શિયાળા દરમિયાન ગુજરાતમાં ખવાતી આ મીઠાઈની વિદેશોમાં જોરદાર માંગ! આખું વર્ષ શરીર રહે છે એકદમ ગરમ!

કચ્છી અડદિયા કે જે વિશ્વભરમાં પ્રખ્યાત છે અને માંગમાં રહેતું હોય છે તે આમ તો મીઠાઈમાં લેખાય છે પરંતુ સ્વાસ્થ્ય વર્ધક ખોરાકમાં પણ તેનો સમાવેશ થાય છે.અડદિયામાં મુખ્યત્વે અડદની દાળ વપરાય છે જેમાં ભરપુર માત્રામાં પ્રોટીન હોય છે.

શિયાળા દરમિયાન ગુજરાતમાં ખવાતી આ મીઠાઈની વિદેશોમાં જોરદાર માંગ! આખું વર્ષ શરીર રહે છે એકદમ ગરમ!

ઝી બ્યુરો/કચ્છ: ઋતુઓનો રાજા એટલે કે શિયાળુ આવે એટલે મીઠાઈનો કિંગ અડદિયા ખાવાની ઋતુ આવે છે. સામાન્ય રીતે લોકો શિયાળામાં શરીરને ગરમ રાખે તેવી અનેક વાનગીઓનો સ્વાદ માણતા હોય હોય છે. પરંતુ અડદિયાએ ગુજરાતીઓનું લોકપ્રિય શિયાળુ વાનગી છે જે અડદની દાળમાંથી બનતું હોય છે અને આ મીઠાઈમાં ઘણાં ડ્રાયફ્રુટ્સ અને 48 જેટલા વિવિધ પ્રકારના તેજાના હોય છે. શિયાળામાં અડદિયા ખાવાના અનેક ફાયદા છે તો અંદર ગરમ મસાલા અને તેજાના હોવાથી શિયાળા દરમિયાન ખાવામાં આવતા અડદિયા આખા વર્ષ માટે શરીરને તાકાત પૂરી પાડે છે.

શિયાળાનો કિંગ એટલે અડદિયા
કચ્છી અડદિયા કે જે વિશ્વભરમાં પ્રખ્યાત છે અને માંગમાં રહેતું હોય છે તે આમ તો મીઠાઈમાં લેખાય છે પરંતુ સ્વાસ્થ્ય વર્ધક ખોરાકમાં પણ તેનો સમાવેશ થાય છે.અડદિયામાં મુખ્યત્વે અડદની દાળ વપરાય છે જેમાં ભરપુર માત્રામાં પ્રોટીન હોય છે.તો આયુર્વેદમાં અડદને ગરમ પ્રકૃતિનું કઠોળ ગણવામાં આવે છે, આ ઉપરાંત તેમાં વિવિધ પ્રકારના ગરમ ગણાતા મસાલા અને તેજાના પણ નાખવામાં આવે છે માટે જ કહેવાય છે કે શિયાળાની ઋતુમાં ઠંડી સામે રક્ષણ મેળવવા માટે તો અડદિયા ખાવા જ જોઈએ.

શિયાળામાં શરીરને ગરમાહટ આપે છે અડદિયા
મીઠાઈના વેપારી મૌલિકભાઈ ઠકકરે Zee મીડીયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, છેલ્લા 7 દાયકાથી તેમના દ્વારા આ કચ્છી અડદિયા બનાવવામાં આવી રહ્યા છે. અડદિયામાં અગાઉ 32 પ્રકારના તેજાના અને મસાલા તેમજ જડીબુટીનો ઉપયોગ કરવામાં આવતો હતો સમય જતા અમુક જડીબુટ્ટીઓ હવે નથી મળતી ત્યારે અન્ય તેજાનાઓ કે જે શરીરને ગરમ રાખે છે તે કુલ 48 જેટલા મરી મસાલા તેજાના મળીને આ અડદિયા બનાવવામાં આવી રહ્યા છે.ચાલુ વર્ષે હજી ઠંડીનો માહોલ જેવો જામવો જોઈએ તેવો જામ્યો નથી જેના કારણે જે રેગ્યુલર ગ્રાહકો છે તેઓ હાલમાં ખરીદી કરી રહ્યા છે પરંતુ આગામી સમયમાં અન્ય ગ્રાહકો પણ જ્યારે ઠંડીનો જોર વધશે ત્યારે લોકો વધુ ખરીદી કરશે તેવી આશા વેપારીએ વ્યક્ત કરી છે.

48 જેટલા વિવિધ મસાલાઓમાંથી બને છે અડદિયા
અડદિયા બનાવવા માટે અડદનો લોટ, ખાંડ, ગાયનું દેશી ઘી, ગુંદ, દૂધ, કાજુ, બદામ, પિસ્તા, કીસમીસ, એલચી, લવિંગ, તજ, સૂંઠ તેમજ 48 જેટલા વિવિધ મસાલાઓનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. અડદિયામાં ભરપૂર માત્રામાં તેજાના હોય છે જેથી કરીને શિયાળાની ઠંડીમાં ખાસ કરીને તે શરીરને ગરમાહટ તો આપે જ છે સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ તે ગુણકારી હોય છે જેથી લોકો શિયાળામાં અડદિયા ખાઈને પોતાની રોગપ્રતિકારક શક્તિ પણ વધારતા હોય છે.

અડદિયામાં પણ આવી વેરાયટીઓ
સામાન્ય રીતે સરહદી જિલ્લા કચ્છમાં શિયાળાની ફુલ ગુલાબી ઠંડીના કારણે લોકોને ઠંડી વધારે પડતી હોય છે પરંતુ આવી ઠંડીમાં સ્વાસ્થ્યને તંદુરસ્ત બનાવવા માટે કચ્છનાં પ્રખ્યાત મસાલાથી ભરપૂર કચ્છી અડદિયાની માંગ વધારે રહેતી હોય છે અને હવે તો આ અડદિયમામાં પણ વિવિધ વેરાયટીઓ આવી ગઈ છે જેમાં રેગ્યુલર અડદિયા, ગોળવાળા અડદિયા એટલે કે ગોળદિયા, ઓછા મસાલા વાળા અડદિયા લાઈટ, સુગર ફ્રી અડદિયા તો વધુ મસાલા વાળા સ્પેશિયલ અડદિયાની વેરાયટી પણ હવે ઉપલબ્ધ છે.

શિયાળાની ઋતુ દરમિયાન શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ઉપયોગી
સામાન્ય રીતે નવરાત્રિના પહેલા નોરતે તેમજ દિવાળીનો તહેવાર સમાપ્ત થાય એટલે મીઠાઈના વેપારીઓ અડદિયા બનાવવાની શરૂઆત કરી દેતા હોય છે. શિયાળાની ઋતુ દરમિયાન શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ અડદીયા ખૂબ ઉપયોગી છે. ડિસેમ્બર અને જાન્યુઆરી મહિના દરમિયાન કચ્છમાં કડકડતી ઠંડીનો માહોલ હોય છે જેના કારણે અડદિયાની માંગ વધારે રહેતી હોય છે.

400થી 1100 રૂપિયે કિલોના ભાવે વેંચાય છે અડદિયા
હાલમાં કચ્છમાં અડદિયાના એક કિલોના ભાવ 400થી લઈને 1100 રૂપિયે કિલો સુધીના છે. અડદિયાની માંગ આજે પણ કચ્છ સહિત દેશભરમાં તેમજ વિદેશમાં અકબંધ રહી છે. કચ્છની તમામ મીઠાઈની દુકાનોમાં આ અડદિયા મળે છે પરંતુ વિવિધ મસાલાઓથી ભરપુર અડદિયાનો ઓરીજનલ સ્વાદ ખાવડાના અડદિયામાં મળે છે જે માત્ર કચ્છ નહિ પણ સમગ્ર ભારતમાં તો પહોંચે જ છે સાથે સાથે વિદેશમાં વસતા કચ્છીઓ પણ શિયાળુ શરૂ થતાની સાથે જ પોતાના સગા સબંધીઓ પાસેથી તો ડાયરેક્ટ મીઠાઈ વિક્રેતા પાસેથી અચૂક અડદિયા મંગાવે છે.

વિદેશોમાં પણ કચ્છી અડદિયાની માંગ
કચ્છના અડદિયા ઓસ્ટ્રેલિયા, દુબઈ, કેનેડા, અમેરિકા, લંડન જેવા દેશોમાં પહોંચે છે અને ત્યાંના કચ્છી લોકો અડદિયાની રાહ જોતા હોય છે કારણ કે વિદેશમાં અમુક સ્થળોએ ખૂબ ઠંડી રહેતી હોય છે ત્યાં અડદિયા ખાઈને લોકોને ગરમી મળતી હોય છે.તો અડદિયામાં એક ઇનગ્રિડેન્ટ તરીકે ખસખસનો પણ ઉપયોગ થતો હોય છે ત્યારે અમુક દેશમાં તેના પર પ્રતિબંધ છે ત્યારે કચ્છની આ પ્રખ્યાત મીઠાઈ તેવા દેશોમાં એક્સપોર્ટ કરી શકાતી નથી.

અડદિયા ના ઔષધીય ગુણોગે અંગે અહીંના ડોક્ટર નિકિતા ઉદેશી એ Zee મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે અડદિયાની અંદર ઓરીજનલ વસ્તુઓ બધી જો વાપરવામાં આવે તો ખરેખર એ શરીરને માટે શ્રેષ્ઠ છે અને વિસ્તૃત વાત કરી હતી. અડદીયાના ફાયદા અંગે વાતચીત કરતા આયુર્વેદિક ડોક્ટર નિકિતા ઉદેશીએ જણાવ્યું હતું કે,અડદિયા નું નામ સૌથી પહેલા આવે એટલે મગજમાં સૌથી પહેલા જે વાત આવે એટલે કે અડદની દાળ.એક ઔષધી રૂપે અડદની દાળ ખૂબ જ અમૃત સમાન છે. આ જે ઋતુ છે જેને આપણે હેમંત ઋતુ કહીએ છીએ જે ઠંડીની ઋતુ છે એની અંદર આપણા શરીરની અગ્નિ ખૂબ જ પ્રબળ હોય છે. આર્યુવેદની અંદર કહેવામાં આવ્યું છે કે અગ્નિ છે તે પ્રબળ રૂપથી શરીરને કવર કરતી હોય છે. ભૂખ સંતોષવા માટે અડદની દાળ જે ખૂબ ભારે છે તે શરીરની અંદરની અગ્નિને સંતોષી શકે છે. અડદની દાળમાંથી અનેક ઔષધીઓ બનાવવામાં આવતી હોય છે.

અડદીયાની અંદર જેટલી પણ ગરમ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે તે આ ઋતુમાં તે ખૂબ જ સારું છે. આ ઋતુમાં શરદી, ઉધરસ, તાવના રોગ થવા ખૂબ જ સામાન્ય છે ત્યારે તુલસી,અજમો જેવા અનેક ગરમ મસાલાઓ ઘરની અંદર રહેલા ઔષધીયો લોકો ભૂલી ગયા છે ત્યારે લોકો જો ગરમ અડદિયાનું સેવન કરે તો શરીરની અંદર નેચરલી ગરમી આવે છે જેનાથી આપણું શ્વાસ તંત્ર સ્વસ્થ અને તંદુરસ્ત બને છે જે ઇન્ફેક્શન અને વાયરસ વારંવાર આપણા શરીર પર હુમલો કરતા હોય છે ત્યારે અડદીયાની અંદર રહેલા મસાલાઓ આ તમામ રોગો સામે લડવા ખૂબ જ મદદરરૂપ રહે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news