અન્ય રાજ્યોમાં પરીક્ષા લેવાઈ રહી છે તો ગુજરાતમાં કેમ નહીં? રેસિડન્ટ્સ તબીબોએ કરી પરીક્ષાની માંગ
Trending Photos
અતુલ તિવારી/અમદાવાદ :કોરોના મહામારીમાં સમગ્ર વિશ્વમાં તબીબો ફ્રન્ટલાઈન વોરિયર્સ તરીકે ઉભરી આવ્યા છે. આવામાં કોરોનાને કારણે અનેક બાબતોને અસર થઈ છે. જેમાં રેસિડન્ટ્સ ડોક્ટર્સની પરીક્ષા પણ અટવાઈ છે. પરંતુ રેસિડેન્ટ્સ ડોક્ટરોની પરીક્ષા મોકૂફ રાખવામાં આવતા ડોક્ટરોમાં નારાજગી વ્યાપી ગી છે. ગુજરાત જુનિયર ડૉક્ટર્સ એસોસિએશને પરીક્ષાઓ સમયસર લેવામાં આવે તેવી માંગ કરી છે. સરકાર માગ ના સ્વીકારે તો કામકાજથી અળગા રહેવાની ચીમકી ઉચ્ચારી છે. ગુજરાત જુનિયર રેસિડેન્ટ્સ ડોક્ટરોએ આગામી 24 કલાકમાં પરીક્ષા લેવા મામલે સરકાર નોટિફિકેશન જાહેર કરે તેવી માંગ કરી છે.
પરીક્ષા લેવાશે તે અંગે ગઈકાલે ગુજરાત યુનિવર્સિટી દ્વારા પરિપત્ર કરીને કહેવામાં આવ્યા બાદ ફરી એકવાર રાજ્ય સરકારે ગઈકાલે બપોરે નિર્ણય બદલી પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લીધો હતો. જેથી જુનિયર ડૉક્ટર્સ એસોસિએશન નારાજ થયું છે. ઓગસ્ટ મહિનામાં ઉચ્ચ અભ્યાસ માટે એન્ટ્રન્સ ટેસ્ટ આવતી હોઈ સરકાર પરીક્ષા લે તેવી માંગ કરવામાં આવી છે. જો પરીક્ષાઓ મોકૂફ રહે તો આખું વર્ષ બગડે તેવો ડર તેઓને છે.
રેસિડેન્ટ્સ ડોક્ટરોએ સોશિયલ મીડિયાના માધ્યમથી સરકારને પરીક્ષા લેવા અંગે માગ ટ્વિટ કરી છે. ટ્વિટરના માધ્યમથી પણ ગુજરાત જુનિયર ડૉક્ટર્સ એસોસિએશને આંદોલન છેડ્યું છે. યુપી, રાજસ્થાન, બંગાળ, કર્ણાટક, દિલ્હી, મધ્યપ્રદેશમાં પરીક્ષાઓ લેવાઈ રહી છે તો ગુજરાતમાં કેમ નહીં? જેવા સવાલો સરકારને પૂછાઈ રહ્યાં છે. JDA (ગુજરાત જુનિયર ડૉક્ટર્સ એસોસિએશન) એ સરકારને ડોક્ટરોના ભવિષ્ય સાથે રમત ના રમવા અપીલ કરી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં લેવાની વિવિધ પરીક્ષાઓ અંગે વિરોધ કરાયો હતો, જેના બાદ રાજ્ય સરકારે પરીક્ષા ન લેવાનો નિર્ણય લીધો હતો. પરંતુ રેસિડન્ટ્સ તબીબો પરીક્ષા આપવા માંગે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે