Morbi: પરિણીતા સાથે લિવ ઇનમાં રહેવું યુવકને ભારે પડયું, થયો એવો કાંડ તે આખી જિંદગી યાદ રહેશે!
વર્તમાન સમયમાં સમાજ માટે લાલબતી સમાન ઘટનાઓ અવારનવાર બને છે આવી જ એક ઘટના તાજેતરમાં મોરબીમાં બનેલ છે. જેમાં હાલ મોરબી રવાપર ગામ ઉમીયા સોસાયટી રમેશભાઇ બોરીચાના મકાનમાં ભાડેથી રહેતા મુળ રાજકોટ વાળા ફરીયાદી વર્ષાબેન હરેશભાઇ હામાભાઇ કરમટાએ મૈત્રી કરાર કરેલ છે..
Trending Photos
હિમાંશું ભટ્ટ/મોરબી: મોરબી રવાપર ગામ ઉમીયા સોસાયટીમાં રહેતા યુવાને રાજકોટમાં રહેતી પરિણીતા સાથે મૈત્રી કરાર કરેલ છે અને છેલ્લા બે મહિનાથી મહિલા તેની સાથે મોરબીમાં રહેતી હતી. દરમ્યાન મહિલાના પતિ, સસરા અને દિયર સહિતના શખ્સો દ્વારા યુવાનનું કારમાં અપહરણ કરવામાં આવ્યું હતું. જેની મહિલાએ ફરિયાદ નોંધાવેલ હતી. જેના આધારે પોલીસે જિલ્લામાં નાકાબંધી કરીને આરોપીને પકડવા તજવીજ શરૂ કરી હતી. મોરબી પોલીસે જસદણ તાલુકાના ભડલી ગામની સીમમા વાડીએ બાંધી રાખેલા યુવાનને છોડાવીને સાત આરોપીઓની ધરપકડ કરેલ છે. જો કે, મહિલાના પતિ અને દિયર સહિતના આરોપી પકડવાના બાકી છે, તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
વર્તમાન સમયમાં સમાજ માટે લાલબતી સમાન ઘટનાઓ અવારનવાર બને છે આવી જ એક ઘટના તાજેતરમાં મોરબીમાં બનેલ છે. જેમાં હાલ મોરબી રવાપર ગામ ઉમીયા સોસાયટી રમેશભાઇ બોરીચાના મકાનમાં ભાડેથી રહેતા મુળ રાજકોટ વાળા ફરીયાદી વર્ષાબેન હરેશભાઇ હામાભાઇ કરમટાએ મૈત્રી કરાર કરેલ છે અને બે માસથી મોરબીના રવાપર ગામે રહેતા રમેશભાઇ ખોડાભાઇ નાગહ વાળા સાથે રહે છે. જેથી ફરીયાદીના પતિ હરેશભાઇ હામાભાઇ કરમટા તેમજ તેમના સસરા હામાભાઈ પાંચાભાઇ કરમટા, દિયર માત્રા હામાભાઇ કરમટા રહે. બધા રાજકોટ વાળાઓએ ફરીયાદીના ઘરે આવી મૈત્રી કરારમાં રહેતા રમેશભાઇ ખોડાભાઇ નાગહને ઇકો ગાડીમાં જબરજસ્તીથી બેસાડી અપહરણ કરી લઈ ગયેલ હતા. જેની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતાની સાથે જ મોરબી જિલ્લામા નાકાબંધી કરી હતી. તેમજ મોરબી સીટી એ ડીવીઝન, એલ.સી.બી, એસ.ઓ.જી સહિતની ટીમો તાત્કાલીક હયમુન સોર્સીસ તથા બનાવ સ્થળ નજીક સીસીટીવી તેમજ ટેકનીકલ સેલ આધારે અપહરણ થયેલ ઇસમની શોધખોળ શરૂ કરી હતી અને સાત આરોપીની ધરપકડ કરેલ છે.
આ બનાવને લઈને મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સુચના તેમજ ડીવાયએસપી પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ તપાસ ચાલી રહી હતી. દરમ્યાન અપહરણ કરેલ ઇસમને રાજકોટ જીલ્લાના જસદણ તાલુકાના ભડલી ગામની સીમમા ભુપતભાઇ ધુઘાભાઇ આલ રહે. ભડલી તાલુકો જસદણ વાળાની વાડીએ દોરડા વડે બાંધી રાખેલ છે. તેવી માહિતી મળી હતી. જેથી અલગ અલગ પોલીસની ટીમો બનાવી વાડીએ જઈને અપહરણ કરેલ ઇસમને અપહરણ કર્તાઓની ચુગાલમાથી છોડાવેલ છે.
આ ગુનામાં હાલમાં પોલીસે હામાભાઇ પાંચાભાઇ કરમટા રહે. આજીડેમ બાજુમા ગોકુલપાર્ક શેરીનં.૨ રાજકોટ, ભુપતભાઇ ઘુઘાભાઇ આલ રહે. ભડલી તાલુકો જસદણ, લાલજીભાઇ વેરશીભાઇ ખાંભલા રહે. ભડલી તાલુકો જસદણ, ભરતભાઇ જીવણભાઇ કરોતરા રહે. સેન્ટમેરી સ્કુલ પાછળ જલારામમંદીર પાસે મોરબી, શકિતસિંહ મહોબતસિંહ વાળા રહે. કન્યાછાત્રાલય રોડ ચંદ્રેશનગર-૨ મોરબી, સંજયભાઇ રાયાભાઈ મીઠાપરા રહે. આજીડેમ ચોકડઠી ભારતનગર રાજકોટ અને અશોકભાઇ ગોરધનભાઈ ધરજીયા રહે. રાધેક્રિષ્ના સોસાયટી રામધનની બાજુમા રાજકોટ વાળાની ધરપકડ કરેલ છે.
આ ગુનામાં ઉપયોગમાં લેવાયેલ કારને કબજે લેવામાં આવી છે જો કે, આરોપી હરેશભાઇ હામાભાઇ કરમટા અને માત્રાભાઇ હામાભાઇ કરમટા રહે. બંને શીવધારા સોસાયટી હુડકો ચોકડી રાજકોટ તેમજ તપાસમા જેના નામ સામે આવે તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે. મોરબી નજીકના રવાપર ગામેથી અપહરણ કરવામાં આવેલા યુવાનને માર મારવામાં આવ્યો હોવાથી ઇજાગ્રસ્ત હાલતમાં તે યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલ છે.
હાલમાં અપહરણના આ બનાવમાં પોલીસે જે સાત આરોપીઓની ધરપકડ કરી છે તેના રિમાન્ડ લેવા માટેની તજવીજ કરવામાં આવી રહી છે તેની સાથો સાથ જે આરોપીઓને પકડવાના બાકી છે તેને પકડવા માટે પણ જુદી જુદી જગ્યાએ હાલમાં પોલીસની જુદી જુદી ટીમો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે