શિક્ષક ધારે તો શું ન કરી શકે...? અઘરા વિષયો સરળતાથી ભણાવવા શિક્ષકે ગોત્યો ગજબનો જુગાડ

નવસારીના અંતરિયાળ એવા કેલિયા ગામની પ્રાથમિક શાળાના શિક્ષકે ગણિત અને વિજ્ઞાન જેવા અઘરા વિષયો વિદ્યાર્થીઓ સરળતાથી શિખી શકે, એ માટે વિષયોના નિયમ અને સુત્રોને ધ્યાને રાખીને વેસ્ટમાંથી બેસ્ટ એવા 42 રમકડા બનાવ્યા છે. જે રમકડા થકી વિદ્યાર્થીઓ રમત સાથે જ્ઞાન મેળવી રહ્યા છે.

શિક્ષક ધારે તો શું ન કરી શકે...? અઘરા વિષયો સરળતાથી ભણાવવા શિક્ષકે ગોત્યો ગજબનો જુગાડ

ધવલ પરીખ/નવસારી: બાળકોને ભણાવવા હવે શાળાઓ ડિજીટલ થઇ રહી છે. ઘરે મોબાઇલ ફોન્સ છે અને અનેક વિષયો વિષેનું જ્ઞાન તેમને પળવારમાં મળી જાય છે. પરંતુ ડિજીટલ માધ્યમથી તેઓ એડિક્ટ થવાની બીક છે. ત્યારે નવસારીના અંતરિયાળ એવા કેલિયા ગામની પ્રાથમિક શાળાના શિક્ષકે ગણિત અને વિજ્ઞાન જેવા અઘરા વિષયો વિદ્યાર્થીઓ સરળતાથી શિખી શકે, એ માટે વિષયોના નિયમ અને સુત્રોને ધ્યાને રાખીને વેસ્ટમાંથી બેસ્ટ એવા 42 રમકડા બનાવ્યા છે. જે રમકડા થકી વિદ્યાર્થીઓ રમત સાથે જ્ઞાન મેળવી રહ્યા છે.

શિક્ષક ધારે તો શું ન કરી શકે.. આજના ડિજીટલ માધ્યમના યુગમાં મોબાઇલ વિના બાળકો અભ્યાસ કરી શકે કે કેમ એ પ્રશ્ન છે. ત્યારે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના અંતરિયાળ કેલિયા ગામના આદિવાસી બાળકોને મોબાઇલની લતથી દૂર રાખવા કેલિયા પ્રાથમિક શાળાના આચાર્ય અને શિક્ષક હેમંત પટેલે અનોખી રીત અપનાવી છે. શિક્ષક હેમંત પટેલે વિજ્ઞાન અને ગણિત બંને વિષયોના નિયમો અને સુત્રો સમજાવવા માટે નકામી વસ્તુઓ ભેગી કરી, તેમાં વિજ્ઞાન અને ગણિતના નિયમોને ધ્યાને રાખી, જોવામાં સામાન્ય પણ અભ્યાસમાં ઉત્તમ રમકડાઓ બનાવ્યા છે. 

શિક્ષક હેમંત આ રમકડા બાળકોને બતાવી, તેના થકી રમાડતા રમાડતા તેમને વિજ્ઞાનના દ્રષ્ટિ સાતત્ય, રંગભેદ, ન્યુટનનો ગતિનો નિયમ જેવા વિવિધ નિયમો તેમજ છેદીકા અને સમાંતર જેવા ગાણિતિક સુત્રો સરળતાથી શિખવી રહ્યા છે. સાથે જ તેમણે આ રમકડાઓ બાળકો પાસેથી પણ બનાવડાવ્યા છે. જેથી બાળકોની કલ્પના શક્તિ સાથે સર્જનાત્મકતાનો પણ વિકાસ થાય. હેમંતના આ રમકડા હાલમાં જ જુનાગઢમાં પ્રથમ વખત યોજાયેલા સંશોધાનાત્મક મેળામાં પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. જેમાંથી 15 રમકડાઓને GCRT દ્વારા પસંદ કરવામાં આવ્યા છે. આગામી સમયમાં રાજ્યની અન્ય પ્રાથમિક શાળાઓમાં પણ હેમંત પટેલના રમકડાઓનો બાળકોને ભણાવવામાં ઉપયોગ થાય એવી સંભાવના પણ સેવાઈ રહી છે.

કેલિયા પ્રાથમિક શાળાના શિક્ષક હેમંત પટેલ નવતર પ્રયોગો કરતા રહે છે. ત્યારે શિક્ષકે બનાવેલા રમકડાઓ બાળકોને પણ ખુબ પસંદ આવી રહ્યા છે. બાળકો ઉત્સાહ સાથે આ રમકડા રમીને ગણિત અને વિજ્ઞાન જેવા અઘરા વિષયને સરળતાથી સમજી રહ્યા છે અને પોતાના અભ્યાસમાં તેનો ઉપયોગ પણ કરી રહ્યા છે. શાળાના વિદ્યાર્થીઓ રમકડા રમતા રમતા ભણવાથી ખુશ છે. સાથે જ અઘરા જણાતા બંને વિષયોમાં તેમનું પરિણામ પણ સુધર્યુ છે.

શિક્ષણ મેળવવા માટે ટેકનોલોજી ઉપયોગી સાબિત થાય છે. પરંતુ બાળકોના સર્વાંગી વિકાસ માટે કેલિયા પ્રાથમિક શાળાના શિક્ષક હેમંત પટેલના પ્રયોગને શિક્ષણવિદ્દો પણ આવકારી રહ્યા છે. આજના બાળકો મોબાઈલ થકી તો ભણી જ રહ્યા છે. પણ મોબાઈલ તેમની આદત બનતી જાય, તો અભ્યાસ પર આડ અસર થવાથી પરિણામ બગડે છે. ત્યારે પ્રાથમિક કક્ષાના બાળકો, જેમનો પાયો જ મજબૂત કરવાનો હોય છે. ત્યારે ગણિત અને વિજ્ઞાન બંને મુખ્ય વિષયોના નિયમોને આધારે બનેલા રમકડા થકી અભ્યાસ બાળકોની રચનાત્મકતા, કલ્પના અને બુદ્ધિ કૌશલ્યમાં પણ વધારો કરશે. જેથી પ્રાથમિક શાળાના શિક્ષકોએ હેમંત પટેલ જેવા શિક્ષકોમાંથી પ્રેરણા લેવી જોઈએ.

નાની સરખી ક્રાંતિ સમાજ જીવન ઉપર મોટી અસર છોડી જાય છે. ત્યારે આદિવાસી બાહુલ વિસ્તારની કેલિયા શાળાના શિક્ષકના નકામી વસ્તુઓમાંથી બનેલા ઉપયોગી રમકડા બાળકોના માનસ ઉપર અભ્યાસ સાથે જ સર્જનાત્મકતાની ઘેરી છાપ પણ છોડી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news