રાજ્યમાં ગુટકા, તમાકુ કે નીકોટીન યુક્ત પાન મસાલા વેચાણ, સંગ્રહ અને વિતરણ પર એક વર્ષનો પ્રતિબંધ

ખોરાક ઔષધ નિયમન વિભાગ દ્વારા જાહેરનામું બહાર પડાયું 

રાજ્યમાં ગુટકા, તમાકુ કે નીકોટીન યુક્ત પાન મસાલા વેચાણ, સંગ્રહ અને વિતરણ પર એક વર્ષનો પ્રતિબંધ

ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં ગુટકા તેમજ તમાકુ કે નીકોટીન યુક્ત પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર એક વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ખોરાક ઔષધ નિયમન તંત્રના કમિશનર એચ.જી.કોશિયાએ આ અંગેની જાહેરાત કરી હતી. 

કોશિયાએ આ પ્રતિબંધ અંગે વધુ વિગતો આપતા જણાવ્યું કે, ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ અન્વયેના નિયમો તથા રેગ્યુલેશન-૨૦૧૧ અંતર્ગત આ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ નિયમ અંતર્ગત કોઇપણ ખાદ્યચીજમાં તમાકુ કે નીકોટીન ઉમેરવું એ પ્રતિબંધિત ગણાશે. ગુટકામાં તમાકું કે નીકોટીનની હાજરી હોવાથી માનવ આરોગ્યને ખૂબ જ નુકશાન થતું હોય છે. 

રાજ્યના નાગરિકો તથા ભાવિ પેઢીના સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે ગુટકા પર પ્રતિબંધ મૂકવો જરૂરી હોઇ રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવાયો છે. કોશિયાએ વધુમાં જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા ગુટકા કે પાન મસાલા કે જેમાં તમાકુ કે નીકોટીનની હાજરી હોય તેના વેચાણ, સંગ્રહ વિતરણ પર પ્રતિબંધ માટે જાહેરનામું બહાર પાડી દેવાયું છે. 

આ નિયમનો ભંગ કરનાર સામે રાજ્ય સરકાર દ્વારા કડક હાથે કાયદેસરની કાર્યવાહી કરાશે. ઉલ્લેખનીય છે કે, જાહેર સ્થળો પર તમાકુજન્ય પદાર્થોના સેવન પર કેન્દ્ર સરકાર દ્વારા પણ ભારે દંડની જોગવાઈ કરવામાં આવેલી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news