અગ્નિ અખાડાના સાધુ રુદ્રનંદગિરીની હત્યાનો ભેદ ખૂલ્યો, ચાર હત્યારા ભાગવાની તૈયારીમાં હતા તે પહેલા જ પકડાયા
Trending Photos
નરેશ ભાલિયા/જેતપુર :જેતપુરની ભાદર કેનાલમાંથી એક સાધુની લાશ મળી આવી હતી અને આ સાધુની હત્યા શા માટે થઇ કોને કરી તે વિષે અનેક સવાલો સામે આવ્યા હતા. ત્યારે રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા આ બાબતે સઘન તપાસ શરૂ કરી હતી અને રાજકોટ LCB એ સાધુની હત્યા માટે 4 લોકોને પકડીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
ગત 4 માર્ચના રોજ જેતપુરના દાસી જીવણ પરા વિસ્તારમાંથી નીકળતી ભાદરની કેનાલમાં એક સાધુનો મૃતદેહ હાથ પગને દોરીથી બાંધેલ હાલતમાં મળી આવ્યો હતો. મૃતદેહના મોઢા ઉપર થોડા ઉઝરડા પણ જોવા મળ્યા હતા. આ મૃતદેહ બીલખા પાસે આવેલ હનુમાન મંદિરના મહંત સ્વામી રુદ્રાનંદગિરિની હોવાનું સામે આવ્યું હતું અને રાજકોટ પોલીસ અને જેતપુર પોલીસ તપાસમાં લાગી હતી. સાધુ રુદ્રાનંદગિરિનું મોત કેમ થયું તે માટે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરતા સાધુનું મોત ગળું દબાવીને કરવામાં આવી હોય તેવું સામે આવ્યું હતું.
સાધુની રુદ્રાનંદગિરિની હત્યા કોણે કરી શા માટે કરી તે દિશામાં પોલીસનો તપાસ શરૂ કરી હતી. કારણ કે સાધુ રુદ્રનંદગિરી સાથે અગ્નિ અખાડા સાથે સંકળાયેલ અનેક વિવાદોના ભાગ હતા. પોલીસ માટે આ હત્યાનો ભેદ ઉકેલવો તે લોઢાના ચણા ચાવવા સમાન હતું.
બીલખાના સાધુ સ્વામી રુદ્રાનંદગિરિની હત્યા સાથે અનેક સવાલો ઉભા થયા હતા અને આ સવાલોને સુલજાવ રાજકોટ રૂરલ LCB પણ સાથે જોડાઈ હતી અને તપાસની ગતિ તેજ કરી હતી. અનેક દિશામાં તપાસને અંતે એક CCTV ના આધારે તપાસને દિશા મળી હતી. જેમાં એક શંકાસ્પદ સફેદ કલરની સ્વીફટ કાર જેના નંબર GJ -24-AA-0363 ની જણાઈ આવતાં આ સ્વીફટ કાર વિશે હ્યુમન ઇન્ટેલીજન્સ તેમજ ટેકનિકલ સોર્સ આધારે તપાસ કરતાં આ સ્વીફ્ટ કાર રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના સુલતાનપૂર ગામના રહેવાસી જયેશભાઇ ગૌરીશંકર દવેની હોવાની ખૂલ્યુ હતું. આ દિશામાં તપાસ કરી કારના માલિક જયેશ દવેને શોધી કાઢવા માટે અલગ-અલગ ટીમો બનાવી લોકલ હ્યુમન ઇન્ટેલીજન્સ ડેપલપ કરવામાં આવ્યા હતા.
જે દરમ્યાન LCB શાખાના પોલીસ ઈન્સ્પેક્ટર એ.આર.ગોહિલને માહિતી મળી હતી કે, જયેશ દવે અન્ય ત્રણ ઇસમો સાથે ભાગવાની પેરવીમાં છે. તે ગોંડલથી સુલતાનપુર વચ્ચે મોવૈયા ચોકડી પાસે હતો. ત્યારે જયેશ દવે અને અન્ય ત્રણ ઇસમો દર્શક ઉર્ફે દર્શનભાઇ રતીલાલ દેગામા, દિનેશ છગનભાઇ ભાદાણી અને વિજય ઉર્ફે કાળુ પરસોતમભાઇ વધાસીયાને પકડી પાડવામાં આવ્યા હતા. પોલીસે તમામની આગવી ઢબે પૂછપરછ કરતાં તેઓએ કબૂલાત કરી કે, રૂપિયાની ઉઘરાણી બાબતે આ રૂદ્રાનંદગીરી બાપુ સાથે બોલાચાલી થતા રૂદ્રાનંદગીરી બાપુને ગળે ટૂંપો આપી મોત નિપજાવ્યુ હતું અને પછી લાશનું શું કરવું તે પ્રશ્ન થતા રુદ્રનંદગિરિની લાશને હાથ પગ બાંધીને જેતપુર તાલુકાના બોરડી સમઢીયાળા ગામ પાસે કેનાલમાં ફેંકી દીધી હતી.
કોણ છે આરોપી શા માટે એક સાધુની હત્યા કરવામાં આવી
હત્યામાં પકડાયેલ વિજય ઉર્ફે કાળુ પરસોત્તમ વઘાસિયાને હૃદયની બીમારી હતી અને એલોપેથી દવાથી કંટાળી ગયો હતો અને મોંઘી પણ પડતી હતી. એ દરમિયાન તેને રુદ્રાનંદીગીરી આયુર્વેદિક દવા કરે છે તેવી માહિતી મળી હતી. તેથી વિજય રુદ્રાનંદગિરીના સંપર્કમાં આવ્યો હતો અને તેમાંથી સબંધ આગળ વધ્યો હતો. વિજયે રૂદ્રાનંદગીરી બાપુને શેર બજારમાં રોકાણ કરવા માટે 2.5 લાખ રૂપિયા આપ્યા હતા, જે પૈકી 50 હજાર રૂપિયા પરત આપ્યા હતા. પરંતુ 2 લાખ લેવાના બાકી હતી. જેની ઉઘરાણી કરતાં રૂદ્રાનંદ બાપુએ આ રૂપિયા આપવાની ના પાડી હતી. આ બાબતે ઉપરોકત ચારેય આરોપીઓએ સાથે મળીને રૂદ્રાનંદગીરી બાપુ સાથે ઝપાઝપી કરી ગળે ટુંપો આપી મોત આપ્યુ હતું. બાદમાં મૃતતદેહને બોરડી સમઢીયાળા પાસે કેનાલમાં ફેંકી દીધો હતો.
હાલ 4 આરોપી રાજકોટ જિલ્લા પોલીસની કસ્ટડીમાં છે અને કાયદેરની કાર્યવાહી ચાલુ છે. જોકે, કોઈ આરોપી વિશે કોઈ ગુનાહિત ઇતિહાસ સામે નથી આવ્યો. જીવનમાં પહેલી વખત ગુનો કરીને આ બધા આરોપી કાયદાની ચુંગાલમાં ફસાયા છે અને એક સાધુની હત્યા માટે જેલના સળિયા પાછળ ધકેલાયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે