હાર્દિક પટેલના ઉપવાસઃ આજથી હાર્દિક દ્વારા પાણીનો ત્યાગ કરવાની જાહેરાત
જ્યાં સુધી અમારી માગ પુરી નહીં થાય ત્યાં સુધી હાર્દિક પાણી ગ્રહણ નહીં કરેઃ મનોજ પનારા, સરકારને પાસ તરફતી કોઈ પ્રસ્તાવ મળ્યો નથીઃ કૌશિક પટેલ
Trending Photos
અમદાવાદઃ હાર્દિક પટેલ દ્વારા આજથી પાણીનો ત્યાગ કરવાની જાહેરાત કરવામાં આવી છે. હાર્દિક પટેલ તરફથી પત્રકાર પરિષદને સંબોધતાં પાસ સમિતિના મનોજ પનારાએ જણાવ્યું કે, સરકાર જ્યાં સુધી સીધી વાટાઘાટોની શરૂઆત નહીં કરે ત્યાં સુધી હાર્દિક હવે પાણી પણ ગ્રહણ કરશે નહીં. અમારી મુખ્ય ત્રણ માગ છે, પાટિદાર સમાજને બંધારણિય અનામત, ખેડૂતોની સંપૂર્ણ દેવામાફી અને અલ્પેશ કથિરિયા સહિત જેલમાં બંધ પાટીદારોની મુક્તી.
સૌરભ પટેલ પર પ્રહારઃ
મનોજ પનારાએ સૌરભ પટેલને આડેહાથ લેતા જણાવ્યું કે, અમે ખેડૂતોના દેવામાફીની માગ કરી રહ્યા છીએ ત્યારે સરકાર તરફથી ઊર્જા મંત્રી એવા સૌરભ પટેલ ખેડૂતો અંગેની વાત કરી રહ્યા છે. ખેડૂતોનાં દેવામાફી અંગે કૃષિ મંત્રીએ આગળ આવવું જોઈએ. સૌરભ પટેલ ઊર્જા મંત્રી છે, ત્યારે તેમણે ખેડૂતોને સમયસર અને પુરતી વિજળી મળે તેના અંગે વાત કરવી જોઈએ.
મનોજ પનારાએ વધુમાં જણાવ્યું કે, સરકાર વારંવાર એક જ વાત કરી રહી છે કે, આ આંદોલન કોંગ્રેસ પ્રેરિત છે. પરંતુ છેલ્લા 25 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે. ખેડૂતોએ 25 વર્ષથી ખોબલે ને ખોબલે વોટ આપીને તમને સત્તામાં બેસાડ્યા છે. ખેડૂતોના પ્રતાપે જ નરેન્દ્ર મોદી આજે વડા પ્રધાન બન્યા છે. 25 વર્ષ બાદ નોટબંધી, જીએસટી સહિતના નિર્ણયોને લીધે આજે ખેડૂત દેવાદાર બન્યો છે.
જીતુ વાઘાણી પર પ્રહારઃ
ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી પર પ્રહાર કરતા પનારાએ જણાવ્યું કે, હાર્દિક ખેડૂતો માટે આંદોલન કરી રહ્યો છે. તમે તેને કોંગ્રેસ પ્રેરિત આંદોલન કહીને નજરઅંદાજ કરી રહ્યા છો. યુવાનની જિંદગી સાથે ખેલવાડ ન કરો. ગઈકાલે અમે કોર્ટમાં તમારા સ્ટેટમેન્ટ જોઈ ચૂક્યા છીએ. હાર્દિક પટેલ મરે તો મરે, અમને શું ફરક પડે છે. તમે એક હાર્દિકને ખતમ કરી શકશો, પરંતુ રાજ્યમાં ઘરે-ઘરેથી હાર્દિક પટેલ પેદા થશે ત્યારે તમારા પાયા હચમચી જશે. અમને એવું લાગી રહ્યું છે કે, સરકાર જાણી જોઈને અમારી સાથે વાટાઘાટો ન કરીને ગુજરાતમાં અશાંતિ ફેલાવા માગે છે. રાજ્યમાં અશાંતિ ફેલાય ત્યાર બાદ હાર્દિકને રાજદ્રોહના આરોપમાં જેલમાં પુરીને દેવા સરકાર માગે છે.
પનારાએ વધુમાં જણાવ્યું કે, સરકાર હાર્દિક પટેલનું જીવન ઉપવાસમાં ખતમ કરવા માગે છે. આવતા દિવસોમાં કોઈ વ્યક્તિ સરકાર સામે અવાજ ન ઉઠાવે એવી પરિસ્થિતિનું સરકાર નિર્માણ કરી રહી છે. અમને મળેલી માહિતી પ્રમાણે હાર્દિક પટેલને ટુંક સમયમાં જ હોસ્પિટલમાં દાખલ કરીને હોસ્પિટલમાં હાર્દિકની ખોટી સારવાર કરીને તે અગાઉથી જ કિડનીનો દર્દી છે, તેનું લીવર ડેમેજ છે અને તેને હાર્ટનો પ્રોબલેમ છે તેવું પહેલાથી સાબિત કરીને હાર્દિક ફરીથી પ્રજાનો અવાજ ન બને એવી ચેષ્ટા ભારતીય જનતા પાર્ટીના ઈશારે થઈ રહ્યું હોય એવું દેખાઈ રહ્યું છે.
છેલ્લા 13 દિવસથી ગાંધીચીંધ્યા માર્ગે અમે આંદોલન ચલાવી રહ્યા છીએ. સરકારે રાજ્યમાં અનેક સ્થળે અમારા ઉપર બળપ્રયોગ કર્યો છે, પરંતુ અમારા લોકોએ ક્યાંય હિંસાનો સહારો લીધો નથી અને લેશે પણ નહીં.
મનોજ પનારાએ જણાવ્યું કે, જો હાર્દિકને હોસ્પિટલાઈઝ કરાશે તો હાર્દિકની સાથે અમારા ડોક્ટર રહેશે અને અમારા અંગત મિત્રો પણ તેની સાથે હાજર રહેશે. જો હાર્દિકની બિમારીઓ અંગે ખોટું સ્ટેટમેન્ટ કરશે તો ગુજરાતની પ્રજા આ નહીં સાંખી લે.
નરેશ પટેલની મધ્યસ્થિ અંગે પનારાએ જણાવ્યું કે, ખેડૂતોના દેવામાફી, પાટિદાર અનામત અને અલ્પેશ કથિરિયાની મુક્તી માટે કોઈ પણ વ્યક્તિ મધ્યસ્થી કરવા તૈયાર થાય તો અમે તૈયાર છીએ. નરેશ પટેલ જેવા મુરબ્બી અને વડીલ વાત કરતા હોય તો અમે વાટાઘાટો કરવા તૈયાર છીએ. અમારા ત્રણ મુદ્દે સુખદ સમાધાન કરવા તૈયાર છીએ. નરેશભાઈ સમાજ જેવા જો આગેવાની લેતા હોય તો પાટીદાર સમાજને કે પાસ સમિતિને કોઈ વાંધો ન હોય. અમારે નરેશ પટેલ સાથે હજુ કોઈ ચર્ચા થઈ નથી.
મહેસુલ પ્રધાન કૌશિક પટેલનું નિવેદન
સરકાર સમાજ માટે ચિંતિત છે. હાર્દિક તરફથી કોઈ આધિકારિક રજુઆત કરાઈ નથી. ખેડૂતોના પ્રશ્નો મુદ્દે સરકાર હંમેશાં ચિંતિત છે. ગુજરાતના ખેડૂતો સમૃદ્ધ, સુખી અને તેમનાં ઉત્પાદનોને પુરતા ભાવ મળે તેવા સરકારે પ્રયાસો કર્યા છે. ગુજરાતનો કૃષિ વિકાસદર સારો છે. અમે પરેશ ધાનાણીને વિનંતી કરીશું કે, તેઓ હાર્દિકને મનાવે. અમારી સરકાર તમામ પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે તત્પર રહે છે. કોંગ્રેસ અનામત અંગે પોતાનું સ્ટેન્ડ ક્લીયર કરે. સરકારને નરેશ પટેલ કે પાસ તરફથી હજુ સુધી કોઈ પ્રસ્તાવ મળ્યો નથી. જો કોઈ સારો નિષ્કર્ષ નિકળતો હશે તો સરકાર વાટાઘાટો કરવા તૈયાર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે