જૂનાગઢના રાધારમણ દેવ ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં દેવ પક્ષનો વિજય
Trending Photos
સત્યમ હંસોરા/જુનાગઢ :જૂનાગઢના રાધારમણ દેવ ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં 7 બેઠકમાંથી 3 બેઠકનું પરિણામ જાહેર થઈ ગયું છે. જેમાં સંતોની બંને બેઠક પર દેવ પક્ષનો વિજય થયો છે અને આચાર્ય પક્ષમાં ઉમેદવાર ભગતનો વિજય થયો છે. દેવપક્ષના દેવનંદન સ્વામીનો 249 મતે અને પ્રેમસ્વરૂપ સ્વામીનો 248 મતે વિજય થયો છે. જ્યારે આચાર્યપક્ષના પાર્ષદ વિભાગના ઉમેદવાર ન્યાલકરણ ભગતનો 99 મતે વિજય થયો છે.
પાર્ષદ વિભાગમાં કુલ 132 મતમાંથી 2 મત રદ થયા, સંત વિભાગમાં 556 મતમાંથી 1 મત રદ થયો અને પાર્ષદ વિભાગમાં કુલ 132 માંથી 2 મત રદ કરવામાં આવ્યા હતા. વહીવટી પ્રક્રિયામાં વિલંબ થતાં મતગણતરી પોણો કલાક મોડી શરૂ થઈ હતી.
ઉલ્લેખનીય છે કે, જૂનાગઢમાં જવાહર રોડ ઉપર આવેલ શ્રી સ્વામિનારાયણ સુવર્ણ મુખ્ય મંદિરમાં શ્રી રાધારમણદેવ ટેમ્પલ બોર્ડની ચુંટણીમાં ગઈકાલે મતદાનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. સંતની 2 બેઠક, પાર્ષદની 1 બેઠક અને ગૃહસ્થની 4 બેઠક માટે નું મતદાન પૂર્ણ થયું હતું. કુલ સાત બેઠક માટે 27,700 કરતા વધુ મતદારો હતા અને 27 ઉમેદવારો મેદાનમાં હતા. દર વખતે ટેમ્પલ બોર્ડની આ ચૂંટણીમાં ભારે વિવાદો સર્જાય છે, ખાસ કરીને આ વખતે આચાર્ય પક્ષ તરફથી ભૂતિયા મતદારો મતદાર યાદીમાં ઘુસાડી દીધાના દેવ પક્ષ દ્વારા આક્ષેપ કરાયો હતો. તો સામે આચાર્ય પક્ષે આવું કઈં નહિ થયું હોવાનું અને નિયમાનુસાર ચૂંટણી યોજાઈ રહી હોવાનું જણાવ્યું હતું.
જિલ્લા કલેકટરની દેખરેખ હેઠળ સમગ્ર ચૂંટણી પ્રકિયા હાથ ધરાઈ હતી. તેના માટે એક ખાસ ચુંટણી અધિકારીની પણ નિમણૂંક કરવામાં આવી હતી. દરેક બુથ ઉપર ત્રણ કર્મચારી મળીને કુલ 29 બૂથ ઉપર 89 કર્મચારીઓએ ફરજ બજાવી હતી. મતદાન સ્થળે પોલીસ બંદોબસ્ત પણ મુકવામાં આવશે. મતદાન પૂર્ણ થયા બાદ સોમવારે મંદિર પરિસર ખાતે જ મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. મંદિરના ટ્રસ્ટી રતિલાલ ભાલોડીયાએ જણાવ્યું કે, વર્ષોથી આસ્થાનું કેન્દ્ર બનેલું જવાહર રોડ ઉપરનું આ સ્વામિનારાયણ મંદિરમાં ૧૯૪૦માં પ્રથમ વખત ચુંટણી યોજાઈ હતી. દર પાંચ વર્ષે વહીવટી પ્રક્રિયા માટે સમિતિ નીમવાના હેતુ માટે ચુંટણી કરવામાં આવે છે. ત્યાર બાદ ૧૯૮૪ માં ચુંટણી પ્રક્રિયામાં અનેક નિયમોમાં ફેરફાર થયા હતા. છેલ્લે 2015 સુધી કોર્ટ દ્વારા ચુંટણીથી હતી. જેમાં કોર્ટ દ્વારા નીમાયેલા વકીલના વડપણ નીચે ચુંટણી થતી બાદમાં કોઈએ વાંધો રજુ કરતા હવે પ્રથમ વખત સરકાર દ્વારા આ ચુંટણી યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જયારે દેવ પક્ષના કોઠારી સ્વામી શ્રી પ્રેમ સ્વરૂપદાસજી સ્વામી એ તમામ આરોપ નકારી કાયદાકીય પ્રક્રિયા મુજબ ચૂંટણી યોજાવાને સમર્થન આપ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે