આગામી પાંચ દિવસ આ વિસ્તારોમાં પડશે વરસાદ, 15 અને 16 એપ્રિલે અમદાવાદમાં યલો એલર્ટ

વામાન વિભાગની ભારે આગાહી : 15 અને 16 એપ્રિલે અમદાવાદમાં યલો એલર્ટ જાહેર આગામી પાંચ દિવસ રહેશે આવુ વાતાવરણ અહી પડશે વરસાદ

આગામી પાંચ દિવસ આ વિસ્તારોમાં પડશે વરસાદ, 15 અને 16 એપ્રિલે અમદાવાદમાં યલો એલર્ટ

ઝી બ્યૂરો/અમદાવાદઃ ગુજરાતમાં સતત ગરમીનું પ્રમાણ વધતુ જાય છે. દિનપ્રતિદિન ગરમી આસમાને પહોંચી રહી છે. ગરમી વધતા લોકોને રીતસર અકળામણ અનુભવાઈ રહી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા વધુ એક વખત ગરમી અને માવઠાને લઈને આગાહી કરવામાં આવી છે. બે દિવસ અમદાવાદમાં ગરમી અંગે યલો એલર્ટ પણ જાહેર કરાયુ છે.

એક બાજુ સુરજદાદા માથે ચઢીને માથુફાડી નાંખે એવી ગરમી વરસાદી રહ્યાં છે. ત્યાં બીજી તરફ વરુણ દેવ ખેડૂતોની મહેનત પર મુસીબતનું પાણી વરસાવી રહ્યાં છે. એક તરફ હવામાન વિભાગ ભારે ગરમી માટે તૈયાર રહેવાની આગાહી કરી રહ્યું છે. બીજી તરફ રાજ્યના કેટલાં વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. 

હવામાન વિભાગ દ્વારા એક બાદ એક માવઠાની આગાહી કરવામાં આવી રહી છે. આથી માવઠું ગુજરાતનો પીછો ન છોડતું હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં ફરી કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા નવી આગાહી કરવામા આવી છે. આગાહી મુજબ આગામી 5 દિવસ સુધી સૂકું વાતાવરણ રહે અને આવતીકાલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં કમોસમી વરસાદ પડે તેવા સંજોગો જણાઈ રહ્યા છે.

ઉનાળો અને ચોમાસુ આમ બેવડી ઋતુને કારણે લોકો બિમારીનો ભોગ બની રહ્યાં છે. આ સ્થિતિને કારણે હાલ દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઈ રહ્યાં છે. ગુજરાતના શહેરોના તાપમાનની વાત કરીએ તો 9 શહેરમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રીથી વધારે નોંધાયું છે. 41.5 ડિગ્રી સાથે પાટણ સૌથી ગરમ શહેર રહ્યું છે. જ્યારે અમદાવાદ બીજા નંબર 41 ડિગ્રી ગરમીથી અકળામણ અનુભવી રહ્યું છે. અમદાવાદમાં સતત બે થી ત્રણ દિવસથી ગરમી 41 ડિગ્રીને પાર થઈ રહી છે. હજુ ગરમીનું પ્રમાણ વધશે તેવી આગાહી કરાઈ છે.

સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર તથા સુરત, નવસારી, વલસાડમાં વરસાદ પડી શકે છે. જેને લઈને આ વિસ્તારના ખેડૂતો પણ સતર્ક બન્યા છે. આવતીકાલે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. આગાહી મુજબ 15 અને 16 એપ્રિલે અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેની અસરને લઈને આજે અમદાવાદ, સુરેન્દ્રનગર અને રાજકોટમાં તાપમાનનો પર 41 ડિગ્રીને આંબી જતા લોકોને આકરો તાપ સહન કરવાનો વારો આવ્યો હતો.

વધતી જતી ગરમી વચ્ચે માવઠાના વધુ એક રાઉન્ડનું સંકટ હજુ યથાવત્ છે. 12 અને 14 એપ્રિલના ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આજે અમદાવાદમાં 41 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં બે ડિગ્રીનો વધારો થયો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ 41 ડિગ્રીની આસપાસ તાપમાન રહેશે. બીજી તરફ હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં આગામી 18 એપ્રિલ સુધીમાં તાપમાન 43 ડિગ્રીએ પહોંચી શકે છે. અમદાવાદમાં ગત રાત્રિએ 26.2 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં બે ડિગ્રીનો વધારો નોંધાયો હતો.

અમદાવાદીઓ ગરમીથી બચવા માટે ઠંડા પીણાનું સેવન કરી રહ્યા છે અમદાવાદમાં જ્યાં પણ રસ્તા પર નજર કરીએ ત્યાં છાશ, શેરડી રસ, બરફના ગોલા કે સોડાની લારીઓ પર લાઈનો જોવા મળી રહી છે. મહત્વનું છે કે જે રીતે ગરમીનું સતત પ્રમાણ વધી રહ્યું છે તે જોતા હજુ આવનારા દિવસોમાં ગરમીનું પ્રમાણ વધશે અને લોકએ વધુ ગરમી સહન કરવાનો વારો આવશે.

રાજ્યના વિવિધ શહેરોની સ્થિતિઃ
આજે અન્યત્ર જ્યાં 39 ડિગ્રીથી વધારે ગરમી નોંધાઇ તેમાં ગાંધીનગર, અમરેલી, રાજકોટ, વડોદરા, જુનાગઢ, દાહોદ, સુરતનો સમાવેશ થાય છે. હવામાન વિભાગના મતે રાજ્યમાં આગામી પાંચ દિવસ મહત્તમ તાપમાનમાં ફેરફારની સંભાવના નહિવત્ છે. દરમિયાન રાજ્યમાં માવઠાના વધુ એક રાઉન્ડનું સંકટ છે. 12 એપ્રિલના બનાસકાંઠા-કચ્છ જ્યારે 14 એપ્રિલના વલસાડ-સુરત-નવસારી-સુરત-અમરેલી-ભાવનગર-દમણ-દાદરા નગર હવેલીમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવવા ઉપરાંત ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે. માવઠાના વધુ એક રાઉન્ડની સંભાવનાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. માર્ચ મહિનામાં પણ અનેક જિલ્લામાં માવઠાથી પાક પર અસર પડી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news