રસ્તા ઉપર ઇકો કાર પાર્ક કરતા પહેલા સાવધાન, નહિ તો ગાયબ થઈ જશે ગાડીનો આ મહત્વનો પાર્ટ
Eeco Van Silencer Chor : આ ટોળકી વિવિધ વિસ્તારમાં સતત એકલ દોકલ પાર્ક કરેલી ઇકો કારની શોધ ચલાવે છે, અને મોકો મળતા જ ગણતરીની મિનિટોમાં સાઇલેન્સરની ચોરી કરી ફરાર થઈ જાય છે
Trending Photos
Mehsana News તેજસ દવે/મહેસાણા : રાજ્યમાં દિવસેને દિવસે ઇકો કારના સાઇલેન્સરની ચોરીના બનાવ વધી રહ્યા છે. ઇકો કારનું સાઇલેન્સર બજારમાં ઊંચી કિંમતે વેચાતું હોવાની સાથે સાથે તેને ખોલવાનું પણ સરળ હોવાને કારણે ઇકો કારનું સાઇલેન્સર ચોર ટોળકી માટે સોફ્ટ ટાર્ગેટ બની ચૂક્યું છે. ત્યારે મહેસાણા પોલીસે મહેસાણા સહિત રાજ્યના વિવિધ વિસ્તારમાં ઇકો કારના સાઇલેન્સરની ચોરી કરનાર ગેંગને ઝડપી લીધી છે. આ ટોળકીએ પોલીસની પ્રાથમિક તપાસમાં 11 જેટલી સાઇલેન્સર ની ચોરી કબૂલી છે. કેવી રીતે કરતી હતી આ ટોળકી કારના સાઇલેન્સરની ચોરી અને ચોરી કરેલા સાઇલેન્સરનું શુ થતું હતું, જુઓ આ વિશેષ રિપોર્ટમાં.
રસ્તા ઉપર ઇકો કાર પાર્ક કરતા પહેલા સાવધાન
જાહેર માર્ગ ઉપર પાર્ક કરેલી ઇકો કારના સાઇલેન્સરની ચોરી થઈ રહી છે. આ સાઇલેન્સરની ચોરી કરી અમદાવાદ ખાતે મોટાપાયે વેચાણ થાય છે. મહેસાણા પોલીસની ગિરફતમાં રહેલી આ ટોળકી આમ તો દિવસે મોંઘી કારમાં ફરે છે. પણ તેનો અસલી ધંધો છે જાહેર માર્ગ ઉપર પાર્ક કરેલી ઇકો કારના સાઇલેન્સરની ચોરી કરવાનો. આ ટોળકી વિવિધ વિસ્તારમાં સતત એકલ દોકલ પાર્ક કરેલી ઇકો કારની શોધ ચલાવે છે, અને મોકો મળતા જ ગણતરીની મિનિટોમાં સાઇલેન્સરની ચોરી કરી ફરાર થઈ જાય છે. આ ટોળકી રાજ્યના વિવિધ વિસ્તારમાં અત્યાર સુધી આ પ્રકારે 11 જેટલી સાઇલેન્સરની ચોરીને અંજામ આપી ચૂકી છે. જો કે મહેસાણા પોલીસે બાતમી આધારે આ ટોળકીને ચોરી કરેલા 4 સાઇલેન્સર અને ચોરી કરવા માટે ઉપયોગમાં લેવાતી કાર સાથે આ ટોળકીના 3 શખ્સને ઝડપી લીધા છે.
મહેસાણા પોલીસે હાલમાં આ ટોળકીના નાજીમ ઉર્ફે સેફુ, મોહસીન મુનિરખાન પઠાણ અને શબ્બીર ઉર્ફે સાહિલ એહમદ નામના ત્રણ શખ્સોને ઝડપી લીધા છે. જ્યારે બાબુ ઝાકીર શેખ, સાનું ઈંદ્રિશ કુરેશી, આસિફ ઝાડીયા અને જીસાન છોટેમિયા કુરેશી નામના 4 શખ્સ વોન્ટેડ છે. આ ટોળકીએ પોલીસની પ્રાથમિક તપાસમાં આખજ, ગોજરીયા, આબલીયાસણ, દૂધઇ, અંબાસણ, કારજીસણ, ધોળાસણ, મુદરડા, જગુદણ, નંદાસણ અગોલ, સહિત 11 સ્થળે કરેલી કારના સાઇલેન્સરની ચોરીની કબૂલાત કરી છે. આ ટોળકી કારના સાઇલેન્સરની ચોરી કરી અમદાવાદ ખાતે વેચાણ કરી દેતી હતી. જેનું બજારમાં ઊંચી કિંમતે વેચાણ થતું હતું. તો બીજી તરફ શબ્બીર નામનો આરોપી ચોરીની સાથે સાથે પશુધનની ચોરીમાં પણ સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે.
આ વિશે મહેસાણા ડીવાયએસપી આરઆઈ દેસાઈએ જણાવ્યું કે, ઈકો કારનું સાઇલેન્સર ખોલવામાં સરળ અને આ સાઇલેન્સરમાં વિશેષ પ્રકારનું મોંઘુ ધાતુ હોવાને કારણે ચોર ટોળકી માટે પહેલેથી સોફ્ટ ટાર્ગેટ રહ્યા છે. ત્યારે હવે આ ચોરી કરતી ટોળકી પોલીસની ગિરફતમાં આવતા પોલીસે રાહતનો શ્વાસ લીધો છે. તો આગામી સમયમાં આ ટોળકીની વધુ પૂછપરછમાં અન્ય વિસ્તારની ચોરીઓનો પણ ભેદ ઉકેલવાની આશા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે