સાગઠીયાની બંધ ઓફિસમાંથી કરોડનો ખજાનો નીકળ્યો, વધુ 18 કરોડની મિલકત મળી
mansukh sagathia investigation : રાજકોટ અગ્નિકાંડના સાગઠિયાની ઓફિસમાંથી ખજાનો ખુલ્યો, ઓફિસનું સીલ ખુલતા 18 કરોડની વધુ અપ્રમાણસર મિલકત મળી આવી છે
Trending Photos
Rajkot News : રાજકોટ મહાનગરપાલિકાના તત્કાલિન TPO મનસુખ સાગઠિયાની ઓફિસમાં ACBએ તપાસ હાથ ધરી હતી. જેમાં ACBની તપાસમાં સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ થયો છે. અપ્રમાણસર મિલ્કતના ગુનાના આરોપી ટાઉન પ્લાનીંગ ઓફીસર મનસુખ સાગઠીયાની ઓફીસમાંથી ઝડતી તપાસ દરમ્યાન સોના, ચાંદીના દાગીના તથા રોકડ રકમ આશરે કુલ રૂ.૧૮,૦૦,૦૦,૦૦૦/- (અઢાર કરોડ) થી વધુની અપ્રમાણસર મિલ્કત મળી આવી છે.
રાજકોટ મહાનગરપાલીકાના ટાઉન પ્લાનીંગ ઓફીસર વર્ગ-૧ મનસુખભાઇ સાગઠીયા વિરૂધ્ધ લાંચ રૂશ્વત વિરુધી બ્યુરો દ્વારા પ્રાથમિક તપાસ દરમ્યાન 10 કરોડથી વધુની અપ્રમાણસર મિકલતનો ગુનો રાજકોટ શહેર એ.સી.બી. પો.સ્ટે. ગુ.ર.નં. ૦૩/૨૦૨૪ ભ્ર.નિ.અધિ. ૧૯૮૮ (સુધારા-૨૦૧૮) ની કલમ ૧૩(૧)(બી), ૧૩(૨) મુજબનો ગુન્હો તા.૧૯/૦૬/૨૦૨૪ ના રોજ દાખલ થયો છે.
મનસુખ સાગઠીયાની ઓફીસની ઝડતી કરવા આરોપીને સાથે રાખી રાજકોટ એકમના અધિકારીઓ તથા ક્રાઇમ બ્રાન્ચના અધિકારી/માણસો સાથે પંચો રૂબરૂ ઝડતી તપાસ કરતા નીચે મુજબ સોના, ચાંદીના દાગીના તથા રોકડ ચલણી નોટો મળી આવેલ છે.
(૧) સોના દાગીના તથા બિસ્કીટ આશરે ૨૨ કિલોગ્રામ આશરે કિમંત રૂ.૧૫,૦૦,૦૦,000/- (પંદર કરોડ)
(૨) ચાંદીના દાગીના આશરે અઢી કિલોગ્રામ આશરે કિમંત રૂ.૨,૦૦,૦૦૦/- (બે લાખ)
(૩) ડાયમંડ ઝવેલરી આશરે કિંમત રૂ.૮,૫૦,૦૦૦/-
(૪) રોકડ ચલણી નોટો રૂ.૩,૦૫,૩૩,૫૦૦/- (ત્રણ કરોડ પાંચ લાખ તેત્રીસ હજાર પાંચ સો)
(૫) જુદા-જુદા દેશોની ચલણી નોટો ભારતીય કિમંત આશરે રૂ.૧,૮૨,૦૦૦/- (એક લાખ બીયાસી હજાર)
(૬) સોનાના પટ્ટાવાળી ઘડિયાળ નંગ-૨ તથા અન્ય કિંમતી ઘડિયાળ નંગ-૬ આશરે કિ.રૂ.૧,૦૩,૧૦૦/- ઉપરોકત મુદ્દામાલ ગુન્હાના કામે કબ્જે કરેલ છે.
સાગઠીયાની આવક કરતા વધુ સંપત્તિ
જિલ્લાના TRP ગેમઝોન અગ્નિકાંડમાં ટાઉન પ્લાનીગ, ફાયર સહિતના વિભાગના અધિકારીઓ સામે તપાસ ચાલી રહી છે. ત્યારે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયા સામે ACBએ ફરિયાદ નોંધી છે. રાજકોટ મનપાના TPO મનસુખ સાગઠિયા સામે અપ્રમાણસર મિલકતની ACBએ ફરિયાદ દાખલ કરી છે. ઉપરાંત સાગઠિયા સાથે સંકળાયેલાં ત્રણ સ્થળે દરોડા પાડ્યા હતા. તે દરમિયાન તપાસમાં 10.55 કરોડની અપ્રમાણસર મિલકત મળી આવી જે આવક કરતાં વધુ સંપત્તિ હોવાનું સૂચવે છે. રાજકોટમાં ગેસ એજન્સી, પેટ્રોલ પંપ અને અમદાવાદમાં અદાણી શાંતિગ્રામમાં બંગલો મળ્યો છે. દરમિયાન તેના વતનમાં પણ ACBની તપાસ કરી રહી છે. સાગઠિયા પોતાની કાયદેસરની આવક રૂપિયા 2,57,17,359ના પ્રમાણમાં પોતાના તથા પરિવારજનોનાં નામે કુલ રોકાણ કરતાં તેમનો ખર્ચ રૂપિયા 13,23,33,323 કરેલાનું તપાસ દરમિયાન ફલિત થયું છે.
સાગઠીયાના બોસની કેમ ધરપકડ કરવામાં નથી આવતા - કોંગ્રેસ
વિપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલે રાજકોટ અગ્નિકાંડ મામલે સરકાર પર સવાલો કર્યા છે કે, જાણે કે સાગઠીયાને પૂરી લીધો એટલે બધું જ પૂરું થઈ ગયું. સાગઠીયાના બોસની કેમ ધરપકડ કરવામાં નથી આવતા. સાગઠીયાના બોસ સુધી કેમ પહોંચવામાં નથી આવતું. જ્યાં કલેકટર, કમિશ્નર, મેયર, ધારાસભ્ય જાય ત્યાં પીઆઈ પીએસઆઇ બંધ કરાવી શકે ખરા. સરકારની સંવેદના મરી પરવારી છે. પીડિત પરિવારજનોની મુલાકાત લીધી છે. જીવ ગુમાવનારા લોકો મધ્યમવર્ગીય છે. સરકાર ઉદ્યોગપતિઓના 16 લાખ કરોડ માફ કરી શકતી હોય તો 4 લાખ મૃતકના પરિવારજનોને સહાય ઓછી કહેવાય.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે