પ્રેમ લગ્નમાં પરમિશન : ગુજરાતમાં પ્રેમ પ્રકરણમાં 1400 લોકોની હત્યા, નંબર વન કારણ મરજી વિનાના સંબંધો
Valentines Day : ગુજરાતમાં 10 વર્ષમાં 1400 થી વધુ લોકોની પ્રેમ પ્રકરણમાં હત્યા કરાઈ... પ્રેમ પ્રકરણમાં થતી હત્યાઓમાં ગુજરાત દેશમાં પાંચમા સ્થાને છે
Trending Photos
Love Story : ગુજરાતમાંથી એમ જ પ્રેમ લગ્ન વખતે સાક્ષી તરીકે વર-કન્યાના માતા-પિતાની સહી ફરજિયાત હોવાની માગ થઈ રહી છે. માતા-પિતાની પરવાનગી વિના થતાં લગ્નો કરૂણાંતિકામાં પરિણમે છે. રાજ્યમાં સહમતી વિના થતાં લગ્નને કારણે ક્રાઈમ વધે છે. લવ મેરેજ રજિસ્ટ્રેશન માટેના કાયદામાં ફેરફાર કરવાની પણ જરૂર હોવાનો મામલો વિધાનસભા સુધી પહોંચ્યો છે. ગુજરાતના સુખી સંપન્ન પાટીદાર સમાજે પણ આ મામલો સરકાર સામે ઉઠાવ્યો છે. માતા-પિતાની સહીનો કાયદો આવવાથી સામાજિક રીતે ફાયદો થશે. આ તમામ બાબતોમાં એ સામે આવ્યું છે કે, ગુજરાતમાં હત્યાનાં મુખ્ય કારણોમાં સૌથી પ્રથમ કારણ પ્રેમ પ્રકરણ છે. વેલેન્ટાઇન્સ ડેની ઉજવણી ગઈકાલે જ થઈ. છોકરા અને છોકરીઓ એકબીજાના પ્રેમમાં પડી ભાગીને લવ મેરેજ કરી લેવા એ ફેશન બની ગયું છે. મા બાપની સંમતિ વિના થતાં આ લગ્નો આખરે હત્યામાં પરિણમે છે. ગુજરાતમાંથી જ છેલ્લા 1૦ વર્ષમાં 1446 વ્યક્તિની પ્રેમ પ્રકરણને કારણે હત્યા થઇ હોવાનું સામે આવ્યું છે.
2017ના રિપોર્ટ મુજબ ગુજરાતમાં પ્રેમ પ્રકરણમાં સૌથી વધુ 156 હત્યા થઈ છે. છેલ્લા 1૦ વર્ષમાં પ્રેમ પ્રકરણને કારણે સૌથી વધુ 179 હત્યા વર્ષ 2૦21માં થઇ હતી. વર્ષ 2૦22ની વાત કરવામાં આવે તો ગુજરાતમાં પ્રેમ પ્રકરણને કારણે 134ની હત્યા થઇ હતી. પ્રેમ પ્રકરણને કારણે વર્ષ 2૦22માં સૌથી વધુ હત્યા ઉત્તર પ્રદેશમાં 253 થઈ હતી. બિહારમાં 171, મધ્ય પ્રદેશમાં 146, મહારાષ્ટ્રમાં 143 સાથે ગુજરાત આ રાજ્યોમાં પાંચમાં સ્થાને રહ્યું હતું. સમગ્ર દેશમાંથી એક વર્ષમાં 14૦1 વ્યક્તિની પ્રેમ પ્રકરણને કારણે હત્યા થઇ હતી.
ગુજરાતમાં પ્રેમ પ્રકરણને કારણે હત્યાની ઘટના
વર્ષ | ઘટના |
2013 | 156 |
2014 | 121 |
2015 | 122 |
2016 | 133 |
2017 | 126 |
2018 | 158 |
2019 | 147 |
2020 | 170 |
2021 | 179 |
2022 | 134 |
કુલ | 1446 |
અમદાવાદમાંથી છેલ્લા પાંચ વર્ષમાં પ્રેમ પ્રકરણને કારણે 4૦ વ્યક્તિની હત્યા થયેલી છે. જેમાં 2૦2૦માં 6, 2૦21માં 11 અને 2૦22માં 8 હત્યાનો સમાવેશ થાય છે. બીજી તરફ સુરતમાંથી ગત વર્ષે પાંચ વ્યક્તિની પ્રેમ પ્રકરણને કારણે હત્યા થઇ હતી. મારી નહીં તો કોઈની પણ નહીં આ સિવાય લવ મેરેજથી નારાજ પરિવારો પણ પોતાનો ગુસ્સો દીકરી કે તેના પ્રેમી પર કાઢે છે. ગુજરાતમાં ઘણા સમયથી એકતરફી પ્રેમના કિસ્સાઓ પણ વધ્યા છે. જેમાં છોકરીઓની હત્યાઓ થઈ છે. ઘણીવાર આડાસંબંધોનો અંજામ પણ હત્યા સુધી પહોંચે છે. પહેલાં અંગત અદાવતો અને જમીનોના ઝઘડાઓમાં હત્યાઓ થતી હતી. હાલમાં સૌથી મોખરે એ પ્રેમ પ્રકરણ છે. એટલે જ ગુજરાતમાં લવ મેરેજ પહેલાં મા બાપની સંમતિ માટે મંજૂરી માગવા કાયદો ઘડવાની માગ થઈ રહી છે. દરેક મા બાપ પોતાના વ્હાલસોયા સંતાનોને ગુમાવવા માગતા નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે