નકલી સરકારી-અધિકારીઓનો રાફડો ફાટ્યો! મંત્રી પુરુષોત્તમ રૂપાલાનો નકલી PA ઝડપાતા ખળભળાટ, જાણો શું છે કેસ
અમરેલી જિલ્લાના સાવરકુંડલા થી પાંચ કિલોમીટર દૂર હાથસણી રોડ ઉપર માનવ મંદિર મનોરોગી આશ્રમ આવેલો છે. જ્યાં નિરાધાર અને રખડતા ભટકતા મનોરોગીઓ કે જેને પોલીસ મૂકવા આવે છે. તેમને વિનામૂલ્ય દાખલ કરવામાં આવે છે.
Trending Photos
કેતન બગડા/અમરેલી: ગુજરાત રાજ્યમાં નકલી કચેરી નકલી અધિકારીનો વાયરો ચાલ્યો હોય તેવું લાગી રહ્યું છે. તાજેતરમાં જ અમરેલી જિલ્લાના પનોતા પુત્ર અને કેન્દ્રના મિનિસ્ટર પુરુષોત્તમ રૂપાલાના ડમી પીએ બની અને ધમકાવવાની ઘટના સામે આવી છે.
અમરેલી જિલ્લાના સાવરકુંડલા થી પાંચ કિલોમીટર દૂર હાથસણી રોડ ઉપર માનવ મંદિર મનોરોગી આશ્રમ આવેલો છે. જ્યાં નિરાધાર અને રખડતા ભટકતા મનોરોગીઓ કે જેને પોલીસ મૂકવા આવે છે. તેમને વિનામૂલ્ય દાખલ કરવામાં આવે છે. આશ્રમના ભક્તિ બાપુ અને વિશાળ સેવક સમુદાયો અને ટ્રસ્ટીઓ દ્વારા આ સેવામાં સહયોગ આપવામાં આવી રહ્યો છે, ત્યારે અત્યાર સુધીમાં 116 પાગલ મહિલાઓ સાંજી થઈ પુનઃ સમાજમાં પ્રસ્થાપિત થઈ છે. આ આશ્રમના એક ટ્રસ્ટી કે જે પ્રસિદ્ધ લોકસાહિત્યકાર છે એવા મનસુખભાઈ વસોયાને એક અજાણ્યા નંબરમાંથી કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાનો પીએ બોલું છું તેમ કહી ધમકી આપતો ફોન આવ્યો.
પુરુષોત્તમ રૂપાલા PA બોલું છું કહીને ધમકાવ્યા
જેમાં કોઈ પાગલ પુરુષને દાખલ કરવા માટેનું ખાસ દબાણ કરવામાં આવી રહ્યું હતું. ત્યારે મનસુખભાઈ તેમને વિનંતી કરી અને જવાબ આપ્યો કે આ આશ્રમમાં ફક્ત મહિલાઓને જ દાખલ કરવામાં આવે છે. પુરુષોને દાખલ કરવામાં નથી આવતા. છતાં પણ ડમી પીએ દ્વારા તેમને કડક ભાષામાં વાત કરવાનું ચાલુ રાખ્યું અને થોડીવાર પછી બીજો ફોન આવ્યો કે તમારી 11 લાખની ગ્રાન્ટ કેન્સલ કરાવી છે, ત્યારે મનસુખભાઈ એવું કહ્યું કે આ આશ્રમ દાતાઓના દાનથી ચાલે છે, અહીં ક્યારેય સરકારી ગ્રાન્ટ આવી નથી. આવા ધમકી ભર્યા અને કડક ભાષાના ફોનની ક્લિપ મનસુખભાઈ એ અમરેલી ખાતે પુરુષોત્તમ રૂપાલાના મદદ કાર્યાલયએ મંત્રી હિરેનભાઈ વાળાને મોકલી અને પોતાની હકીકત જણાવી હતી. જેના આધારે પુરુષોત્તમ રૂપાલાના કાર્યાલય મંત્રી હિરેનભાઈ વાળાએ સાવરકુંડલા ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
આ શખ્સની આકરી પૂછપરછ કરી
ફરિયાદને આધારે અને મોબાઈલ નંબરના લોકેશનને આધારે અમરેલી એલસીબીએ આ ડમી પી.એ.ને ઝડપી પાડ્યો અને હાલ સાવરકુંડલા પોલીસ આ શખ્સની આકરી પૂછપરછ કરી રહી છે. આ ડમી પી.એ. નું નામ છે ભાવેશ ગોયાણી, રહેવાસી પરવડી, તાલુકો ગારીયાધારનો છે. હાલ તો પોલીસ ડુપ્લિકેટ પીએ બનીને અન્ય કઈ જગ્યાએ આવું કાર્ય કર્યું છે. તેમજ તેની કાર્ય પદ્ધતિ બાબતે ઝીણવટ ભરી તપાસ કરી રહી છે. ત્યારે સાવરકુંડલા રેન્જના ડેપ્યુટી એસ.પી. હરેશ વોરાએ પણ લોકોને અપીલ કરી છે કે આવી વ્યક્તિએ જો અન્ય કોઈ જગ્યાએ ફોન કર્યો હોય કે કડક ભાષા વાપરી અને વાત કરી હોય તો તાત્કાલિક સાવરકુંડલા પોલીસનો સંપર્ક કરવો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે