સાસણ ગીરના દેવળીયા પાર્કમાં ત્રણ કર્મચારીઓ ઉપર સિંહનો હુમલો, એકનું મોત
સાસણ ગીરમાં આવેલા દેવળીયા પાર્કમાં સિંહ દ્વારા કરાયેલા હુમલામાં રજનીશ નામના કર્મચારીનું મોત થયું, જ્યારે અન્ય બે કર્મચારી ગંભીર રીતે ઘાયલ થયા છે
Trending Photos
જૂનાગઢઃ સાસણ ગીરમાં સિંહ દર્શન માટે બનાવાયેલા દેવળીયા સફારી પાર્કમાં ગુરૂવારે બે સિંહે એક કર્મચારી પર હુમલો કરીને તેને મારી નાખ્યો હતો. તેને બચાવા ગયેલા અન્ય બે કર્મચારી ઉપર પણ સિંહે હુમલો કરતાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. બંનેને જૂનાગઢ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
સાસણ ગીરની સફારી ઉપરાંત સિંહ દર્શન માટે દેવળીયા પાર્ક નામની એક નવી સફારી પણ શરૂ કરવામાં આવેલી છે. અહીં પણ સિંહ-સિંહણની જોડીઓ સહિતના અન્ય પ્રાણીઓનો વસવાટ છે. ગુરુવારે સિંહનું લોકેશન શોધવા માટે ગયેલા રજનીશ કેશવાલા નામના વનકર્મી ઉપર દેવળીયા પાર્કની સિંહની ફેમસ જોડી ગૌરવ અને ગૌતમ દ્વારા અચાનક જ હુમલો કરી દેવાયો હતો.
રજનીશ પોતાનો બચાવ કરે એ પહેલા જ જંગલના રાજાએ તેને મારી નાખ્યો હતો. સિંહના હુમલાની ખબર પડતાં દિનેશ સાંકડા અને મેરામણભાઈ ભરડના નામના રેસ્ક્યુ ટીમના ટ્રેકર રજનીશને છોડાવા માટે પહોંચ્યા હતા. કોઈ કારણસર ગુસ્સે ભરાયેલા સવાજોએ આ બંને કર્મચારીઓ ઉપર પણ હુમલો કર્યો હતો. સિંહોના આ હુમલામાં આ બે કર્મચારી પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
મૃત રજનીશની લાશને પોસ્ટમોર્ટમ માટે તથા ગંભીર રીતે ઘાયલ બંને કર્મચારીઓને વધુ સારવાર માટે તાત્કાલિક ધોરણે જૂનાગઢ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અહીં, હાલ તેમની સારવાર ચાલી રહી છે અને તબિયત સ્થિર હોવાનું જાણવા મળે છે.
હુમલાની આ ઘટના બાદ દેવળીયા પાર્કને સિંહદર્શન માટે તાત્કાલિક બંધ કરી દેવાયો છે. ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડને જણાવ્યું કે, વન કર્મચારી ઉપર હુમલો કરનારા સિંહ ગૌરવ અને ગૌતમને પકડવા માટે વન વિભાગે પાંજરા ગોઠવીને કવાયત હાથ ધરી હતી. ભારે જહેમત બાદ ગૌરવ અને ગૌતમ નામના આ સિંહને ઝડપી લેવામાં વન વિભાગને સફળતા મળી છે.
આદમખોર સિંહ ઝડપાઈ ગયા બાદ હવે આવતીકાલ એટલે કે શુક્રવારથી દેવળીયા પાર્ક લોકો માટે ફરીથી ખુલ્લો મુકવામાં આવશે એવી પણ સાસણ ગીર અભયારણ્યના અધિકારીએ જાહેરાત કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે