કારીગરોને બખ્ખાં! લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારની લ્હાણી, 3-3 લાખ રૂપિયા લેવા પડાપડી!

કેન્દ્ર સરકાર હવે 18 પ્રકારના કારીગરોને રૂ. ત્રણ લાખ સુધીની લોન જામીનગીરી વિના આપશે. આગામી તા. 17ના રોજ નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજનાનો પ્રારંભ કરાવશે. જેમાં વડોદરા ઉપરાંત અમદાવાદ, સુરત અને રાજકોટ ખાતે પીએમ વિકાસ યોજનાના કાર્યક્રમો યોજાશે. નાના કારીગરોના કૌશલ્યને પ્રમાણિત કરી બેઝિક અને એડવાન્સ તાલીમ આપવામાં આવશે. 

કારીગરોને બખ્ખાં! લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારની લ્હાણી, 3-3 લાખ રૂપિયા લેવા પડાપડી!

ઝી બ્યુરો/ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. 17 સપ્ટેમ્બરના રોજ તેમના જન્મ દિને કેન્દ્ર સરકારની એક મહત્વપૂર્ણ યોજના અમલમાં મૂકવા જઇ રહ્યા છે. પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના થકી શહેરી અને ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોના નાના કારીગરોને નાણાકીય સમાવેશન દ્વારા અર્થવ્યવસ્થામાં જોડવાનું ભગીરથ કાર્ય થવાનું છે. આ યોજનામાં ૧૮ પ્રકારના કારીગરોને આવરી લઇ તેને તાલીમબદ્ધ કરી રૂ. ત્રણ લાખ સુધીની લોન આપવાનું આયોજન છે. 

પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજનાને મિતાક્ષરમાં પીએમ વિકાસ નામ આપવામાં આવ્યું છે. જેમાં 18 પ્રકારના કારીગરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સુથાર, બોટ-નાવડી બનાવનાર, સરાણિયા (બખ્તર-ચપ્પુ બનાવનાર), લુહાર, હથોડી અને ટૂલકિટ નિર્માતા, તાળાના કારીગર, કુંભાર, શિલ્પકાર, મોચી, કડિયા, વાળંદ, ટોપલીટોપલા કે સાવરણીના કારીગર, દરજી, ધોબી, માળી, માછલી પકડવાની જાળી બનાવનારા, પરંપરાગત રમકડાના કારીગર ઉપરાંત સુવર્ણકામ કરનારા કારીગરોને તેમાં આવરી લેવામાં આવ્યા છે. 

પીએમ વિકાસ યોજનાની ટૂંકી વિગતો જોઇએ તો કુટુંબ દીઠ એક વ્યક્તિને તેનો લાભ મળશે. લાભાર્થીની લઘુત્તમ ઉંમર 18 વર્ષ કરતા વધુ ન હોવી જોઇએ. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન સ્વરોજગાર, વ્યવસાયિક વિકાસ માટે ધિરાણ છે પીએમઇજીપી કે પીએમ સ્વનિધિ જેવી યોજનાનો લાભ ન લીધો હોવો જોઇએ. મુદ્રા અને સ્વનિધિના લાભાર્થીઓ કે જેમણે તેમની લોનની ચૂકવણી કરી દીધી હોય તેને લાભ મળશે. સરકારી નોકરી કરતી વ્યક્તિના પરિવારને લાભ નહી મળે. 

આ યોજનામાં કેવી રીતે નોંધણી થશે ? આધાર અધિકૃત વેબ પોર્ટલ ઉપર લાભાર્થીઓની નોંધણી કરવામાં આવશે. આ ઉપરાંત કોમન સર્વિસ સેન્ટરમાં પણ આધાર કાર્ડ, રાશનકાર્ડના પુરાવા સાથે નોંધણી કરાવી શકાશે.

ગ્રામીણ વિસ્તારોના કારીગરો માટે તેમના ધંધાના વ્યાપ વધારવા માટે મહત્વપૂર્ણ સાબિત થનારી આ યોજના હેઠળ નોંધણી થયા બાદ પીએમ વિશ્વકર્મા સર્ટિફિકેટ અને આઇડી કાર્ડ આપવામાં આવશે. કૌશલ્ય ચકાસણી પછી રૂ. 15 હજારની ટૂલકિટનો લાભ આપવામાં આવશે. બેઝીક અને એડવાન્સ તાલીમ દરમિયાન રૂ. 500નું સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. તાલીમ બાદ રૂ. એક લાખની કોઇ પણ જામીનગીરી વિનાની લોન આપવામાં આવશે. તે લોન સમયસર ચૂકવવામાં આવે તો વધુ રૂ. બે લાખની લોનની સવલત કરી આપવામાં આવશે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.17મી રોજ આ યોજનાનો પ્રારંભ કરાવવાના છે. વડોદરા ઉપરાંત અમદાવાદ, સુરત અને રાજકોટ ખાતે આ માટેના કાર્યક્રમ યોજાશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news