પાસપોર્ટ રિન્યુના ગૂંચવાડામાં અમદાવાદમાં અટવાયો પૌત્ર, દાદાએ કોર્ટના દરવાજા ખખડાવ્યા

Passport Renew : જ્યા સુધી પાસપોર્ટ રિન્યુ ન થાય ત્યા સુધી પૌત્ર તેના માતાપિતાને મળી શક્તો નથી. તેમજ પાસપોર્ટ રિન્યુ ન થવાથી તેની કેનેડા નાગરિકતાની પ્રોસેસ પણ અટકી પડી છે

પાસપોર્ટ રિન્યુના ગૂંચવાડામાં અમદાવાદમાં અટવાયો પૌત્ર, દાદાએ કોર્ટના દરવાજા ખખડાવ્યા

Ahmedabad News : પાસપોર્સ કયા કેસમાં રિન્યુ થઈ શકે તેનો વિચિત્ર કિસ્સો અમદાવાદમાં બન્યો છે. અમદાવાદમાં રહેતા એક દાદાએ પોતાના પૌત્રના પાસપોર્ટ માટે હાઈકોર્ટમાં અરજી કરી છે. તેમના 12 વર્ષના પૌત્રનો પાસપોર્ટ રિન્યૂ થતો નથી, જેને લઈને તેઓ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. 

વાત જાણે એમ છે કે, અમદાવાદમાં રહેતા ચંદ્રસિંહ ચૂડાસમાએ પોતાના 12 વર્ષીય પૌત્રના પાસપોર્ટ રિન્યુ માટે અરજી કરી હતી. પરંતુ પાસપોર્ટ ઓફિસરે તેમના પૌત્રનો પાસપોર્ટ રિન્યુ ન કર્યો. આ માટે તેઓએ કાયદાનો સહારો લેવાનું નક્કી કર્યું. 

અરજીમાં તેમણે લખ્યું કે, તેમના 12 વર્ષીય સગીરના માતાપિતા ઓસ્ટ્રેલિયામાં રહેતા હતા, ત્યારે 2011 માં બાળકનો જન્મ થયો હતો. તેના જન્મના 26 દિવસ બાદ તેને ભારતીય પાસપોર્ટ મળ્યો હતો. ઓસ્ટ્રેલિયાથી તેના માતાપિતા કેનેડામાં સ્થાયી થયા છે અને તેઓને હવે કેનેડાની નાગરિકતા મળી છે. પરંતુ પૌત્ર હાલ તેના દાદા સાથે અમદાવાદમાં રહે છે. 

દર પાંચ વર્ષે પાસપોર્ટ રિન્યુ કરવાનો હોય છે. પરંતુ સગીર પૌત્રનો પાસપોર્ટ 2016 બાદ રિન્યુ થયો જ નથી. તે 2021 માં એક્સપાયર થયો હતો. કારણ કે, રિન્યુ ઓફિસરે તેને રિન્યુ કરવા નનૈયો ભણ્યો છે. કારણ કે, પાસપોર્ટ ઓથોરિટીઝ પ્રમાણે વિદેશી નાગરિકતા સ્વીકારનારાં માતા-પિતાના બાળકને ભારતીય પાસપોર્ટ ન મળે. 

હવે જ્યા સુધી પાસપોર્ટ રિન્યુ ન થાય ત્યા સુધી પૌત્ર તેના માતાપિતાને મળી શક્તો નથી. તેમજ પાસપોર્ટ રિન્યુ ન થવાથી તેની કેનેડા નાગરિકતાની પ્રોસેસ પણ અટકી પડી છે. અરજદાર વતી વકીલ એન.કે. મજમુદારે દલીલ કરી હતી કે કાયદા પ્રમાણે બાળકનાં માતા-પિતા જન્મે મૂળ ભારતીય છે. બાળકનો જન્મ થયે કાયદા પ્રમાણે 1 વર્ષની અંદર ભારતીય દૂતાવાસમાં અરજી કરવાની રહે છે, જે આ કેસમાં બાળકના જન્મના 26મા દિવસે જ પાસપોર્ટ મળ્યો છે. જોકે આ મુદ્દે જજ વૈભવી નાણાવટીએ બે અઠવાડિયાં બાદ સુનાવણી નક્કી કરી છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news