ફરી ચાલશે સુરતની લોબી! ભાજપમાં પૂર્ણેશ મોદીનું કદ વધશે, ટૂંક સમયમાં સોંપાશે મોટી જવાબદારી

પૂર્ણેશ મોદીનું ભાજપમાં કદ વધી શકે છે. એટલે કે પૂર્ણેશ મોદીને રાષ્ટ્રીય સંગઠમાં લઈ જવાશે કે પ્રદેશ પ્રમુખ બનાવશે તે તો આગામી સમય દેખાડશે. પુર્ણેશ મોદીની કેન્દ્રીય મોવડી મંડળ સાથે યોજાયેલી આ બેઠક ગુજરાતના રાજકારણ માટે અત્યંત સૂચક માનવામાં આવી રહી છે.

ફરી ચાલશે સુરતની લોબી! ભાજપમાં પૂર્ણેશ મોદીનું કદ વધશે, ટૂંક સમયમાં સોંપાશે મોટી જવાબદારી

ઝી બ્યુરો/ગાંધીનગર: સી.આર. પાટીલના અનુગામી કોણ બનશે. તેના પરથી પડદો ટૂંક સમયમાં ઊઠે તેવી સંભાવના છે. ટૂંક સમયમાં પ્રદેશ ભાજપની કારોબારી બેઠક મળવાની છે. જેમાં પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષ માટે પ્રસ્તાવ રજૂ કરવામાં આવે તેવી સંભાવના છે. બીજી બાજુ આજે પૂર્ણેશ મોદી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડા સાથે મુલાકાત કરી છે. જેની તસવીરો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. આ તસવીરો પરથી રાજકારણ સાથે જોડાયેલા વિશેષજ્ઞો મોટી ધારણાઓ લગાવી રહ્યા છે. પૂર્ણેશ મોદીનું ભાજપમાં કદ વધી શકે છે. એટલે કે પૂર્ણેશ મોદીને રાષ્ટ્રીય સંગઠમાં લઈ જવાશે કે પ્રદેશ પ્રમુખ બનાવશે તે તો આગામી સમય દેખાડશે. પુર્ણેશ મોદીની કેન્દ્રીય મોવડી મંડળ સાથે યોજાયેલી આ બેઠક ગુજરાતના રાજકારણ માટે અત્યંત સૂચક માનવામાં આવી રહી છે.

પ્રદેશ પ્રમુખ માટે પણ નામ ચર્ચામાં!
ગુજરાતમાં આગામી તારીખ 4 અને 5 જુલાઇના રોજ સારંગપુર ખાતે સંગઠનની બેઠક મળવાની છે. ત્યારે આ બેઠક પહેલા સુરત પશ્ચિમના ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કેન્દ્રીય મોવડીમંડળ સાથે મુલાકાત કરી તેની તસવીરો સામે આવી છે. આ તસવીરોના કારણે ગુજરાતની રાજનીતિમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આ મુલાકાત એટલે  સૂચક માનવામાં આવે છે કેમ કે એવી પણ ચર્ચા ચાલી રહી છે કે ગુજરાત પ્રદેશ કારોબારીની વિસ્તૃત બેઠકમાં પ્રદેશ પ્રમુખની નિયુક્તિ કરવામાં આવી શકે છે અથવા તો કાર્યકારી પ્રદેશ પ્રમુખ માટે પ્રસ્તાવ લાવવામાં આવી શકે છે.

પૂર્ણેશ મોદીએ શાહ અને નડ્ડા સાથે મુલાકાત કરી
સુરત પશ્ચિમ વિધાનસભા બેઠકના ધારાસભ્ય પૂર્ણેશ મોદી આજે દિલ્હી પહોંચ્યા છે અને અહીં તેમણે ગૃહમંત્રી અમિત શાહ તથા રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા સાથે મુલાકાત કરી છે. આ બેઠકની તસવીરો પણ સોશિયલ મીડિયામાં જાહેર કરવામાં આવી છે. 

ક્યારથી પૂર્ણેશ મોદી આવ્યા ચર્ચામાં?
તમને જણાવી દઈએ કે, પૂર્ણેશ મોદી રાહુલ ગાંધી સામે કેસ કરીને ચર્ચામાં આવ્યા હતા. તેમણે મોદી સરનેમ મામલે રાહુલ ગાંધી સામે કેસ કર્યો હતો જેના કારણે રાહુલ ગાંધીને સજા થઈ અને ત્યાર બાદ તેમનું સંસદ સભ્ય પદ ગયું. જો કે, કોર્ટના આદેશ બાદ રાહુલ ગાંધીને ફરી રાહુલને સભ્ય પદ મળી ગયું છે.

આવો જાણીએ આખરે કોણ છે પૂર્ણેશ મોદી?
નામ: પૂર્ણેશ મોદી
જન્મ તારીખ: 22 ઓક્ટોબર 1965
જન્મ સ્થળ: સુરત
વૈવાહિક સ્થિતિ: પરિણીત
પત્નીનું નામ: શ્રીમતી બીનાબહેન
રાજ્યનું નામ: ગુજરાત
શિક્ષણ: ગ્રેજ્યુએશન, B.Com, LLB
પાર્ટીનું નામ: ભારતીય જનતા પાર્ટી
મતવિસ્તાર : સુરત પશ્ચિમ
વ્યવસાયઃ વકીલ

સુરતના અડાજણ વિસ્તારમાં પૂર્ણેશ મોદી પરિવાર સાથે રહે છે. તેઓ ગુજરાતની તેરમી વિધાનસભાની પેટાચૂંટણી (2013-17) જીતીને પ્રથમ વખત ગૃહમાં પહોંચ્યા હતા. હકીકતમાં વર્ષ 2013માં તત્કાલિન ધારાસભ્ય કિશોરભાઈનું બિમારીના કારણે અવસાન થયું હતું. આ પછી જ્યારે પેટાચૂંટણી થઈ ત્યારે ભાજપે પૂર્ણેશ મોદીને મેદાનમાં ઉતાર્યા અને તેઓ જીત્યા હતા. આ પછી જ્યારે 2017ની વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારે પૂર્ણેશ મોદી જ ભાજપના ઉમેદવાર હતા. તેમણે ચૂંટણીમાં ફરી જીતનો ઝંડો ફરકાવ્યો હતો. પશ્ચિમ વિધાનસભા મતવિસ્તાર મૂળભૂત રીતે સુરતના લોકોનો પ્રભાવ ધરાવતી બેઠક ગણાય છે. પૂર્ણશ મોદી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે. 

પૂર્ણેશ મોદીએ ગૃહમાં ગુજરાત સરકારની આરોગ્ય અને પરિવાર કલ્યાણ સમિતિના સભ્ય તરીકે 12 ઓગસ્ટ 2016 થી 25 ડિસેમ્બર 2017 સુધી સંસદીય સચિવની ભૂમિકા નિભાવી હતી. આ પહેલાં તેઓ સુરત મહાનગર પાલિકાના કોર્પોરેટર હતા. વર્ષ 2000-05માં તેઓ કોર્પોરેશન હાઉસમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટીના નેતા હતા. આ ઉપરાંત તેઓ 2009-12 અને 2013-16માં સુરત નગર ભાજપના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં પૂર્ણેશ મોદીને 1 લાખ 11 હજાર 615 વોટ મળ્યા હતા જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ઈકબાલ દાઉદ પટેલને માત્ર 33 હજાર 733 વોટ મળ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news