ઉતરાયણને ગણત્રીનાં દિવસો બાકી, ગુજરાતીઓ પુરજોરમાં કરી રહ્યા છે તૈયારી

ઉતરાયણને ગણત્રીનાં દિવસો બાકી, ગુજરાતીઓ પુરજોરમાં કરી રહ્યા છે તૈયારી

* પતંગ પર્વની ઉજવણી માટે ભાવેણા વાસીઓમાં થનગનાટ.
* પતંગ યુદ્ધ માટે માંજો પાઈ તૈયાર કરાવી રહ્યા છે દોરી.
* ખાસ પ્રકારના માંજા વાળી દોરી માટે આવી રહ્યા છે ભાવનગર.
* કેમિકલ અને અન્ય મટીરીયલ દ્વારા તૈયાર કરવામાં આવે છે માંજો.
* અવનવા પતંગોની લોકો કરી રહ્યા છે ખરીદી.

નવનીત દલવાડી/ભાવનગર : ઉતરાયણ પર્વને માત્ર ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે પતંગ રસિકો તૈયારીઓમાં લાગી ગયા છે. ભાવનગરની દોરી રાજ્યભરમાં પ્રખ્યાત છે ત્યારે ભાવનગર શહેર અને જિલ્લામાંથી માંજા યુક્ત દોરીને તૈયાર કરવા પ્રખ્યાત માંજાવાળા પાસે લોકો નો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. વિવિધ પ્રકારના કેમિકલ અને મટીરીયલ દ્વારા તૈયાર કરવામાં આવતો માંજો અને તેમાંથી તૈયાર કરવામાં આવતી કલરફૂલ ફીરકીઓ સાથે પતંગ યુદ્ધ ખેલવા ખેલૈયાઓ તૈયાર થઇ રહ્યા છે.

આગામી ૧૪ જાન્યુઆરીના રોજ દેશભરમાં ઉતરાયણ પર્વની ઉજવણી કરવામાં આવનાર છે, ત્યારે પતંગ રસિકો તેની તૈયારીઓમાં લાગી ગયા છે. લોકો અવનવા કલરમાં પોતાના કાચા દોરાને માંજો પાઈ અને તૈયાર કરી રહ્યા છે. ભાવનગર કે જેનો માંજો ખુબ પ્રખ્યાત છે અને અહી ચાર ચાર પેઢીથી આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને ત્યાં ભાવનગર શહેર-જીલ્લો તેમજ અમરેલી-બોટાદ-સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાંથી લોકો પોતાની દોરીઓને તૈયાર કરવા ભાવનગર આવી રહ્યા છે. અહીનો નજરો જોવા લાયક છે. લોકો લાઈનોમાં પોતાની દોરીને કેમિકલ યુક્ત વિવિધ કલરના માંજાસાથે તૈયાર કરાવી રહ્યા છે. 

ભાવનગરના એ.વી.સ્કુલ ગ્રાઉન્ડ, ભરતનગર, વડવા, બોરતળાવ સહિતના વિસ્તારોમાં મોટી સંખ્યામાં ફાળકાઓ જોવા મળે છે. જેમાં કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવતા માંજા  સાથે દોરીઓ તૈયાર કરવામાં આવે છે અને ત્યારબાદ અન્ય કારીગરો તેને ફિરકીમાં વીટી અને તૈયાર કરે છે. અહીના દોરાની અનેક પ્રકારની વિશેષતાઓ છે. જેને લઇ અને લોકો અહી પોતાના પતંગ યુદ્ધની દોરીઓ તૈયાર કરવા આવે છે. સાથે સાથે લોકો ઉતરાયણ પર્વે  અવનવા પતંગો, વિવિધ અવાજો વાળી પીપુડી, રંગબેરંગી મહોરાઓ અને ટોપીઓ, ચશ્માં તેમજ અવનવા રમકડા ની લોકો ખરીદી કરી રહ્યા છે જેમાં મોદી માસ્ક ની ડીમાંડ વધુ જોવા મળી રહી છે.

નાના મોટા સહુના પ્રિય એવા ઉતરાયણ તહેવારને લઇ અને લોકોમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. અને લોકો હોંશે હોંશે પોતાની ફીરકીઓ તૈયાર કરાવી રહ્યા છે. પરંતુ સાથે સાથે ઉતરાયણ પર્વે તમામ પ્રકારની સાવધાની રાખવા પણ અનુરોધ કરી રહ્યા છે. જેમાં ખાસ વાહનોમાં જતા આવતા લોકો પોતાના ગાળાની સુરક્ષા માટે મફલર જેવા વસ્ત્રો પહેરે તે જરૂરી છે.

ચાર ચાર પેઢીથી ભાવનગરના પતંગ રસિકો માટે માંજાવાળી દોરીઓ તૈયાર કરનાર વેપારીઓ પણ હજુ આ વર્ષે ગ્રાહકો ની રાહ જોઈ રહ્યા છે. શનિ અને રવી ની રજામાં લોકો વધુને વધુ દોરી માટે આવશે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે . જયારે મોંઘવારી પણ એક કારણ હોય તેમ તે જણાવી રહ્યા છે. દર વર્ષે પવન પતંગ રસિકો માટે બાધારૂપ બનતો હોવાનું જોયું છે ત્યારે આ વર્ષે આગાહી મુજબ વધુ ઠંડી અને માવઠું પણ બાધારૂપ બની શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news