મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાને અમેરિકાના વર્જિનિયામાં 30 વર્ષ જુનું ચર્ચ ખરીદ્યું, બનાવશે મંદિર

અમદાવાદના સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા 1.6 મિલિયન ડોલર (અંદાજે રૂ.11.19 કરોડ)માં આ ચર્ચ ખરીદવામાં આવ્યું છે, જેને હવે સ્વામિનારાયણ મંદિરમાં પરિવર્તિત કરવામાં આવશે

મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાને અમેરિકાના વર્જિનિયામાં 30 વર્ષ જુનું ચર્ચ ખરીદ્યું, બનાવશે મંદિર

અમદાવાદઃ અમેરિકાના વર્જિનિયા રાજ્યમાં આવેલા એક 30 વર્ષ જૂના ચર્ચને હવે સ્વામિનારાયણ મંદિરમાં પરિવર્તિત કરવામાં આવશે. રાજ્યના પોર્ટ્સમાઉથ શહેરમાં આવેલું આ ચર્ચ અમદાવાદના મણિનગર સ્થિત સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા ખરીદવામાં આવ્યું છે. અમેરિકામાં આ છઠ્ઠું અને સમગ્ર વિશ્વમાં આ નવમું ચર્ચ છે જેને સ્વામિનારાયણ મંદિરમાં પરિવર્તિત કરાશે. 

સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા આ અગાઉ કેલિફોર્નિયા, દેલાવારે, ફ્લોરિડા, ઈલિનોઈસ, કેન્ટુકી, ન્યૂજર્સી અને ટોરોન્ટોમાં પણ ચર્ચને ખરીદીને મંદિરમાં પરિવર્તન કરવામાં આવેલા છે. આ ઉપરાંત લંડન અને માન્ચેસન્ટરની નજીક બોલ્ટનમાં પણ ચર્ચને મંદિરમાં પરિવર્તિત કરીને સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. 

(સ્વામી આચાર્ય પુરુષોત્તમદાસજી મહારાજ, ફાઈલ ફોટો)

સંસ્થાના મંહત ભગવતપ્રિયદાસજીએ આ અંગે જણાવ્યું કે, સંસ્થાના વડા પુરુષોત્તમપ્રિયદાસજીના માર્ગદર્શનમાં વર્જિનિયામાં આ 30 વર્ષ જૂનું ચર્ચ ખરીદવામાં આવ્યું છે. હવે તેમાં સુધારા-વધારા કરીને તેને સ્વામિનારાયણ મંદિરમાં પરિવર્તિત કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે, પોર્ટ્સમાઉથ ચર્ચમાં એટલા મોટા સુધારા કરવામાં નહીં આવે, કેમ કે તે કોઈ એક અન્ય ધર્મની શ્રદ્ધાનું સ્થળ હતું. વર્જિનિયામાં રહેતા ભક્તો માટે આ પ્રથમ મંદિર બનશે. 

વર્જિનિયામાં 10 હજારથી વધુ ગુજરાતીઓની વસતી છે, જેમાં મુખ્યત્વે ઉત્તર ગુજરાત, ચરોતર અને કચ્છના લોકો વસે છે. 5 એકર જેટલી વિશાળ જમીનમાં 18,000 ચોરસફૂટનું ચર્ચનું બાંધકામ છે. ચર્ચમાં રિનોવેશન કરી લીધા બાદ અહીં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news