સગાવ્હાલા માટે ટિકિટ માંગનારા નેતાઓનો પાટીલે એક ઝાટકે છેદ ઉડાવી દીધો, જાણો શું કહ્યું
Trending Photos
રાજેન્દ્ર ઠાકર/ભૂજ :ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલે ગઈકાલે ભૂજમાં ભાજપના કાર્યક્રમમાં હાજરી આપી હતી. પેજ કમિટીના પ્રમુખોને આઈ કાર્ડ વિતરણ કરવા સાથે સરપંચો સાથે સંવાદ કરવામાં આવ્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ( Local Body Polls) પૂર્વે ભૂજમાં પાટીલે પ્રચાર કરી કાર્યકરોને ચૂંટણીમાં કામે લાગી જવા આહવાન કર્યું હતું. ભૂજ એરપોર્ટ પર સી.આર પાટીલ (cr patil) ના ભવ્ય સત્કાર બાદ રોડ શો યોજવામાં આવ્યો હતો. ઢોલ અને નગારાના તાલે પાટીલનું ભૂજમાં સન્માન કરાયું હતું. આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 182 સીટ મળે એ માટે 182 કમળથી અભિવાદન કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ, સરપંચો સાથે સંવાદનો કાર્યક્રમ હોવાથી સ્ટેજ પણ ગ્રામ્ય થીમ પર ડેકોરેટ કરાયું હતું.
સી.આર પાટીલની હાજરીમાં યોજાયેલા સરપંચ સંવાદમાં 435 સરપંચો હાજર રહ્યા હતા. પાટીલે સરપંચને સતાના સર્વોપરી લેખાવ્યા હતા. સાંસદને ગામમાં જવું હોય તો પણ સરપંચ સાથે વાત કરવી પડે તેવું જણાવી સરપંચોને ભાજપ સરકારની યોજના લોકો સુધી મહત્તમ પહોંચાડવા જણાવ્યું હતું. સી.આર પાટીલે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, કોંગ્રેસમાં ટિકિટ રૂપિયાથી મળે છે. જ્યારે ભાજપમાં કાર્યકર્તાની મહેનતના આધારે ટિકિટ અપાય છે. કોંગ્રેસમાંથી આવેલા લોકોને ભાજપમાં પ્રવેશ આપવામાં આવશે નહિ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર અસર કરશે નહીં તેવું જણાવ્યું હતું.
ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલે ભાજપના એવા નેતાઓને સ્પષ્ટ સંભળાવી દીધું છે કે, જો તમે તમારા પરિવાર માટે કે સગા-સંબંધી માટે ટિકિટ માગશો તો નહિ મળે. પુત્ર-પુત્રી કે પત્ની માટે ટિકિટ માગતા નેતાઓને સીઆર પાટીલે સીધી લીટીમાં સૂચના આપી છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપમાં પરિવારવાદને કોઈ સ્થાન નથી. પ્રદેશ અધ્યક્ષની સૂચના મુજબ જ દાવેદારો માટે માપદંડ નક્કી કરવામાં આવ્યા છે અને ઉમેદવારી માટેની પ્રક્રિયામાં નવા માપદંડો લાગુ થશે. સીઆર પાટીલે યુવા ચહેરાઓને પ્રાધાન્ય આપવાની નિરીક્ષકોને સૂચના આપી છે અને કહ્યું કે જે ધારાસભ્યો ચૂંટણી હારી ગયા છે તેમને પણ ટિકિટ નહીં મળે. ચૂંટણી નિરીક્ષકો પણ સગાવાદ ના ચલાવે તે માટે સીઆર પાટીલે ઉમેદવારી પસંદગી અને નાપસંદગીનાં કારણો માગ્યાં છે. એટલે કે કયો ઉમેદવાર શા માટે પસંદ કરવામાં આવ્યો છે અને કયો નાપસંદ કરવામાં આવ્યો છે તેનાં પણ કારણો જણાવવાં પડશે. તો પહેલી ફેબ્રુઆરીથી ફોર્મ ભરાવાનું શરૂ થાય એ પહેલાં જ પોતાના પુત્ર-પુત્રી અને પત્ની કે સગા માટે ટિકિટ માગનારા નેતાઓની માંગણીનો સીઆર પાટીલે એક જ ઝાટકામાં છેડ ઉડાવી દીધો છે.
તેમણે કહ્યું કે, કોંગ્રેસના નેતાઓ પર ભરોસો કરવાનું છોડી દો અને ભાજપના કાર્યકરોને આગળ વધારો. ભરીસભામાં તેમણે રાજ્યકક્ષાના મંત્રી વાસણ આહીરને સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધું કે, કોંગ્રેસના નેતાઓને લાવીને હરખાવાનું બંધ કરો, આપણી પાસે કર્તવ્યનિષ્ઠ કાર્યકરોની ફોજ છે, તેમને પ્રાયોરિટી આપો. મંચ પર પોતાના ભાષણનો વારો આવતાં જ વાસણ આહીરે કેટલા કોંગ્રેસના નેતાઓને ભાજપમાં જોડ્યા છે તેની દુહાઈઓ આપવાનું શરૂ કર્યું. તે સાંભળતાં જ ભાજપના સુકાની સીઆર પાટીલે મંત્રીને સંભળાવી દીધું કે, આપણે બીજા પક્ષોમાંથી લોકોને લાવવાની જરૂર નથી. આપણા કાર્યકરો પર ભરોસો રાખો. એ જ ભાજપની અસલી તાકાત છે અને એ જ આપણી પાર્ટીનો પાયો છે. મોટી મોટી વાતો કરતા વાસણ આહીરને સીઆર પાટીલે મંચ પરથી જ ટકોર કરતાં મંત્રીજી ભોંઠા પડ્યા અને તેમને એ પણ ખબર પડી ગઈ કે તેમણે પાયો મજબૂત કરવાનું કામ કરવાનું છે નહીં કે કોંગ્રેસના નેતાઓને ભાજપમાં લાવવાનું કામ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે