રિવાબાએ જાહેરમાં સંભળાવ્યું ઈલેક્શન સમયે બહુ જોઈ લીધું તમારું વડીલપણું, ક્રિકેટર જાડેજાની પત્ની છે રિવાબા
ભાજપના બે મહિલા દિગ્ગજ નેતાઓ જાહેર કાર્યક્રમમાં પંચ પર જ બાખડ્યાં. જેમાં ભાજપના જ ધારાસભ્યએ જાહેરમાં પોતાની જ પાર્ટીના સાંસદ સભ્યને ખરીખોટી સંભળાવી દીધી.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાત ભાજપમાં યાદવાસ્થળી બંધ થવાનું નામ લઈ રહી નથી. પત્રિકાકાંડ બાદ આજે જામનગરમાં ભાજપનો કકળાટ જાહેરમાં આવી ગયો છે. લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાત ભાજપમાં કોંગ્રેસ કરતાં પણ વધારે કકળાટ જાહેરમાં આવી રહ્યો છે. ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલ વિરુદ્ધના પત્રિકાકાંડનો રેલો ભાજપમાં જ પહોંચ્યો છે ત્યાં આ પ્રકરણમાં પ્રદીપસિંહ વાઘેલાનો પણ ભોગ લેવાઈ ગયો છે. પ્રદિપસિંહ વાઘેલા એ સીઆર પાટીલના ખાસ હોવાને પગલે થયેલા આક્ષેપોથી હાલમાં ભાજપમાં આંતરિક કકળાટ વધ્યો છે. હવે ગુજરાતના જામનગરમાં એક જાહેર કાર્યક્રમમાં બા બગડતાં જાહેરમાં ભાજપની ફજેતી થઈ છે. ભારતના ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની અને જામનગરના ધારાસભ્ય રિવાબાએ મેયર અને સાંસદનો જાહેરમાં ઉઘડો લઈ લીધો છે.
ભાજપમાં આંતરિક કલેશઃ
આ મામલો કેમ બગડ્યો એની વિગતો બહાર આવી નથી પણ ઓન કેમેરા આ ભવાઈને પગલે પાટીલે પણ આ મામલે વિગતો માગી છે. રિવાબા જાડેજા એટલા ગુસ્સામાં હતા કે એમને 2 ટર્મથી સાંસદ પૂનમબેનને પણ આડેહાથે જાહેરમાં લીધા હતા. આ ઘટના બાદ ભાજપ આ મામલે લીપાપોતી કરી રહ્યું છે પણ આ ઘટનાએ સાબિત કર્યું છે કે ભાજપમાં બધુ સમૂસૂતરું નથી. આ સ્થિતિ રહી અને દિલ્હી હાઈકમાન્ડ આ બાબતે એક્ટિવ ન થઈ તો લોકસભામાં ભાજપને આ મામલે અસર પહોંચશે. જોકે, આ મામલે સૂત્રો કહી રહ્યાં છે કે પૂનમબેન તો આ મામલે મધ્યસ્થી કરાવી રહ્યાં હતા જોકે, વીડિયો કંઈક અલગ કહી રહ્યાં છે.
શિસ્તબદ્ધ પાર્ટીમાં અશિસ્તની ઘટનાઃ
શિસ્ત બદ્ધ પાર્ટી ગણાતી ભાજપમાં આજે જાહેરમાં ભવાડા થયા છે. જામનગરમાં એક જાહેર કાર્યક્રમમાં ધારાસભ્ય, સાંસદ અને મેયર વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ હતી. મામલો એટલો બગડ્યો હતો કે પોલીસ પણ આ મામલાને અટકાવવા માટે વચ્ચે પડી હતી. રિવાબા જાડેજા અટકવાનું નામ લઈ રહ્યાં ન હતા અને જાહેરમાં આ કાર્યક્રમ તમાશો બની ગયો હતો. આ મામલે કયા કારણોસર વાત વણસી એ વિગતો બહાર આવી નથી પણ કેમેરાની સામે રિવાબાનો ગુસ્સો સાતમાં આસમાને જોવા મળ્યો હતો. ધારાસભ્ય રીવાબા જાડેજા અને મેયર બીનાબેન કોઠારી તથા સાંસદ પૂનમબેન માડમ વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ ગઈ હતી. શહેર ભાજપ ધારાસભ્ય રિવાબા જાડેજા ભારે આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા. રિવાબા જાડેજાએ સાંસદ પૂનમબેન માડમને જાહેરમાં કટાક્ષમાં અને ગરમ થતા કહ્યું ચૂંટણીમાં પણ આપનું બહુ વડીલપણું જોવા મળ્યું હતું. હવે સવાલો એ ઉઠ્યા છે કે શું વિધાનસભાની ચૂંટણીથી આ કકળાટ ચાલી રહ્યો છે.
જામનગરમાં મારી માટી મેરો દેશ કાર્યક્રમમાં ભાજપના જ બે મહિલા વચ્ચે રકઝક થઇ હોવાનું સામે આવ્યું છે. જેનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં મેયરના શબ્દો સાંભળી શકાય છે કે ‘તમે મેયર સાથે વાત કરો છો, તમે અહીંથી ચાલ્યા જાવ. તો બીજી તરફ MLA રિવાબાના શબ્દો પણ સાંભળી શકાય છે કે અમુક લોકોને ભાન નથી પડતી અને સ્માર્ટ બનવા જાય છે. સાંસદ પૂનમ માડમે પણ બંનેની રકઝકમાં દરમિયાનગીરી કરી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તેમણે પણ રિવાબા જાડેજાના રોષનો સામનો કરવો પડ્યો હતો.
શું હતો સમગ્ર મામલો?
રિવાબા જાડેજાએ સાંસદ પૂનમબેનને જાહેરમાં કકળાટ કરતાં હવે ચૂંટણી સમયેની નારાજગી જાહેરમાં આવી ગઈ છે. આ દર્શાવે છે કે માત્ર ગાંધીનગર જ નહીં જિલ્લા સ્તરે પણ ભાજપમાં સખડ ડખળ ચાલું છે. ત્રણ મોટા મહિલા નેતાઓ વચ્ચે થોડા સમય માટે શાબ્દિક યુદ્ધ છેડાતાં આ મામલો ભારે ચર્ચાનો વિષય બન્યો છે. ધારાસભ્ય દિવ્યેશ અકબરી, શહેર ભાજપ પ્રમુખ અને જિલ્લા પોલીસવડા દ્વારા મામલો થાળે પાડવામાં આવ્યો હતો. લાખોટા તળાવ પાસે જાહેર કાર્યક્રમમાં સમગ્ર ઘટના બની હતી. હવે ચૂંટણી સમયેનો કકળાટ જાહેરમાં આવતાં માંડ થાળે પડેલો મામલો ફરી ચર્ચામાં આવ્યો છે. જામનગર જિલ્લાની ઉત્તર બેઠક પરથી ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યાં છે રિવાબા જાડેજા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે