મોડે મોડે જાગી સરકાર, પ્રવાસીઓ વધતા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સુવિધાઓ વધારાઈ

સ્ટેચ્યુના ઉદઘાટન બાદ દિવાળીનું વેકેશન આવ્યું અને 15 દિવસમાં 1.50 લાખ કરતા વધુ પ્રવાસીઓ આવ્યા છે, ત્યારે પ્રવાસીઓને તંત્રએ યોગ્ય વ્યવસ્થા ગોઠવી ન હોય ભારે તકલીફનો સામનો કરવાનો વારો આવ્યો હતો

મોડે મોડે જાગી સરકાર, પ્રવાસીઓ વધતા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સુવિધાઓ વધારાઈ

કેવડીયા/ગુજરાત : સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉતાવળે કરાયેલા લોકાર્પણ બાદ પ્રવાસીઓને પડેલી મુશ્કેલીઓની કારણે ગુજરાત સરકારની ભારે નાલેશી થઇ હતી. હવે મોડે મોડે પણ જાગેલ સરકારે પ્રવાસીઓને કોઇ તકલીફ ન પડે તે માટે સુવિધાઓ ઉભી કરવા માટે ગાંધીનગરથી ઉચ્ચ અધિકારીઓને કેવડીયા મોકલાયા છે. 

સ્ટેચ્યુ ઓફ યુનિટીના કરાયેલા લોકાર્પણ બાદ પ્રવાસીઓને કોઇ તકલીફ ન પડે તે માટે સુવિધાઓ ઉભી કરવા માટે ગાંધીનગરથી ઉચ્ચ અધિકારીઓને કેવડીયા મોકલાયા. સ્ટેચ્યુના ઉદઘાટન બાદ દિવાળીનું વેકેશન આવ્યું અને 15 દિવસમાં 1.50 લાખ કરતા વધુ પ્રવાસીઓ આવ્યા છે, ત્યારે પ્રવાસીઓને તંત્રએ યોગ્ય વ્યવસ્થા ગોઠવી ન હોય ભારે તકલીફનો સામનો કરવાનો વારો આવ્યો હતો. જે બાદ નર્મદા નિગમનાં ચેરમેન એસ.એસ.રાઠોડ અને સરદાર વલ્લભભાઈ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટનાં સભ્ય સચિવ સંદીપ કુમાર કેવડીયા દોડી આવીને મુશ્કેલીઓ જાણીને તેના નિરાકરણ માટે સુચનો કર્યા હતા. 

સરદાર વલ્લભભાઈ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટના સભ્ય સચિવ સંદીપ કુમારે જણાવ્યું કે, અહીં આવનાર પ્રવાસીઓને પડતી તકલીફો નિવારવા માટે સરદાર વલ્લભભાઈ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ અને જિલ્લા વહીવટીતંત્ર અને નર્મદા નિગમ સહિયારા પ્રયત્નો કરી રહ્યા છે. પ્રવાસીઓને જે તકલીફ પડી હતી તેની પાછળનું કારણ એ હતું કે, લિફ્ટની ક્ષમતા 8 કલાકમાં 5000 પ્રવાસીઓને વહન કરવાની છે અને સમગ્ર યુનિટીની ક્ષમતા 15,000 પ્રવાસીઓની છે. તેની સામે પ્રથમ બે જ કલાકમાં 15,000 પ્રવાસીઓ આવી જતા હતા. જોકે આ બધાથી શીખ મેળવીને હવે નવા પગલાં લેવાયા છે. તે મુજબ હવે વ્યુઇંગ ગેલેરી સુધી જવા માટે ટાઈમ સ્લોટ બનાવાયા છે. 2-2 કલાકના સ્લોટ નક્કી કરીને હવે પ્રત્યેક સ્લોટમાં 1200- 1300 પ્રવાસીઓને વ્યુઈંગ ગેલેરીમાં પ્રવેશ અપાશે.

vlcsnap-2018-11-17-13h17m31.jpg

હવે પ્રવાસીને વેલ્યુ ઓફ મની મળી શકે અને મુશ્કેલી ઓછી થાય તેવા પ્રયાસો કરાશે. પ્રવાસીઓ માટેની બસની સંખ્યા પહેલા 20 હતી, જે વધારીને પહેલા 30 અને હવે 40 કરી દેવાઈ છે. દરેક પોઇન્ટ પર દર 3 મિનિટે બસ મળી રહે એ પ્રકારે વ્યવસ્થા કરાઈ. પ્રવાસીઓ યુનિટી પર આવે છે ત્યારે ગરમીમાં ભારે હેરાન થાય છે. જોકે પ્રવાસીઓને લાંબી કતારમાં ગરમી સહન કરીને ઉભું રહેવું પડતું હતું અને ભારે તકલીફ સહન કરવી પડતી હતી. જેમાં વૃદ્ધો અને નાના બાળકો વધુ હેરાન થતા હતા. જેથી હવે હંગામી ધોરણે પ્રવાસીઓ માટે શેડ ઉભા કરાયા છે. કાયમી શેડ ઉભા નહિ કરવા પાછળનું મુખ્ય કારણ આપતા સંદીપકુમારે જણાવ્યું હતું કે, દુનિયાના કોઈ પણ પ્રવાસન સ્થળ પર આવા શેડ જોવા મળતા નથી. કારણ કે, જે મુખ્ય કેન્દ્ર છે તેની બ્યુટી પર અસર પડી શકે છે. તાજમહલ અને એફિલ ટાવર ખાતે પણ આજ વ્યવસ્થા છે. માટે દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા દૂરથી પણ નિહાળી શકાય તે માટે પાક્કા શેડ બનાવાયા નથી. જો કે સરકાર આનો વિકલ્પ શોધવા પ્રયાસ હાથ ધરશે તેવી ખાતરી આપવામાં આવી છે.

તેમણે કહ્યું કે,  શ્રેષ્ઠ ભારત ભવન પણ ટૂંક સમયમાં કાર્યરત કરી દેવાશે. ભારત ભવન એ એક થ્રી સ્ટાર હોટેલ છે. જેમાં 52 રૂમની થ્રી સ્ટાર હોટેલ છે. જેમાં સ્યુટ, ડાઈનીંગ હોલ, સ્વિમિંગ પુલ,બેંકવેટ હોલ સહિત અનેક સુવિધાઓ ઉપલબ્ધ છે. જેનું કામકાજ અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. જે હવે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં તેનું કામકાજ સંપૂર્ણ થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news