવસ સુધી છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે વહેલી સવારથી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ જોવા મળી રહ્યો છે.

અમદાવાદમાં મેઘરાજાએ મન મુકીને પધરામણી કરતા શહેરના નારાણપુરા, જુહાપુરા, સરખેજ, મોટેરા, ચાંદખેડા, સાબરમતી, જમાલપુર, પાલડી, વિસત, ઝુંડાલ, રાયપુર, સારંગપુર સહિતના અન્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો છે. તો બીજી તરફ ગાંધીનગરમાં પણ વાતાવરણમાં પલ્ટો આવતા ઠંડા પવન સાથે વરસાદ શરૂ થયો છે.

રાજકોટના જસદણ શહેરમાં વરસાદનું આગમન થયું હતું. જસદણના આટકોટ પંથકમાં સતત ત્રીજા દિવસે પણ વરસાદ પડ્યો હતો. આટકોટમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને પવન સાથે વરસાનું આગમન થયું હતું. ત્યારે આટકોટ પંથકમાં વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકાના ભાડથર, કોઠા વિશોત્રી, ભીંડા સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે. ધોધમાર વરસાદના કારણે રોડ રસ્તા અને ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં મુશળધાર વરસાદથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. જામખંભાળિયામાં 2 ઈંચ અને ભાણવડમાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે.

અમરેલી જિલ્લામાં વાતાવરણમાં પલટો આવતા વરસાડ પડ્યો હતો. બાબરાના કરિયાણા ગામે વરસાદ પડ્યો હતો. બાબરાના કરિયાણા ગામે ઉપરવાસનાં ગામડાઓમાં સારો વરસાદ પડતા કરિયાણા ડેમમાં નવા નીર આવ્યા છે. ઉપરવાસનાં ગામડાઓ જેમાં નીલવડા, સમઢીયાળા, સુકવળા રાયપર, વાવડ અને તાઈવદર ગામે ધોધમાર વરસાદ થતા કરિયાણા ડેમમાં નવા નીરની આવક થતા ખેડૂતો અને ગ્રામજનોમાં ખુશી જોવા મળી રહી હતી. તો બીજી તરફ અમરેલીના સાવરકુંડલાના બાઢડા ગામે, બગસરાના ગ્રામ્યવિસ્તારમાં વરસાદથી નદીઓમાં નવા નીર આવ્યા હતા. બાઢડા નજીક આવેલા સુરજવડી નદીમાં વરસાદ પડતા પૂરની સ્થિતિ સર્જાઈ હતી. સાવરકુંડલાના શેલણા ગામે ધોધમાર વરસાદ આવતા બે ટ્રેકટર વોકળામાં તણાયા હતા. જેમાં બે વ્યક્તિઓનો આબાદ બચાવ થયો છે.

જામનગરના જોડીયાના પિઠડ ગામે ધોધમાર વરસાદ પડ્યો હતો. પિઠડ ગામે ભારે પવન સાથે આશરે દોઢ ઈંચ વરસાદ ખાબક્યો હતો. ત્યારે વરસાદને લઇ ગામની નદીઓ વહેતી થઈ હતી. ખેતરોમાં પાણી ભરાયા હતા અને વાવણીલાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

જૂનાગઢ જિલ્લામાં બપોર બાદ વરસાદી માહોલ જામ્યો છે. જૂનાગઢ, ભેસાણ, માળીયા હાટીના સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. જિલ્લામાં સવારથી જ ચોમાસું બેસી ગયું હોય તેવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. માળીયા પંથકમાં ખેતરોમાં પાણી ભરાયા તો ભેંસાણમાં નદી નાળા છલકાયા છે. ગીર સોમાનાથના તલાલાના ગ્રામ્ય વિસ્તારોમાં અનરાધાર વરસાદ પડ્યો છે. ધાવા, સુરવા સહિતના ગામોમાં ભારે વરસાદ પડ્યો છે. કડાકા ભડાકા સાથે 2 ઇંચ વરસાદ ખાબકતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

બોટાદના રાણપુર પંથકમાં ફરી વાતાવરણમાં પલટો આવ્યો છે. રાણપુરમાં ધોધમાર વરસાદ પડતા બજારોમાં વરસાદી પાણી વહેતા થયા છે. રાણપુર શહેર સહિત ગ્રામ્ય પંથકોમાં વરસાદ પડ્યો હતો. રાણપુર, નાગનેશ, દેવળીયા, ધારપીપળા, બોડીયા, કિનારા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ આવતાની સાથે જ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. ઢસા નજીક આવેલ પીપરડી ગામમાં આજે સતત ચોથા દિવસે પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. ત્યારે વરસાદને પગલે સીતાપરી નદીમાં બે કાંઠે પાણી આવ્યા છે. નદી પર આવેલ ચેકડેમ ઓવરફ્લો થતા કોઝવે પર પાણી ફરી વળ્યા હતા. જેને લઇને ખેડૂતોને ખેતરોમાં અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. જો કે, સારો વરસાદ પડતા ખેડૂતોમાં ખૂશ પણ જોવા મળી રહી છે.

ગોંડલમાં ધોધમાર 3.5 ઈંચ વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. બસ સ્ટેન્ડ રોડ તથા અન્ય જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે. શહેરના લાલપુર તેમજ ઉમવાડા અંડર બ્રિજ નીતે પાણી ભરાતા લાલપુલ અંડરબ્રિજ નીચે બોલેરો કાર ફસાઈ હતી. તો બીજી તરફ ગોંડલ પંથકમાં ધોધમાર વરસાદથી અનેક નદી-નાળા છલકાયા સાથે સાથે ખેતરોમાં પણ ભાણી ભરાયા છે. જો કે, સારો વરસાદ પડતા ખેડૂતોમાં હરખની હેલી પ્રસરી ગઈ છે.

કચ્છમાં વરસાદ શરૂ થતા ભુજ તાલુકાના કોટડા ચકાર ગામે તોફાની પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. પવનની સાથે ધોધમાર વરસાદ પડતા પતરાના સેડ અને નળીયાને નુકસાન પહોંચ્યું હતું. આ વિસ્તારના સણોસર, ચકાર, વરણી, થરાવડા સહિતના અન્ય ગામડાઓમાં પણ વરસાદ જામ્યો હતો.

ત્યારે ખેડા, પંચમહાલ અને પાટણ, અરવલ્લી સહિતના જિલ્લાઓમાં મેઘરાજાએ એન્ટ્રી મારી હતી. ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં માત્ર 15 મિનિટમાં 2 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેને લઇ નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ત્યારે પંચમહાલના કાલોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડતા  દેલોલ તથા આસપાસના વિસ્તારો પાણી ભરાયા હતા. જો કે, ખેતીલાયક પ્રથમ વરસાદ થતાં ખેડૂતોમાં આંનદ જોવા મળી રહ્યો છે.

પાટણ જિલ્લાના હારીજ, બોરતવાડા, દાંતરવાડા જાસ્કા, કુકરણા સહિતના ગ્રામ્યવિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. બપોર બાદ વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંકડ પ્રસરી ગઈ હતી. તો બીજી તરફ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news