જમીન પચાવવાની સૌથી વધુ ફરિયાદ અમદાવાદમાં, સૌથી ઓછી ડાંગમાં

રાજ્ય સરકારે ગેરકાયદેસર રીતે પડાવાતી જમીનોના મુદ્દે લેન્ડ ગ્રેબિંગ એક્ટ લાગુ કર્યો છે. જમીન પચાવી પાડવામાં અમદાવાદ સૌથી અગ્રેસર છે. બીજા નંબરે સુરતમાં સૌથી વધુ જમીન પચાવી પાડવાની ફરિયાદો સામે આવી છે. 9723 હેક્ટર જમીન સમગ્ર રાજ્યમાં પચાવી પાડવામાં આવી હોવાની ફરિયાદો નવા કાયદા અંતર્ગત રાજ્ય સરકારના મહેસુલ વિભાગને મળી છે. 
જમીન પચાવવાની સૌથી વધુ ફરિયાદ અમદાવાદમાં, સૌથી ઓછી ડાંગમાં

હિતલ પારેખ/ગાંધીનગર :રાજ્ય સરકારે ગેરકાયદેસર રીતે પડાવાતી જમીનોના મુદ્દે લેન્ડ ગ્રેબિંગ એક્ટ લાગુ કર્યો છે. જમીન પચાવી પાડવામાં અમદાવાદ સૌથી અગ્રેસર છે. બીજા નંબરે સુરતમાં સૌથી વધુ જમીન પચાવી પાડવાની ફરિયાદો સામે આવી છે. 9723 હેક્ટર જમીન સમગ્ર રાજ્યમાં પચાવી પાડવામાં આવી હોવાની ફરિયાદો નવા કાયદા અંતર્ગત રાજ્ય સરકારના મહેસુલ વિભાગને મળી છે. 

રાજ્યના મહેસૂલ વિભાગના તારીખ 21 જૂન સુધીના આંકડાઓ ઉપર નજર કરીએ તો...

રાજ્યમાં 9723 હેક્ટરમાં આવેલી 585.38 કરોડની જમીન ઉપર ગેરકાયદેસર રીતે અથવા દબાણ કરીને જમીન પચાવી પાડવાના અલગ અલગ કિસ્સામાં ભૂ માફિયાઓએ કબ્જો જમાવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા લેન્ડ ગ્રેબિંગ કાયદા (land grabbing act) હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત સરકારને સમગ્ર ગુજરાતમાંથી 4831 ફરિયાદો મળી છે, જે પૈકી 88 અરજીઓમાં રાજ્ય સરકારે સુઓમોટોની કાર્યવાહી કરી હોવાના અહેવાલ છે.

રાજ્યમાં જમીન પચાવી પાડવાના કિસ્સાઓ વધી રહ્યા છે, ત્યારે ભૂમાફિયાઓ ઉપર અંકુશ મેળવવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ બની છે અને એટલે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા રાજ્યમાં લેન્ડ ગ્રેડિંગ એક્ટ અમલમાં લાવવામાં આવ્યો છે. જોકે સરકાર દ્વારા આ કાયદાનો ગત વર્ષે અમલ કરતા તેને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. 

  • રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત 241 પોલીસ ફરિયાદો અત્યાર સુધીનો થઈ ચૂકી છે. 
  • આ ફરિયાદમાં 872 લોકોને દોષિત માની આરોપી બનાવવામાં આવ્યા છે. 
  • અત્યાર સુધી 96 કેસની અંદર ચાર્જશીટ કરવામાં આવી છે. 
  • 53 કેસ સ્પેશિયલ કોર્ટમાં પહોંચ્યા છે

સૌથી વધુ અમદાવાદમાં, સૌથી ઓછી ડાંગમાં ફરિયાદ
આ કાયદા હેઠળ રાજ્ય સરકાર દ્વારા કરેલી કાર્યવાહી અંતર્ગત અલગ-અલગ જિલ્લાની વિગતો જોઈએ તો સૌથી વધુ અમદાવાદ માં 457 ફરિયાદો સરકારને મળી છે. જ્યારે બીજા ક્રમે સુરતમાં 288 ફરિયાદો મળી છે તો બીજી તરફ સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લામાં રાજકોટમાં 277, જામનગરમાં 135, જૂનાગઢમાં 123, ભાવનગરમાં 185, ગીર સોમનાથમાં 121, દેવભૂમિ દ્વારકા 141 અને મોરબી જિલ્લામાં 111 ફરિયાદો સરકારને મળી છે. તો બીજી તરફ મુખ્યમંત્રીના હોમ ટાઉન રાજકોટ જિલ્લામાં 86,5,310 ( 86 લાખથી વધુ) ચોરસમીટર વિસ્તાર માટે 277 અરજીઓ મળી હતી. જે પૈકી 167 અરજીઓમાં પ્રાથમિક તપાસ પૂરી કરી દેવામાં આવી છે. ઉપરાંત અરજીઓની સ્ક્રુટીની બાદ 141 અરજીઓ કલેક્ટરના અધ્યક્ષસ્થાને સ્પેશિયલ કમિટીમાં મૂકાઈ છે. જેમાંથી 28 લોકો સામે 10 ફરિયાદો નોંધાઇ છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સૌથી ઓછી અરજીઓ આદિવાસી પછાત ગણાતા ડાંગ વિસ્તારમાં માત્ર 6 ફરિયાદ આવી છે.

લેન્ડ ગ્રેબિંગ કાયદામાં કરવામાં આવેલી જોગવાઈ પ્રમાણે ખાસ કોર્ટમાં છ મહિનાની અંદર કેસનો નિકાલ કરવો પડશે. કોર્ટ દોષિત ઠેરવે તો 10 થી 14 વર્ષની સજાની જોગવાઈ કરવામાં આવેલી છે.

સામાન્ય માણસ પણ અરજી કરી શકે તે પ્રકારની ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. 24 ડિસેમ્બર 2020 થી અમલમાં મૂકવામાં આવેલા આ કાયદા અંતર્ગત જિલ્લા કલેક્ટરને પુરાવા સાથે અરજી કરવાની રહે છે. જેમાં કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સાત સભ્યોની કમિટી દ્વારા 21 દિવસની અંદર અરજી ઉપર પોલીસ ફરિયાદ કરવી કે કેમ તેનો નિર્ણય લેવામાં આવે છે. આ કમિટીની ભલામણના આધારે પોલીસ ફરિયાદ થાય છે. પોલીસ ફરિયાદ થયા પછી નિયત સમયમર્યાદામાં તપાસ કરવામાં આવશે. આ તપાસ ડીવાયએસપી કક્ષાના કે તેનાથી ઉપરના અધિકારી જો કરી શકે તે પ્રકારની જોગવાઇ કરવામાં આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news