ખળભળાટ! ગુજરાતમાં 5 વર્ષની અંદર 40 હજારથી વધુ મહિલાઓ ગુમ, પોલીસના મોટા ખુલાસા
અમદાવાદ અને વડોદરામાં માત્ર એક વર્ષમાં (2019-20) 4,722 મહિલાઓ ગુમ થઈ હતી. તમને જણાવી દઈએ કે ગુજરાત માટે આ સમાચાર ખૂબ જ મોટા માનવામાં આવે છે, કારણ કે જ્યાં છેલ્લા 25 વર્ષથી ભાજપ સરકારનું શાસન છે. આ મામલે ગુજરાત પોલીસના મોટા ખુલાસા આવ્યા છે.
Trending Photos
ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાતમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવતા ખળભળાટ મચી ગયો છે. જો સત્તાવાર આંકડાઓ પર વિશ્વાસ કરવામાં આવે તો ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં 40,000થી વધુ મહિલાઓ ગુમ થઈ છે. જી હાં... સાંભળીને ચોંકી ગયા હશો, પરંતુ આ હકીકત છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના આંકડા અનુસાર, વર્ષ 2016માં 7,105 મહિલાઓ, વર્ષ 2017માં 7,712, વર્ષ 2018માં 9,246 અને વર્ષ 2019માં 9,268 મહિલાઓ ગુમ થઈ હતી. જ્યારે વર્ષ 2020માં 8,290 મહિલાઓ ગુમ થઈ હોવાનું નોંધાયું હતું. પાંચ વર્ષમાં તેમની કુલ સંખ્યા 41,621 પર પહોંચી ગઈ છે.જોકે, ગુજરાત પોલીસે આ મામલે મોટા ખુલાસા કર્યા છે અને કહ્યું છે કે આ આંકડાઓ વર્ષ ૨૦૧૬-૨૦૨૦માં ગુજરાતમાંથી ગુમ થયેલી ૪૧૬૨૧ મહિલાઓના છે. જેમાંથી ૩૯૪૯૭ મહિલાઓને (૯૪.૯૦%) પરત મળી આવેલ છે અને તેમના પરીવાર સાથે છે. આમ ભાજપની સરકાર સામે કાયદો વ્યવસ્થા મામલે ઉઠેલા સવાલોનો ગુજરાત પોલીસે જ ખુલાસો કર્યો છે.
હાલમાં અમુક સમાચાર માધ્યમોમાં Nation Crime Record Bureau (NCRB)ના આંકડાના હવાલાથી “ગુજરાતમાંથી છેલ્લા પાંચ વર્ષમાં ૪૧ હજાર મહિલાઓ ગુમ થઇ” હોવાના સમાચાર પ્રકાશિત થયેલ છે. આ માહિતી અધૂરી અને માટે ગેરમાર્ગે દોરનારી છે. વર્ષ ૨૦૧૬-૨૦૨૦માં ગુજરાતમાંથી ૪૧૬૨૧ મહિલાઓ ગુમ થયેલ હતી.
— Gujarat Police (@GujaratPolice) May 8, 2023
પરંતુ આ પૈકી ૩૯૪૯૭ મહિલાઓને (૯૪.૯૦%) પરત મળી આવેલ છે અને તેમના પરીવાર સાથે છે. આ બંને આંકડાઓ પણ NCRB દ્વારા જાહેર કરવામાં આવેલ છે જેની ખરાઇ NCRBના પોર્ટર્લ પરથી પણ કરી શકાય છે. આમ જે સમાચાર અમુક માધ્યમોમાં પ્રકાશીત થયેલ છે તે અધૂરા અને ગેરમાર્ગે દોરનારા છે.
— Gujarat Police (@GujaratPolice) May 8, 2023
રાજ્યની ભાજપ સરકારે 2021માં ગુજરાત વિધાનસભામાં આપેલા એક નિવેદન મુજબ, અમદાવાદ અને વડોદરામાં માત્ર એક વર્ષમાં (2019-20) 4,722 મહિલાઓ ગુમ થઈ હતી. તમને જણાવી દઈએ કે ગુજરાત માટે આ સમાચાર ખૂબ જ મોટા માનવામાં આવે છે, કારણ કે જ્યાં છેલ્લા 25 વર્ષથી ભાજપ સરકારનું શાસન છે. જે જૂના આંકડાઓમાં મોટા ખુલાસા થયા છે.
ધ ન્યૂ ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી અને ગુજરાત રાજ્ય માનવ અધિકાર પંચના સભ્ય સુધીર સિંહાએ જણાવ્યું હતું કે, ગુમ થવાના કેટલાક કિસ્સાઓમાં મેં જોયું છે કે છોકરીઓ અને મહિલાઓને ક્યારેક ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં મોકલવામાં આવે છે અને વેશ્યાવૃત્તિ માટે મજબૂર કરવામાં આવે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પોલીસ તંત્રની સમસ્યા એ છે કે તે ગુમ થવાના કેસોને ગંભીરતાથી લેતી નથી. આવા કિસ્સાઓ હત્યા કરતાં પણ વધુ ગંભીર હોય છે. આવું એટલા માટે કારણ કે, જ્યારે કોઈ બાળક ગુમ થાય છે, ત્યારે માતાપિતા પોતાના બાળક માટે વર્ષો સુધી રાહ જોવે છે અને ગુમ થયેલા કેસની તપાસ પણ હત્યાના કેસની જેમ જ સખતાઈથી થવી જોઈએ.
સિન્હાએ વધુમાં જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા ગુમ થયેલા વ્યક્તિઓના કેસોની વારંવાર અવગણના કરવામાં આવે છે કારણ કે તેમની તપાસ બ્રિટિશ યુગની રીતે કરવામાં આવે છે. પૂર્વ અધિક પોલીસ મહાનિર્દેશક ડો.રાજન પ્રિયદર્શીએ જણાવ્યું હતું કે, છોકરીઓના ગુમ થવા પાછળ માનવ તસ્કરી જવાબદાર છે. મારા કાર્યકાળ દરમિયાન મેં જોયું છે કે મોટાભાગની ગુમ થયેલી મહિલાઓને ગેરકાયદે માનવ તસ્કરી સાથે સંકળાયેલી ટોળકી દ્વારા ઉપાડી લેવામાં આવે છે, જેઓ તેમને બીજા રાજ્યમાં લઈ જાય છે અને વેચે છે.
ડૉ. રાજન પ્રિયદર્શીએ જણાવ્યું હતું કે, “જ્યારે હું ખેડા જિલ્લામાં પોલીસ અધિક્ષક (SP) હતો, ત્યારે ઉત્તર પ્રદેશનો એક વ્યક્તિ જે જિલ્લામાં મજૂર તરીકે કામ કરતો હતો તે એક ગરીબ છોકરીને ઉપાડી ગયો અને તેણે તેના મૂળ વતનમાં લઈને વેંચી નાંખી હતી, જ્યાં તે છોકરીને ખેતરોમાં મજૂર તરીકે કામ કરવા માટે ફરજ પડાતી હતી. સદ્દનસીબે અમે તેને બચાવવામાં સફળ રહ્યા, પરંતુ ઘણા કિસ્સાઓમાં આવું થતું નથી.
ગુજરાત કોંગ્રેસના એક પ્રવક્તા હિરેન બેંકરે જણાવ્યું હતું કે, ભાજપના નેતાઓ કેરળમાં મહિલાઓની વાત કરે છે, પરંતુ ગુજરાતમાં 40,000થી વધુ મહિલાઓ ગુમ છે. જોકે, ગમ મહિલાઓ અંગે વાયરલ થઈ રહેલા સમાચારો બાદ ગુજરાત પોલીસે આ કેસમાં મોટા ખુલાસા કરી વાસ્તવિકતા ઉજાગર કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે