વડોદરામાં સામાન્ય વરસાદમાં સામે આવી પાલિકાની બેદરકારી, નવા રોડ બેસી ગયા, પાણી ભરાયા
હજુ તો વરસાદની શરૂઆત થઈ છે. પરંતુ વડોદરા મહાનગર પાલિકાની બેદરકારીઓ સામે આવી રહી છે. સામાન્ય વરસાદમાં રસ્તાઓ ધોવાયા છે તો રસ્તામાં પાણી ભરાયા છે. તંત્રના વાંકે લોકોએ મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે.
Trending Photos
જયંતિ સોલંકી, વડોદરાઃ ગુજરાતમાં બસ હજુ તો વરસાદની શરૂઆત જ થઈ છે.. કેટલાય વિસ્તારો હજુ પણ કોરા ધાકોર છે અને જ્યાં વરસાદ પડ્યો છે ત્યાં સામાન્ય જ પડ્યો છે.. પરંતુ, મહાનગરોના તંત્રનું પાપ અત્યારે જ છાપરે ચઢીને પોકારી રહ્યું છે.. જી હાં, પ્રથમ વરસાદમાં જ ક્યાંક પાલિકાની બેદરકારીના કારણે પાણી ભરાઈ રહ્યા છે તો ક્યાંક કરોડોના ખર્ચે નવા બનેલા રોડ બેસી ગયા છે.. ક્યાં સર્જાયા છે પાલિકાના કારણે બેદરકારીના દ્રશ્યો,, જુઓ આ રિપોર્ટમાં..
વડોદરા શહેરમાં નજીવા વરસાદમાં વિકાસ ધોવાય ગયો હોવાના પુરાવા સામે આવ્યા છે.. વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં પ્રથમ વરસાદમાં જ ઠેર ઠેર ખાડા પડ્યા.. ચોંકાવનારી વાત એ છેકે, તાંદલજા વિસ્તારમાં 6 મહિના પહેલાં જ બનાવવામાં આવેલો રસ્તો ધોવાય ગયો.. એટલું જ નહીં ક્યાંક ક્યાંક તો ડ્રેનેજના પાણી ઊભરાવવાની પણ સમસ્યા જોવા મળી..
કોન્ટ્રાક્ટર અને પાલિકાના અધિકારીઓના ભ્રષ્ટાચારના કારણે સમસ્યાનો સામનો જનતાએ કરવો પડે છે.. તાંદલજા વિસ્તારમાં પણ કંઈક આવી જ પરિસ્થિતિનું નિર્માણ થયું.. વડોદરા મહાનગર પાલિકા સ્માર્ટ શહેરના નામે કરોડો રૂપિયાનો વેડફાટ કરી રહી છે..
રોજિંદા પસાર થતાં લોકો પાલિકાની બેદરકારીના કારણે હાલાકી ભોગવી રહ્યા છે. હજુ તો પ્રથમ વરસાદ જ પડ્યો છે.. આખું ચોમાસું હજુ બાકી છે.. ત્યારે પાલિકાની કામગીરી પર પ્રથમ વરસાદમાં જ સવાલ ઉઠવા લાગ્યા છે.. જોકે, હવે ફરીથી સમારકામના નામે આ રોડ પર કરોડો રૂપિયાનો વેડફાટ થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે