શરમ કરો! પાટીદાર દીકરી આરોપી બની ગઈ ત્યાં સુધી ચૂપ રહ્યા, હવે કરી રહ્યા છો મંથન!
અમરેલીમાં બનાવટી લેટર કાંડમાં મુદ્દે પાટીદાર સમાજની દીકરીને આજે જ જેલમુક્ત કરાવવા માટે સંમિત. ખોડલધામના આગેવાનો અને અમરેલીના રાજકીય આગેવાનો વચ્ચે યોજાયેલી બેઠકમાં સંમતિ મળી. કૌશિક વેકરીયા અને ખોડલધામના આગેવાન વચ્ચે બેઠક યોજાઈ હતી. પોલીસ ફરિયાદમાંથી પણ દીકરીનું નામ દુર કરવા માટે એફિડેવિટ આપવામાં આવશે.
Trending Photos
ઝી બ્યુરો/અમરેલી: અમરેલીમાં બનાવટી લેટરકાંડ મામલે યુવતીનું સરઘસ બાદ રાજકારણ ગરમાયું છે. અમરેલીમાં પાટીદાર આગેવાનોની બંધ બારણે બેઠક શરૂ થઈ ગઈ છે. આ બેઠકમાં યુવતીના જામીન મંજૂર થાય અને ફરિયાદમાંથી નામ દૂર કરવાની ખાતરી અપાઈ છે. અમરેલીમાં બનાવટી લેટર કાંડમાં મુદ્દે પાટીદાર સમાજની દીકરીને આજે જ જેલમુક્ત કરાવવા માટે તમામ આગેવાનો ભેગા થયા છે. ખોડલધામના આગેવાનો અને અમરેલીના રાજકીય આગેવાનો વચ્ચે યોજાયેલી બેઠકમાં સંમતિ મળી ગઈ છે. જેમાં કૌશિક વેકરીયા અને ખોડલધામના આગેવાન વચ્ચે બેઠક યોજાઈ હતી. પોલીસ ફરિયાદમાંથી પણ દીકરીનું નામ દુર કરવા માટે એફિડેવિટ આપવામાં આવશે.
મહત્વનું છે કે અમરેલીના કેરીયા રોડ ખાતે ખોડલધામ સમિતિની બેઠક શરૂ થઇ છે. આ ઘટનાને લઇ બેઠકમાં દિનેશ બાંભણીયા, ધારાસભ્ય રમેશ ટીલાળા, મનોજ પનારા બેઠકમાં પહોંચ્યા હતા. એટલું જ નહીં, સુરત, અમદાવાદ, રાજકોટ, મોરબી સહિતના પાટીદાર અગ્રણીઓ પહોચ્યા છે. પાટીદારની દીકરીને જેલ મુક્ત કરાવવા અમરેલીમાં બેઠક, કૌશિક વેકરીયા પણ પહોંચ્યા બેઠકમાં પહોંચ્યા છે. ત્યારે ખોડલધામ ટ્રસ્ટના સભ્યો પણ બેઠકમાં જોડાયા હતા. પરંતુ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે એક પાટીદાર દીકરીને ખોટા કેસમાં આરોપી બનાવી દીધી, તેની ધરપકડ કરી અને તેનું સરઘસ પણ કાઢ્યું ત્યારે તમામ નેતાઓ ક્યાં હતા. જ્યારે હવે ફરિયાદમાં નામ પણ નોંધાઈ ચૂક્યું છે ત્યારે તમામ સંસ્થાઓના અગ્રણી ભેગા મળીને મંથન કરી રહ્યા છે. આ એક શરમજનક વાત છે.
જેનીબેન ઠુમ્મરે પોલીસ પર પ્રહાર કર્યા
યુવતીનું સરઘસ કાઢવા મુદ્દે અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુમ્મરે પોલીસ પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું હતું કે જે દીકરીએ ખાલી એના શેઠે કીધું અને પત્ર લખ્યો એના સામે આવા ગંભીર પગલાંઓ યોગ્ય નથી, નકલી પત્રના આરોપીઓને પકડી પાડ્યા તો ડ્રગ્સ જિલ્લામાં કોણ લાવે તેને ખુલ્લા પાડી જ શકો છો. સાથે જ કહ્યું કે દીકરી ઉમરલાયક છે એના લગ્ન પણ નથી થયા અને તેના સરઘસ કાઢો છો તે કેટલે અંશે યોગ્ય છે.
ભુપેન્દ્ર ઝાલાનું સરઘસ કાઢો તો ખબર પડે: લલીત કગથરા
કોંગ્રેસના નેતા લલીતભાઈ કગથરાએ જણાવ્યું છે કે આ રીતે કુંવારી દીકરીનું સરઘસ કઈ રીતે કાઢી શકાય. ચમરબંધીઓના સરઘસ નીકળતા નથી અને કુંવારી દીકરીઓના સરઘસ કાઢવામાં આવે છે. ભુપેન્દ્ર ઝાલાનું સરઘસ કાઢો તો ખબર પડે.
પ્રતાપ દુધાતાના પત્રને પણ લલીતભાઈ કગથરાએ સમર્થન આપ્યું!
કોંગ્રેસના નેતા લલીતભાઈ કગથરાએ કહ્યું સમાજના કહેવાતા આગેવાનો ક્યાં છે. અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દુધાતાના પત્રને પણ લલીતભાઈ કગથરાએ સમર્થન આપ્યું હતું. પ્રતાપભાઈ દુઘાતે ખોડલધામના પ્રમુખ નરેશભાઈ પટેલને પણ પત્ર લખ્યો છે. અમરેલી લેટર કાંડ મામલામાં પાટીદાર સમાજની દીકરીનું સરઘસ કાઢવા મામલે અમરેલી પોલીસના અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ ઉઠી છે.
પ્રતાપ દુધાતે ભુપેન્દ્ર પટેલને શું લખ્યો પત્ર?
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે આ અંગે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. લેટરમાં પ્રતાપ દુધાત જણાવી રહ્યા છે કે ભાજપના અંદરો અંદર લેટર કાંડ થયો છે. જેમાં પટેલ સમાજની દીકરી એક ઓપરેટર તરીકે કામ કરતી હતી. દીકરીએ માલિકના કહેવા પર લેટર ટાઈપ કર્યો છે. દીકરીનો ઇરાદો કોઈને બદનામ કરવાનો નહોતો. દીકરીની રાત્રે બાર વાગ્યે ધરપકડ કરવામાં આવી છે. બંધારણ મુજબ રાત્રે મહિલાની ધરપકડ ન કરી શકાય. રિ-કન્સ્ટ્રકશનના નામે દીકરીનું જાહેરમાં પોલીસે સરઘસ કાઢ્યું છે. અમરેલી પોલીસે દીકરી જોડે અન્યાય થયો છે. અમરેલીમાં બેફામ દારૂ, ખનીજ ચોરીના આરોપીઓનું ક્યારેય સરઘસ કાઢ્યું નથી. અમરેલીમાં ઘણા ફરાર આરોપીઓ ખુલ્લેઆમ ફરે છે જે આરોપીઓને પકડવામાં આવતા નથી.
પાટીદાર નેતા દિનેશ બાંભણિયાનું નિવેદન
અમરેલીમાં વિવાદ પર પાટીદાર નેતા દિનેશ બાંભણિયાનું નિવેદન પણ સામે આવ્યું છે. સરઘસ આરોપીઓ, બુટલેગરોના કાઢવા જોઈએ દીકરીઓના નહીં. દીકરી માત્ર ત્યાં નોકરી કરતી હતી અને એને સાક્ષી બનાવવાના બદલે આરોપી બનાવી સરઘસ કઢાયું છે. અમે બધી જ પાટીદાર સંસ્થાઓ સાથે સંકલન કરી અમરેલી જવાના છીએ. ખોટી રીતે રાજકીય કારણોમાં દીકરીને હેરાન કરાય છે.
શું છે સમગ્ર મામલો?
ગુજરાત વિધાનસભાના મુખ્ય નાયબ દંડક અને અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરુદ્ધ ગંભીર આરોપનો પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ સમગ્ર મામલે કિશોર કાનપરિયા દ્વારા પોલીસને રજૂઆત બાદ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને પણ પત્ર લખી આ અંગે જણાવ્યું હતું. કાર્યકર્તાઓનું મોરલ તોડવા અને પક્ષ ઉપર દબાણ ઉભું કરવા કોઈ હિતશત્રુ દ્વારા ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે