'ટોક ઓફ ધ ટાઉન' બન્યા ગુજરાત પોલીસના Tik Tok વીડિયો, ગૃહ વિભાગમાં હલચલ

છેલ્લા બે-ત્રણ દિવસથી ગુજરાત પોલિસના Tik Tok વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યા છે, શુક્રવારે તેમાં ઉમેરો થતાં ડીસીપી મંજીતા વણઝારા, વડોદરાના PSI અરૂણ મિશ્રાનો બીજો વીડિયો અને રાજકોટ પોલીસનો પીસીઆર વાનનો વીડિયો બહાર આવ્યો હતો

'ટોક ઓફ ધ ટાઉન' બન્યા ગુજરાત પોલીસના Tik Tok વીડિયો, ગૃહ વિભાગમાં હલચલ

અમદાવાદઃ ગુજરાત પોલીસના Tik Tok વીડિયો આજકાલ 'ટોક ઓફ ધ ટાઉન' બનેલા છે. શુક્રવારે તેમાં ઉમેરો થતાં ડીસીપી મંજીતા વણઝારા, વડોદરાના PSI અરૂણ મિશ્રાનો બીજો વીડિયો અને રાજકોટ પોલીસનો પીસીઆર વાનનો વીડિયો બહાર આવ્યો હતો. પોલીસના Tik Tok વીડિયો પછી હવે ગૃહ વિભાગમાં હલચલ મચી ગઈ છે અને હવે ટૂંક સમયમાં આ બાબતે એડવાઈઝરી બહાર પડે તેવું જાણવા મળ્યું છે. 

ગૃહવિભાગ જારી કરશે એડવાઈઝરી
છેલ્લા બે-ત્રણ દિવસશી સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહેલા ગુજરાત પોલીસના Tik Tok વીડિયો પછી હવે સરકાર સફાળી જાગી ગઈ છે. ટૂંક સમયમાં જ ગૃહવિભાગ દ્વારા એક એડવાઈઝરી જારી કરીને કોઈ પણ પોલીસ કર્મીએ ફરજ દરમિયાન આ પ્રકારના વીડિયો ન બનાવવાની તાકીદ કરવામાં આવશે. ફરજ દરમિયાન આ પ્રકારની ગેરશિસ્ત દેખાવનાર પોલીસ કર્મી સામે સરકાર કાયદેસરનાં પગલાં પણ લઈ શકે છે. 

મંજીતા વણઝારાનો વીડિયો આવ્યો બહાર
મહેસાણાની એલઆરડી મહિલા પોલીસ કર્મચારી અલ્પિતા ચૌધરીના વીડિયોની તપાસ કરનારા અને તેનો સસ્પેન્શન ઓર્ડર બનાવનારા મહેસાણાના ડીવાયએસપી મંજીતા વણઝારાનો જ Tik Tok વીડિયો શુક્રવારે વાયરલ થઈ ગયો હતો. જોકે, તેમનો આ વીડિયો પોલીસ ડ્રેસમાં કે પોલીસ સ્ટેશનમાં નહીં પણ ઘરમાં જ પોતાની મિત્ર સાથે બનાવેલો હતો. તેમણે પોતે પણ સ્વીકાર્યું હતું કે, આ તેમનો પોતાનો જ વીડિયો છે.   

વડોદરાના PSI અરૂણ મિશ્રાનો બીજો વીડિયો વાયરલ
વડોદરા ક્રાઈમ બ્રાન્ચના PSI અરૂણ મિશ્રાનો બીજો Tik Tok વિડીયો વાયરલ થયો હતો. આ વિડીયોમાં PSI અરૂણ મિશ્રા ફિલ્મી ડાયલોગ બોલે છે. બીજો વિડીયો પણ તેણે પોલીસની વર્દીમાં જ બનાવેલો છે. બીજો વિડીયો વાયરલ થયા પછી વડોદરા પોલીસ બેડામાં હડકંપ મચી ગયો છે. 

PSI અરૂણ મિશ્રાની ટ્રાફિક શાખામાં બદલી
સોશિયલ મીડિયામાં બે Tik Tok વીડિયો બહાર આવી ગયા પછી વડોદરાના PSI અરુણ મિશ્રાની ટ્રાફિક શાખામાં બદલી કરી દેવામાં આવી છે. અરુણ મિશ્રા ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા હતા. DCP ક્રાઇમ દ્વારા વાયરલ Tik Tok વીડિયો મુદ્દે તપાસ કર્યા પછી અરૂણ મિશ્રાની બદલીનો નિર્ણય લેવાયો છે. 

રાજકોટમાં PCR વાન પર બેસીને બનાવ્યો Tik Tok વીડિયો
રાજકોટ સીટી પોલીસની ગાડીના બોનેટ પર બેસીને બનાવાયેલો એક Tik Tok વીડિયો શુક્રવારે વાયરલ થયો હતો. GJ 03 GA 1304 નંબરની પોલીસ કારના બોનેટ પર બેસીને બનાવાયેલા આ Tik Tok વીડિયોમાં પોલીસ કર્મચારી યુનિફોર્મમાં કાર ચલાવતો હોવાનું સ્પષ્ટ દેખાય છે. સમગ્ર મામલે પોલીસ કમિશ્નર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. આ અંગે રાજકોટના ડીસીપી રવિ મોહને જણાવ્યું કે, "Tik Tok વીડિયોમાં જે પોલીસ વાન ઝે તે રાજકોટ પોલીસના બી ડીવીઝનની PCR વાન છે. આ મામલે તપાસ પૂર્ણ થયા પછી જવાબદાર કર્મચારી સામે કાયદેસરનાં પગલાં ભરવામાં આવશે."

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news