સુરત: ગરબા રમીને ઘરે જતા હીરા વેપારીનું અપહરણ, રૂપિયાની લેતીદેતીમાં અપાયો ઘટનાને અંજામ

સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં 26 સપ્ટેમ્બરના રોજ એક અપહરણની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં દીપક મોરડિયા દ્વારા જણાવાયું હતું કે, 26 સપ્ટેમ્બરના રોજ રાત્રિના સમયે ધારુકા કોલેજમાં યોજાતી નવરાત્રિ જોઈને ઘરે જઈ રહ્યા હતા.

સુરત: ગરબા રમીને ઘરે જતા હીરા વેપારીનું અપહરણ, રૂપિયાની લેતીદેતીમાં અપાયો ઘટનાને અંજામ

સુરત: નવરાત્રિના દિવસો દરમ્યાન સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલ એક પાર્ટીપ્લોટમાં ગરબા રમ્યા બાદ ઘરે જતી વખતે યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું. હાઇવે બાજુ ફાર્મ હાઉસમાં લઈ જઈ માર મારીને પછી છોડી દેવાયો હતો. સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણના આ ગુનામાં સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પૈસાની લેતી દેતી મામલે હીરા વેપારીનું કિડનેપિંગ થયું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં 26 સપ્ટેમ્બરના રોજ એક અપહરણની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં દીપક મોરડિયા દ્વારા જણાવાયું હતું કે, 26 સપ્ટેમ્બરના રોજ રાત્રિના સમયે ધારુકા કોલેજમાં યોજાતી નવરાત્રિ જોઈને ઘરે જઈ રહ્યા હતા. તે સમયે એક ફોર્ચ્યુનર કાર તેમની ગાડીની બાજુમાં આવીને ઊભી રહી હતી અને કારમાંથી 3 ઈસમોએ ઉતરીને બળજબરીપૂર્વક તેમને કારમાં બેસાડી દીધા હતા અને ત્યારબાદ અપહરણ કરીને કામરેજના એક ફાર્મહાઉસમાં લઈ ગયા હતા. 

આ ઢાબા પર અગાઉથી વિરલ વાઘાણી સહિત અન્ય ચાર ઈસમો ઉપસ્થિત હતા અને તમામે ફરિયાદી દીપક મોરડીયાને માર માર્યો હતો અને ત્યારબાદ આ તમામ દિપક મોરડીયાને વરાછા વિસ્તારમાં આવેલી ચોપાટી પાસે ઉતારી ભાગી ગયા હતા. આ સમગ્ર મામલે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી અને ફરિયાદ નોંધાયા બાદ સુરત ક્રાઈમ બ્રાન્ચ પણ તપાસમાં જોતરાયું હતું.

આ સમગ્ર મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વિશાલ વેકરીયા, ભાવેશ પટેલ અને જયેશ પટેલ નામના ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીની પૂછપરછ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે, ફરિયાદી દીપક મોરડીયા હીરાનું કારખાનું ચલાવે છે અને તેમને વિરલ વાઘાણી નામના ઈસમ સાથે અગાઉ પૈસાની લેતી દેતી મામલે તકરાર થઈ હતી. 

આજ મામલે વિરલ વાઘાણીએ ફરિયાદી દીપક મોરડીયાનું અપહરણ કરાવી તેમને માર માર્યો હતો. પોલીસે હાલ આ ત્રણેય આરોપીની ધરપકડ કરીને કોર્ટમાંથી રિમાન્ડ મેળવ્યા છે. જ્યારે મુખ્ય આરોપી વિરલ વાઘણીને પકડવાની તજવીજ હાથ ધરી છે. સુરત શહેરમાં અવારનવાર પૈસાની લેતીદેતી મામલે મારામારી તેમજ હત્યાના બનાવો પણ સામે આવતા રહે છે, ત્યારે સુરત પોલીસ આ બાબતે સતર્ક બની છે અને આ પ્રકારના ગુના આચરનારાઓ સામે લાલ આંખ કરી છે.

જુઓ આ પણ વીડિયો:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news