ડ્રગ્સનો 'દરિયો'! ગુજરાતમાં ફરી ઝડપાયું અધધ... 30,00,00,000 રૂપિયાનું "હશીશ" ડ્રગ્સ
Navsari News: નવસારી જિલ્લા પોલીસે એક મોટી કાર્યવાહી કરતાં દરિયા કિનારા પરથી અંદાજે ₹30 કરોડની કિંમતનો ગેરકાયદેસર માદક પદાર્થ જપ્ત કર્યો છે.
Trending Photos
ધવલ પરીખ/નવસારી: નવસારીના દરિયામાં તણાઈને આવેલું અને જલાલપોર તાલુકાના ઓંજલ માછીવાડ ગામના દરિયા કિનારેથી મળેલું ડ્રગ્સ ઉમદા પ્રકારનું ચરસ, "હશીશ" હોવાનું ખુલ્યું છે. આ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં 30.7 કરોડ રૂપિયા કિંમત આંકવામાં આવી રહી છે. પોલીસે કુલ 60 કિલોથી વધુ ડ્રગ્સ કબ્જે કરી તપાસને વેગ આપ્યો છે.
ગુજરાતના દરિયા કાંઠેથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં સુરત અને વલસાડ જિલ્લાના દરિયા કાંઠેથી ડ્રગ્સ મળ્યા બાદ ગત રોજ મોડી રાત્રે નવસારીના જલાલપોર તાલુકાના ઓંજલ માછીવાડથી દાંડી તરફના 5 કિલોમીટરના દરિયા કાંઠા વિસ્તારમાંથી નવસારી પોલીસને પેટ્રોલિંગ દરમિયાન 5 પ્લાસ્ટિકના કોથળામાં 1180 ગ્રામનું એક એવા 50 હશીશ ડ્રગ્સ (ચરસ) ના પેકેટ મળી આવ્યા હતા. જેના ઉપર ઉર્દુ કે ફારસી ભાષામાં 'અફઘાન આવારા' લખ્યું હતુ. 5 લેયરના પેકિંગમાં ઉમદા પ્રકારના ચરસને પોલીસે પકડ્યા બાદ તેનું કુલ વજન 60 કિલોથી વધુ થયું છે. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં 30.7 કરોડ રૂપિયાની કિંમત આંકવામાં આવી છે.
દરિયા કાંઠેથી મળેલ હશીશ ડ્રગ્સ દરિયામાં 3થી 4 મહિના સુધી રહ્યું હોવાનું સ્થાનિક માછીમારો અને નિષ્ણાતો માની રહ્યા છે. પોલીસે હજુ પણ દરિયા કાંઠે આ પ્રકારે ડ્રગ્સના કોથળા મળી શકે એવી આશંકા સાથે અલગ અલગ 12 ટીમો બનાવી, દરિયા કાંઠાને ખૂંદવાનું શરૂ રાખ્યુ છે. જોકે હાલમાં મળેલા આ ડ્રગ્સને વલસાડ અને સુરત જિલ્લાના દરિયા કાંઠેથી મળેલા ડ્રગ્સ સાથે સામ્યતા હોવાનું પણ સામે આવ્યું છે. પરંતુ FSL રિપોર્ટ બાદ જ તમામ ડ્રગ્સના પેકેટ વચ્ચેની સામ્યતા કહી શકાશે. હાલમાં પોલીસે આ મુદ્દે જલાલપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધી તપાસને વેગ આપ્યો છે.
નવસારીના દરિયા કાંઠેથી મળેલ કરોડોના હશીશ ડ્રગ્સ મુદ્દે અનુમાન છે કે, ગોલ્ડન ટ્રાયેંગલ અને ગોલ્ડન ક્રેસન્ટ વિસ્તારમાંથી હશીશ (ચરસ) ની તસ્કરી થાય છે. પરંતુ નવસારીના કાંઠેથી જે ડ્રગ્સ મળ્યું છે, એમાં ગોલ્ડન ક્રેસન્ટ એટલે કે પાકિસ્તાન અફઘાનિસ્તાન અને ઈરાનનો જે વિસ્તાર છે, એ તરફનું હોઈ શકે છે. જેમાં પણ અફઘાનિસ્તાન અને ઈરાનની શક્યતા વધુ છે. જોકે હાલ તો આ અનુમાન છે. પરંતુ પોલીસ સમગ્ર મુદ્દે તપાસને વેગ આપી ડ્રગ્સ ક્યાંથી આવ્યુ એની કડી શોધવા મથામણ કરી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે