જામનગરના કાલાવાડ હાઈવે પર ટ્રક અને ઈકો કાર વચ્ચે ભીષણ અકસ્માત, 5 મોત, 3 ગંભીર
જામનગરના કાલવડથી 15થી 20 કિલોમીટર દૂર ધોરાજી તરફ જતા હાઇવે પર આવેલા ભાવુભાના ખીજડીયા ગામ પાસે ટ્રક અને ઇકો કાર વચ્ચે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બનાવના પગલે લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો અને પોલીસ ઘટનાસ્થળે દોડી
ગઇ છે. ઈકો કારનો કુચડો બોલાઈ ગયો હતો.
Trending Photos
મુસ્તાક દલ/જામનગરઃ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકા નજીક ભાવાભી ખીજડીયા ગામ પાસે હાઇવે પર શુક્રવારે સાંજના સમયે ઇકો કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં બે મુસ્લિમ પરિવારના કુલ પાંચ વ્યક્તિઓના ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું, જ્યારે 3 ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઇજાગ્રસ્તો વધુ ગંભીર હોવાથી મોતનો આંકડો હજુ વધી શકે છે. જામનગર પંથકમાં ગોઝારા અકસ્માતને લઇને બે મુસ્લિમ પરિવારોમાં માતમનો માહોલ છવાયો છે.
જામનગર શહેરના બેડી વિસ્તારમાં રહેતા નોતિયાર અને મોદી, બે મુસ્લિમ પરિવારના કુલ આઠ સભ્યો શુક્રવારની વહેલી સવારે ઇકો કાર મારફતે પોરબંદર નજીક બાવળાવદર ગામ પાસે આવેલ દરગાહે દર્શન કરીને સાંજના સમયે પરત ફરી રહ્યા હતા ત્યારે કાલાવડથી 22 કિલોમીટર દૂર આવેલ ભાવાભી ખીજડીયા ગામ પાસે હાઇવે પર ગોલાઈમાં ઇકો કાર અને ટ્રક વચ્ચે ધડાકાભેર અકસ્માત થયો હતો.
અકસ્માત એટલો ભીષણ હતો કે, ઇકો કારમાં રહેલા મુસ્લિમ પરિવારોના 8 માંથી કુલ 5 વ્યક્તિ કે જેમાં બે બાળકો, બે મહિલા અને એક પુરુષનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયું હતું. ગંભીર રીતે ઘવાયેલા ત્રણ વ્યક્તિને 108 મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી 2 વ્યક્તિની હાલત વધુ ગંભીર છે. સ્થાનિક ગ્રામજનોએ કારમાં ફસાઈ ગયેલા મૃતદેહોને બહાર કાઢ્યા હતા અને ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખેસડવાની તજવીજ હાથ ધરી હતી.
અકસ્માતનાં મૃતકોની યાદી...
1) શબ્બીર મામદ હુસેન નોતિયાર (ઉ.વ.38)
2) નુરજહાં શબ્બીરભાઇ નોતિયાર (ઉ.વ.36)
3) મહેજબિન શબ્બીરભાઇ નોતિયાર (ઉ.વ.12)
4) મનાઝીર શબ્બીરભાઇ નોતિયાર (ઉ.વ.2)
5) આયશાબેન હાજીભાઇ મોદી (ઉ.વ. 40)
અકસ્માતમાં ઇજાગ્રસ્તોની યાદી....
1) રેહાન શબ્બીરભાઇ નોતિયાર (ઉ.વ.30)
2) નવાઝ હાજીભાઇ મોદી (ઉ.વ.15)
3) રીઝવાના હાજીભાઇ મોદી (ઉ.વ.32)
જુઓ આ ગોઝારી દુર્ઘટનાનો વીડિયો...
અકસ્માતની જાણ થતાં કાલાવડ ગ્રામ્ય પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને જેસીબીની મદદથી પડીકું વળી ગયેલ કારને ટ્રકમાંથી દૂર કરવામાં આવી હતી. અકસ્માતનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી. અકસ્માતના કારણે થોડા સમય માટે ટ્રાફિક જામ થયો હતો. હાલ પોલીસે પાંચેય મૃતકોને કાલાવડ સરકારી હોસ્પિટલ ખાતે મોકલી પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે.
જામનગર શહેરના બેડી વિસ્તારમાં રહેતા નોતિયાર મુસ્લિમ પરિવારના પાંચમાંથી કુલ ચાર સભ્યોનાં મોત થયા છે. જેમાં ઇકો ગાડી ચલાવનાર ચાલક શબ્બીરભાઇ સહિત તેમના પત્ની અને બે નાના બે બાળકોનું મોત થયું છે. તેમના એક 15 વર્ષના મોટા બાળકનો ચમત્કારિક બચાવ થયો છે. કારમાં તેમની સાથે બીજા મુસ્લિમ મોદી પરિવારમાંથી પણ એક મહિલાનું મોત થયું છે અને પરિવારના અન્ય બે સભ્યોનો આબાદ બચાવ થતાં તેને સારવારમાં ખસેડાયા છે.
તેમાંથી એક મહિલાની હાલત હજુ વધુ નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. બે મુસ્લિમ પરિવારના ગમખ્વાર અકસ્માતની ઘટનાને લઈને બેડી વિસ્તારમાં ગમગીની અને માતમનો માહોલ છવાયો છે. પાંચેય મૃતદેહોને કાલાવડથી જામનગર તેમના નિવાસસ્થાને પહોંચાડવાની કાર્યવાહી બેડી વિસ્તારના આગેવાનો દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે