માંડવીયા આગળ તમામ ચહેરા સિયાવિયા! PM મોદીનું સ્વપ્ન પુર્ણ કરી શકે તેવો એકમાત્ર ચહેરો બનશે નવો CM?

ગુજરાતના મુખ્યમંત્રીપદેથી વિજય રૂપાણીએ અચાનક આપી દીધેલા રાજીનામાં બાદ ગુજરાતના રાજકારણમાં ભારે ઉથલ પાથલ જોવા મળી રહી છે. હવે શું થશે અને ગુજરાતનો નાથ કોણ બનશે તે મુદ્દો હાલ સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે ચર્ચાનો મુદ્દો છે. 

માંડવીયા આગળ તમામ ચહેરા સિયાવિયા! PM મોદીનું સ્વપ્ન પુર્ણ કરી શકે તેવો એકમાત્ર ચહેરો બનશે નવો CM?

ગાંધીનગર : ગુજરાતના મુખ્યમંત્રીપદેથી વિજય રૂપાણીએ અચાનક આપી દીધેલા રાજીનામાં બાદ ગુજરાતના રાજકારણમાં ભારે ઉથલ પાથલ જોવા મળી રહી છે. હવે શું થશે અને ગુજરાતનો નાથ કોણ બનશે તે મુદ્દો હાલ સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે ચર્ચાનો મુદ્દો છે. જો કે કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ પાટીદાર નેતા પરસોતમ રૂપાલાએ સ્પષ્ટતાથી જણાવ્યું કે, આવતીકાલ સવાર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે. સરદારધામમાં થયેલા કાર્યક્રમ બાદ જે રીતે ઘટનાઓ બની તેને જોતાં પાટીદારોના હાથમાં ફરી એકવાર ગુજરાતની કમાન સોંપાય તે લગભગ નક્કી છે. સુત્રો અનુસાર કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા ગુજરાતના આગામી મુખ્યમંત્રી બને તેવી મહત્તમ શક્યતાઓ છે. ઉપરાંત પૂર્વ ગૃહરાજ્યમંત્રી ગોરધન ઝડફિયા અને પરસોત્તમ રૂપાલાના નામોની પણ ચર્ચા ચાલી રહી છે. જો કે સૌથી વધારે ચર્ચા મનસુખ માંડવિયાની છે. 

સરદાર ધામના ઉદ્ધાટન સમયે જ PM મોદીએ આપ્યા હતા સંકેત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે જ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા અમદાવાદમાં સરદારધામ ભવનનું ઉદઘાટન કર્યું હતું. આ સાથે જ વડાપ્રધાન મોદીએ સરદારધામ ફેઝ -2 ગર્લ્સ હોસ્ટેલનું ભૂમિપૂજન પણ કર્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાને સંબોધન કરતાં કહ્યું હતું કે, કોઈપણ શુભ કાર્ય પહેલાં આપણે ત્યાં ગણેશ પૂજાની પરંપરા છે. સદભાગ્યે ગણેશ ઉત્સવના પવિત્ર તહેવારના અવસરે સરદારધામ ભવનનું ઉદઘાટન પણ થયું છે. તદુપરાંત પાટીદાર સમુદાયે વેપારક્ષેત્રે દેશને હંમેશાં નવી ઓળખ આપી છે. ગુજરાતના વિકાસમાં આ સમુદાયનો સિંહફાળો છે. આ કાર્યક્રમમાં CM પણ હાજર હતા. ત્યાર બાદ તેઓ સીધા જ રાજભવન ગયા અને રાજીનામું આપ્યું હતું. 

PM મોદીનું સ્વપ્ન પુરૂ કરવા માંડવીયા જ એક માત્ર વિકલ્પ
ગુજરાતના પ્રદેશ પ્રમુખનો હોદ્દો સંભાળ્યો ત્યારથી સી આર પાટીલ આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 150+ સીટ જીતાડવાના ટાર્ગેટની જાહેરાત કરતા રહ્યા છે. આ PM મોદીનું પણ સ્વપ્ન છે. આ સ્વપ્નને સાકાર કરવા ભાજપને આગામી ચૂંટણીમાં પાટીદાર સમાજના ટેકા વગર કોઇ પણ રીતે શક્ય નથી. જો કે હાલ પાટીદાર સમાજ ભાજપથી નારાજ છે, જેના સંકેત કોર્પોરેશન ચૂંટણી દરમિયાન સુરતમાં મળ્યો હતો. ભાજપે જૈન સમાજના રૂપાણીને હટાવીને પાટીદારને જ ગુજરાત સરકારના નવા સુકાની બનાવવાનો નિર્ણય લીધો હોવાનું મનાય છે.

માંડવીયા સર્વસ્વિકૃત નેતૃત્વ ધરાવતા નેતા
મનસુખ માંડવિયા સ્વિકૃત પાટીદાર નેતા છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રણનીતિકાર અમિત શાહ બંન્નેની ગુડબુકમાં છે. કોરોના મહામારી દરમિયાન ગુજરાત ભાજપમાં સરકારની છબિ બગડે નહીં તે માટે માંડવીયાએ દિવસરાત એક કર્યા હતા. જો કે કોરોના કાળ દરમિયાન ગુજરાત સરકાર ખુબ જ વામણી સાબિત થઇ હતી. તેના કારણે ભાજપની છબી પણ ખરડાઇ હતી. આ ઉપરાંત પાટીદાર સમાજના કડવા અને લેઉઆ બંન્ને ફાટાઓમાં માંડવીયાની મજબુત પકડ છે. સ્વભાવે સરળ હોવાની સાથે સાથે તેઓ પ્રમાણીક નેતાની છબી ધરાવે છે. જેના કારણે પાટીદાર સિવાય અન્ય વર્ગોમાં પણ સ્વિકાર્યતા ધરાવે છે. 

રાજીનામા સમયે રૂપાલા અને માંડવીયા બંન્નેની સુચક હાજરી
વિજય રૂપાણી રાજીનામું આપવા ગાંધીનગર રાજભવન ગયા અને તેમણે રાજીનામાંની જાહેરાત કરી ત્યારે માંડવિયા ઉપરાંત રુપાલા પણ તેમની સાથે હાજર હતા. જો કે રૂપાલા પણ મજબુત ચહેરો છે. સૌરાષ્ટ્રમાં તેની સ્વિકાર્યતા ખુબ જ વધારે છે. ગત્ત વિધાનસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં ભાજપને ખુબ જ મોટુ નુકસાન થયું હતું. આ ગાબડુ પુરવા માટે રૂપાલા સંજીવની જડીબુટ્ટી સમાન કામ કરી શકે છે. તો બીજીતરફ ગુજરાત ભાજપ સંગઠનમાં પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયાનું કદ સતત વધી રહ્યું છે અને તેને જોતાં પાટીદાર સમાજમાંથી રુપાલા અથવા ઝડફિયામાંથી કોઈ એકને પણ મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે. જો કે માંડવીયાની સામે આ તમામ ફેક્ટર વામણા સાબિત થાય છે. પરંતુ ભાજપની ફિતરત પણ ચોંકાવનારા નિર્ણયો લેવાની રહી છે તેથી જ્યાં સુધી જાહેરાત થાય ત્યાં સુધી તો માત્ર અટકળો જ ચાલશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news