રાજકોટમાં મહિલા એક રાત પોલીસ સ્ટેશનમાં રહી અને બીજા દિવસે સવારે આપઘાત કરી લીધો
Trending Photos
રાજકોટ : શહેરમાં એક મહિલાએ પોલીસ મથકમાં આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. નયનાબેન નામના મહિલાને આજીડેમ પોલીસે પૂછપરછ માટે સાંજના સમયે બોલાવી હતી, ત્યાર બાદ આખી રાત મહિલા પોલીસ મથકમાં જ રોકાઈ અને સવારે બાથરૂમમાં જઈ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ઘટના બનતા ક્રાઇમબ્રાન્ચ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ત્યાર બાદ મહિલાની લાશને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
આ ઘટના અંગે DCP ઝોન ૧ પ્રવીણ કુમાર મીણાએ જણાવ્યુ કે, મુકેશ નામના વ્યક્તિએ રવી નામના વ્યક્તિ વિરુદ્ધ આજીડેમ પોલીસ મથકમાં કલમ ૩૨૬ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદને અનુસંધાને તપાસ કરતાં મહિલા અને મુકેશને સંબંધ હોવાની શંકા જતા મહિલાને પોલીસ મથકે પૂછપરછ માટે બોલાવી હતી. સાંજે ૬-૭ વાગ્યાના અરસામાં બોલાવી પૂછપરછ કરતા નયના બહેને પોલીસ સમક્ષ ગોળ ગોળ વાતો કરી હતી. જેથી પોલીસ દ્વારા સામાન્ય કડકાઇથી પુછપરછ કરવામાં આવી હતી.
જો કે રાત્રે ઘરે જશે તો પતિ મારશે તેવા ડરથી મહિલા આજીડેમ પોલીસ મથકે જ રોકાઈ હતી. અને ત્યાર બાદ સવારે આપઘાતનું પગલું ભર્યું હતું. પરંતુ અહી સવાલો ઊભા થાય છે કે જો મહિલાને તેના પતિથી ડર હતો અને તે વાતની પોલીસને જાણ હતી તો પોલીસે કેમ મહિલાને સુરક્ષિત રીતે તેના ઘરે ન પહોંચાડી? શહેરમાં કાર્યરત મહિલા પોલીસ મથક હોવા છતાં કેમ મહિલાને આજીડેમ પોલીસે પોલીસ મથકમાં રેસ્ટ કરવા દીધો? શા માટે મહિલા પોલિસ સ્ટેશને ન મૂકી આવ્યા? શું આ ઘટનામાં આજીડેમ પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ કઈ છુપાવી રહ્યા છે? આવા ઘણા સવાલો પોલીસ સામે આંગળી હાલ તો ચીંધી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે