પાટીદારોના ખોડલધામમાં નવરાત્રિનું ખાસ આયોજન, અંબાજીની જેમ ભક્તો પદયાત્રા કરીને પહોંચ્યા
Trending Photos
નરેશ ભાલિયા/જેતપુર :આજથી નવરાત્રી (Navratri) ની શરૂઆત થઈ રહી છે. નવરાત્રીના નવ દિવસોમાં ભક્તો ભાવપૂર્વક નવદુર્ગાની પૂજા અર્ચના કરે તો માતાજી તેમને મનોવાંછિત ફળ આપે છે. નવરાત્રીના નવ દિવસ દરમિયાન નવદુર્ગાના અલગ અલગ સ્વરૂપોની પૂજા અર્ચના થાય છે. પ્રથમ દિવસ પર્વતપુત્રીને સમર્પિત છે. પહેલા દિવસે ઘટ સ્થાપનથી પૂજાની શરૂઆત થાય છે. ત્યારે પાટીદારોના ખોડલધામ (khodaldham) માં પણ નવરાત્રિની રંગેચંગે તૈયારીઓ કરવામાં આવી છે.
માતાજીની આરાધનાનું પર્વ એટલે અશો નવરાત્રિ. માતાજીના ભક્તો આ મહિનામાં માતાજીની ખાસ વિશષ્ટ રીતે પૂજન અને અર્ચન કરીને માતાજીની ભક્તિ કરે છે. ત્યારે રાજકોટના કાગવડ ખોડલધામમાં માં ખોડલના મંદિરમાં પણ માતાજીના આ આરાધ્ય પર્વને ઉત્સાહપૂર્વક ઉજવવાની તમામ તૈયારી કરવામાં આવી છે. ગત વર્ષે કોરોના મહામારીમાં લોકડાઉનને લઈને તમામ મંદિરો બંધ હતા. જેને લઈને અશો નવરાત્રિમાં પણ માતાજીના ભક્તોને સીમિત રીતે અને ઘરે રહીને માતાજીની ભક્તિ કરવી પડી હતી. ત્યારે આ વર્ષે સરકાર દ્વારા મળેલ છૂટને લઈને માતાજીના ભક્તોમાં આનંદની લાગણી જોવા મળી છે. ત્યારે ખોડલધામ મંદિરમાં પ્રથમ નોરતાથી જ ખાસ આયોજન કરવામાં આવ્યું છે.
ખોડલધામ મંદિરમાં રોજ માતાજીનો ચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. સાથે સાથે અહીં માતાજીને રોજે ધજાજીનું આરોહણ કરવામાં આવશે. ભક્તો સાથે રોજ ત્રિવિધિ કાર્યક્રમો યોજવામાં આવશે. મંદિરમાં જે રીતે ઉત્સાહ જોવા મળે છે તે સાથે ભક્તોમાં પણ અનેરો આંનદ જોવા મળ્યો છે. માતાજીના ભક્તો પણ માતાજીના ચરણોમાં શિશ ઝૂકાવવા માટે અને આશીર્વાદ લેવા માટે દૂર દૂર અને ગામે ગામથી શ્રધ્ધાળુઓ પદયાત્રા કરીને માતાજીના દર્શન કરવા માટે આવી પહોંચ્યા છે. ભક્તો પણ એક વર્ષના લાંબા સમય બાદ માતાજીના મંદિરમાં દર્શન કરવા મળતા ખૂબ જ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
પૌરાણિક માન્યતાઓ મુજબ નવરાત્રીના પર્વમાં દેવીમાતાની આરાધના કરવાથી તે પ્રસન્ન થઈને તેના ભક્તોના તમામ કષ્ટોનું નિવારણ કરે છે અને તેમને સુખ, સમૃદ્ધિ, આપે છે. માતા દુર્ગા પોતાના પ્રથમ સ્વરૂપમાં શૈલપુત્રી તરીકે ઓળખાય છે. દેવી દુર્ગાના નવ સ્વરૂપમાં, શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંધમાતા, કાત્યાયની, કાલરાત્રી, મહાગૌરી અને સિદ્ધિદાત્રી છે. નવરાત્રનો અર્થ નવ રાત થાય છે. આ નવ રાતોમાં ત્રણ દેવી પાર્વતી, લક્ષ્મી અને સરસ્વતીના નવ સ્વરૂપોની પૂજા થાય છે જેને નવદુર્ગા કહે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે