મોટેરાનું મેગા ઓપનિંગ : રાષ્ટ્રપતિ કરશે વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમનું ઉદઘાટન

મોટેરાનું મેગા ઓપનિંગ : રાષ્ટ્રપતિ કરશે વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમનું ઉદઘાટન
  • અમદાવાદના મોટેરામાં તૈયાર કરાયેલું વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે
  • પોલીસ સિવાય આજથી 300 ખાનગી સિક્યોરિટીના જવાનો પણ મેદાનની અંદર સુરક્ષા બંદોબસ્તમાં જોડાયા છે

ઝી મીડિયા/બ્યૂરો :વિશ્વના સૌથી મોટા મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ (motera stadium) ની અંદર અને બહાર લોખંડી પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે. કારણ કે, આજે મોટેરા સ્ટેડિયમનું રાષ્ટ્રપતિના હસ્તે ઉદઘાટન થવા જઈ રહ્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (ramnath kovind) ના હસ્તે નવનિર્મિત મોટેરા સ્ટેડિયમનુ ઉદઘાટન થવાનું છે. ત્યારે આ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહેવાના છે. ત્યારે સમગ્ર સ્ટેડિયમ પાસે લોખંડી બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. પોલીસ સિવાય 24 ફેબ્રુઆરીથી 300 ખાનગી સિક્યોરિટીના જવાનો પણ મેદાનની અંદર સુરક્ષા બંદોબસ્તમાં જોડાશે.

ભારત vs ઇંગ્લેન્ડ (india vs england) વચ્ચે રમાનારી પિંક બોલ ડે નાઈટ ટેસ્ટ મેચ પહેલા 11 વાગે મેદાનનું રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ગૃહમંત્રી અમિત શાહ (amit shah) દ્વારા મેદાનનું ઉદ્ધાટન કરાશે. આ માટે પોલીસ જવાનોને મેદાનની અંદર અને બહાર પોઇન્ટ ફાળવવામાં આવ્યા છે. તો બીજી તરફ, મોટેરા સ્ટેડિયમનની બહાર ક્રિકેટ ચાહકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ મેદાન મોટેરામાં ડે નાઈટ - પિંક બોલ ટેસ્ટ મેચમાં સાક્ષી બનવા ક્રિકેટના ચાહકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. 6 વર્ષ બાદ નવા તૈયાર થયેલા મેદાનમાં ભારત vs ઇંગ્લેન્ડની ટેસ્ટ મેચ નિહાળવા ક્રિકેટ રસિકો આતુર છે. 

આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરશે. તો સાથે જ સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્કલેવનું પણ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે ભૂમિપૂજન કરાશે. 11.30 કલાકથી સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્કલેવનું ભૂમિપૂજન તેમજ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરાના ઉદ્ધાટનનો કાર્યક્રમ શરૂ થશે. ગૃહમંત્રી અમિત શાહ, ખેલમંત્રી કિરણ રિજ્જુજી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ડેપ્યુટી સીએમ નીતિન પટેલ ઉપસ્થિત રહેશે. ભારત vs ઈંગ્લેન્ડ વચ્ચે આજથી રમાનારી ત્રીજી પિંક બોલ - ડે નાઈટ ટેસ્ટ પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મોટેરા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરશે. મોટેરા ક્રિકેટ સ્ટેડિયમના ઉદ્ઘાટન બાદ બપોરે 2.30 કલાકે ભારત vs ઈંગ્લેન્ડ વચ્ચેની ડે નાઈટ ટેસ્ટ મેચ શરૂ થશે. મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ તોડીને નવા તૈયાર થયેલા સ્ટેડિયમમાં 6 વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમાશે. આજથી ભારત vs ઈંગ્લેન્ડ વચ્ચે શરૂ થતી ત્રીજી ટેસ્ટ બાદ ચોથી ટેસ્ટ મેચ તેમજ 12 માર્ચથી શરૂ થતી 5 T20 મેચ પણ અમદાવાદના મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. 20 માર્ચના રોજ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચમી અને અંતિમ T20 મેચ રમાશે ત્યારબાદ 21 માર્ચે બંને ટીમ વન - ડે મેચ રમવા માટે પૂણે રવાના થશે. સ્ટેડિયમના ઉદઘાટન માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ હાલ બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. તેઓ આજે ભારત અને ઇંગ્લેન્ડ (india vs england) વચ્ચેની મેચ નિહાળીને અમદાવાદ એરપોર્ટથી સીધા દિલ્હી જવા રવાના થશે. 

મોટેરા સ્ટેડિયમની સફર વિશે...
ગુજરાત ક્રિકેટ એસોસીએશન (GCA) દ્વારા અમદાવાદના મોટેરામાં તૈયાર કરાયેલું વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. વર્ષ 2014માં GCAના પ્રેસિડેન્ટ તરીકે અને મુખ્યમંત્રી તરીકે તેમણે વિચાર મૂક્યો હતો કે 25 વર્ષ જૂનું મોટેરા સ્ટેડિયમ સંપૂર્ણપણે તોડીને તેની જગ્યાએ નવું સ્ટેડિયમ બનાવીએ. જે શ્રેષ્ઠતમ સુવિધાઓ સાથે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ હોય. ત્યારબાદ, GCAના પ્રમુખ તરીકે તેમના અનુગામી અને હાલમાં ભારતના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ વિશાળ પ્રોજેક્ટની ધૂરા સંભાળી અને GCAના ભૂતપૂર્વ સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ પરિમલ નથવાણી અને BCCIના સેક્રેટરી, એશિયન ક્રિકેટ કાઉન્સિલના ચેરમેન તથા GCAના પૂર્વ જોઇન્ટ સેક્રેટરી જય શાહે સંપૂર્ણ સહયોગ સાંપડ્યો. સપ્ટેમ્બર 28, 2019ના રોજ GCAનું નેતૃત્વ સંભાળવા માટે ઉપાધ્યક્ષ તરીકે ધનરાજ નથવાણીની આગેવાનીમાં ટીમ ચુંટાઈ અને આ ટીમે મોટેરા સ્ટેડિયમને આખરી ઓપ આપ્યો.

  • 1,10,000 બેઠક ક્ષમતા ધરાવતું વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ
  • ઓસ્ટ્રેલિયન કંપની પોપ્યૂલસ કન્સેપ્ટ આર્કિટેક્ટ છે; L&T ડેવલપર (ડિઝાઇન અને નિર્માણ) છે તથા STUP કન્સલ્ટન્ટ પ્રોજેક્ટના પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ (PMC) છે
  • સ્ટેડિયમમાં 76 એર કન્ડિશન્ડ કોર્પોરેટ બોક્સ છે, જે દરેકમાં 25ની બેઠક ક્ષમતા છે
  • 63 એકર જમીનમાં પથરાયેલું સ્ટેડિયમ 
  • લાલ અને કાળી માટીની કુલ 11 પીચ તૈયાર કરવામાં આવી છે
  • મુખ્ય અને પ્રેક્ટિસ પીચ બનાવવા માટે એક સરખી માટીનો ઉપયોગ થયો હોય તેવું પહેલું સ્ટેડિયમ છે. મુખ્ય ગ્રાઉન્ડમાં લાલ માટીની છ પીચ અને પાંચ કાળી માટીની પીચ છે, જ્યારે એવું જ પ્રેક્ટિસ પીચમાં છે, જ્યાં લાલ માટીની પાંચ અને કાળી માટીની ચાર પીચ છે
  • ખેલાડીઓ માટે કુલ ચાર ડ્રેસિંગ રૂમ છે - વિશ્વના અન્ય કોઈ સ્ટેડિયમમાં ખેલાડીઓ માટે ચાર ડ્રેસિંગ રૂમ નથી
  • ટીમ માટેના ડ્રેસિંગ રૂમમાં ખેલાડીઓ માટે સૌથી આધુનિક જિમ્નેશિયમ તૈયાર કરવામાં આવ્યું છે
  • વરસાદ બંધ થયાની 30 જ મિનિટમાં મેદાનમાંથી પાણી વહીને બહાર નીકળી જાય તથા રમત ફરી શરૂ થઈ શકે તેવી ખાસ સબ સોઇલ ડ્રેનેજ સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે.
  • નવ મીટરની ઊંચાઈનું 360 ડિગ્રી પોડિયમ કોનકોર્સ પ્રેક્ષકોની અવર જવરને ખૂબ જ સરળ બનાવે છે અને તેમને સુવિધા તથા સેવાઓ પૂરી પાડવા માટે જરૂરી અનુકૂળતા ઊભી કરી આપે છે
  • ભવિષ્યના પ્રતિભાશાળી ખેલાડીઓને તૈયાર કરવા માટે ક્રિકેટ એકેડમી - ઇનડોર પ્રેક્ટિસ પીચ
  • પેવેલિયન્સ અને સૌથી અત્યાધુનિક મીડિયા બોક્સ
  • ભારતમાં પહેલીવારની ફિલ્ડ ઓફ પ્લે LED લાઇટ્સ
  • હજારો કાર અને ટુ વ્હિલર માટે પર્યાપ્ત પાર્કિંગ
  • ભવ્ય હોલ ઓફ ફેમ
  • દરેક સ્ટેન્ડમાં ફૂડ કોર્ટ અને હોસ્પિટાલિટી એરિયા
  • અત્યાધુનિક ક્લબ હાઉસ, જેમાં છે 50 ડિલક્સ રૂમ અને પાંચ સ્યૂટ રૂમ, ઇનડોર અને આઉટડોર ગેમ્સ, રેસ્ટોરન્ટ, ઓલિમ્પિક સાઇઝનો સ્વીમિંગ પૂલ, જિમ્નેશિયમ, પાર્ટી એરિયા, 3D પ્રોજેક્ટર થિયેટર/ટીવી રૂમ
  • BRTS અને નિર્માણાધીન મેટ્રો સ્ટેશન જેવી પબ્લિક ટ્રાન્સપોર્ટ કનેક્ટિવિટી
  • નાના પેવેલિયન એરિયા સાથેના બે પ્રેક્ટિસ ગ્રાઉન્ડ
  • ફૂટબોલ, હોકી, બાસ્કેટ બોલ, કબડ્ડી, બોક્સિંગ, લોન ટેનિસ, રનિંગ ટ્રેક, વિગેરે જેવી અન્ય રમતો માટે સ્પોર્ટ્સ એકેડેમી
  • નોર્થ પેવેલિયનનું નામ રિલાયન્સ જિયો નોર્થ સ્ટેન્ડ છે અને સાઉથ પેવેલિયનનું નામ અદાણી સાઉથ સ્ટેન્ડ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news