ગુજરાતમાં હાલ ક્યાં કેવી છે વરસાદી સ્થિતિ? ક્યાંક ડેમ ઓવરફ્લો, તો નદી-નાળાં છલકાયાં, ગામોને કરાયા એલર્ટ

આજે ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઇને રાજ્યભરથી વરસાદી માહોલના દ્રશ્યો સામે આવી રહ્યા છે. આજે રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

ગુજરાતમાં હાલ ક્યાં કેવી છે વરસાદી સ્થિતિ? ક્યાંક ડેમ ઓવરફ્લો, તો નદી-નાળાં છલકાયાં, ગામોને કરાયા એલર્ટ

Gujarat Monsoon 2023: ગુજારાતમાં ફરીથી ચોમાસું સક્રિય થયું છે. આખો ઓગસ્ટ મહિનો કોરો ધાકોર રહ્યા પછી હવે સપ્ટેમ્બર માસમાં વાતાવરણ બદલાઈ ગયું છે. આગાહીકાર અંબાલાલ પટેલે આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. સુરત, ડાંગ, વાપી, નર્મદા અને છોટાઉદેપુરમાં ભારે વરસાદ પડશે. તો ઓક્ટોબર મહિનામાં પણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે.

આજે મધ્યગુજરાતના જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા
આજે મેઘરાજા મધ્યગુજરાતના જિલ્લામાં મહેરબાન થયા છે. દાહોદ, છોટાઉદેપુર, મહીસાગર, પંચમહાલ, આણંદ અને વડોદરામાં વરસાદ વરસ્યો છે. દાહોદના મોટાભાગના તાલુકામાં ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ભરાયું. દાહોદના સ્ટેશન રોડ પર ઘૂંટણસમા પાણી ભરાતા વાહનચાલકો અને રાહદારીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. 

જલવિહાર અને ભીલાવાડા વિસ્તારમાં રહેતા લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા છે. નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકોની મુશ્કેલી વધી છે. દાહોદમાં ભારે વરસાદના કારણે બાઈક સવાર ખાડામાં ખાબક્યો. દર્પણ ટોકિઝ રોડ પરથી એક્ટિવા પર બે યુવક પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન ઘટના બની. સ્થાનિકોએ મદદ કરીને બંને યુવકને બહાર કાઢ્યા. દાહોદના લીમડી માછણ નદીના કોઝ વે પરથી પાણી ફરી વળ્યું. ભારે વરસાદથી સિઝનમાં પ્રથમ વખત નદી ઓવરફ્લો થઈ છે. જેથી લીમડીથી સંજેલીનો રસ્તો બંધ થયો છે. જેથી સ્થાનિકોને અવરજવર કરવામાં ભારે હાલકી ભોગવવાનો વારો આવ્યો છે.

છોટાઉદેપુર જિલ્લામાં પણ મેઘરાજા મહેરબાન થયા. પાવીજેતપુર, સંખેડા અને નસવાડીમાં વરસાદ વરસ્યો. તો છોટાઉદેપુર અને ઉપરવાસમાં સારા વરસાદથી ઓરસંગ નદી બે કાંઠે વહી. ઓરસંગ નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી. છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન મનાતી ઓરસંગ નદી બે કાંઠે વહેતા પાણી જોવા લોકો ઉમટ્યા હતા. ભારે વરસાદથી નાની ભોરદલી ગામ નજીક કોઝવે પરથી પાણી ફરી વળ્યા. ભોરદલી અને ખડકવાડા ગામ વચ્ચેનો રસ્તો બંધ થતાં લોકો પરેશાન થયા. કોઝવે તૂટેલી હાલતમાં હોવાથી દુર્ઘટના સર્જાવાની ભિતી છે.

આણંદના ખંભાતમાં લાંબા વિરામ પછી ધોધમાર વરસાદ વરસ્યો. વરસાદ વરસતા રસ્તા પરથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. વરસાદ વરસતા ગરમીથી આંશિક રાહત મળી.

નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદ
નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. આજે સવારથી અત્યાર સુધીમાં પાંચ ઈંચ વરસાદથી નર્મદા જિલ્લો પાણી-પાણી થઈ ગયો છે. સાગબારામાં છ કલાકમાં ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદથી તરાવ નદીમાં ઘોડાપુર આવ્યું છે. લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા,જેથી ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો. ભારે વરસાદથી સાગબારાનો ચોપાડવાવ ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી. તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકામાં વરસેલા વરસાદથી નદી બે કાંઠે વહેતી થઈ છે. જેથી લો-લેવલ પુલ પાણીમાં ગરકાવ થયો છે. કુકરમુંડા તાલુકાના ફૂલવાડીથી ઈટવાઈ જતા રસ્તા પર પાણી વહેતા લોકોની જીવના જોખમે અવરજવર કરી રહ્યા છે.

રાજસ્થાનનો મહી બજાજ સાગર ડેમ થયો ઓવર ફ્લો
રાજસ્થાનનો મહી બજાજ સાગર ડેમ થયો ઓવર ફ્લો છે. મહી બજાજ સાગર ડેમ ઓવરફ્લો થતાં દરવાજા ખોલીને મહી નદીમાં પાણી છોડાયું છે. પહેલા 8 ગેટ ખોલાયા હતા અને હવે વધુ આઠ ગેટ ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉપરવાસમાં સતત વધી રહેલા વરસાદથી ડેમના કુલ 16 ગેટ ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી પાણી છોડાતા નિચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત કરવામાં આવ્યા છે અને નદીમાં અવરજવર નહીં કરવા સૂચના અપાઈ છે.

દાહોદ, તાપી, નર્મદામાં ડેમ ઓવરફ્લો
દાહોદના ધાનપુર તાલુકાનો અદલવાડા ડેમ ઓવરફ્લો થયો છે. સિઝનમાં બીજી વખત ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ સાઈટ તેમજ ઉપરવાસમાં વધુ વરસાદને પગલે ડેમમાં પાણીની આવક વધી છે. ડેમ ઓવરફ્લો થતાં નાના-નાના ગામડાના ખેડૂતોમાં ખુશી જોવા મળી.

કાળી-2 ડેમ પણ ઓવરફ્લો
દાહોદમાં અવિરત વરસાદથી ઝાલોદ તાલુકામાં આવેલો કાળી-2 ડેમ પણ ઓવરફ્લો થયો. કાળી 2 ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારોનેએલર્ટ કરાયા. દાહોદની દૂધમતી નદી બે કાંઠે વહેતી થઈ છે. હાલ નદીમાં પૂર જેવી સ્થિતિ હોવાથી નિચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને એલર્ટ કરાયા છે. વર્ષો પછી નદી બે કાંઠે વહેતી થતાં લોકોમાં ખુશી જોવા મળી.

ઓરસંગ નદી બે કાંઠે વહેતા ચેકડેમ પણ ઓવરફ્લો
છોટાઉદેપુરની જીવાદોરી સમાન ઓરસંગ નદી બે કાંઠે વહેતા ચેકડેમ પણ ઓવરફ્લો થયો છે. ચેકડેમ ઓવરફ્લો થતાં આહ્લાદક દ્રશ્યો જોવા મળ્યા. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી ચેકડેમમાં પાણી આવ્યું છે.

હથનુર ડેમમાંથી છોડેલું પાણી ઉકાઈ ડેમમાં આવશે
મહારાષ્ટ્રના હથનુર ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી 3 લાખથી વધુ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. હથનુર ડેમમાંથી છોડેલું પાણી ઉકાઈ ડેમમાં આવશે. ઉકાઈ ડેમમાં પાણીની આવક વધતાં ખેડૂતો અને લોકોમાં ખુશી જોવા મળી. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવક નોંધાઇ છે. હથનુર ડેમમાંથી 3 લાખ 42 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જે પાણી આગામી 30 કલાક સુધીમાં ઉકાઈ ડેમમાં આવશે.

સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારો
તો સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારો થતાં દરવાજા ખોલીને પાણી છોડાયું છે. સિઝનમાં પહેલી વખતા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. તબક્કાવાર રીતે ડેમમાંથી પાણી છોડાશે. પાણી છોડતા નર્મદા, ભરૂચ અને વડોદરા જિલ્લાના કાંઠા વિસ્તારના ગામને સાવચેત કરાયા છે. વડોદરાના ડભોઈના 3, શિનોર અને કરજણ તાલુકાના 22 ગામને અલર્ટ કરાયા. નદીના પટમાં નાગરિકને ન જવા માટે અપીલ કરવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news